હજાર ની નોટ

લક્ષ્મીબાઈ ને રોજ ના કરતાં આજે મોડી આવતાં જોઈ ને શેઠાણીબા એ ચિંતા કે સંવેદનશીલતા નો ડોળ કર્યા વગર છણકો કર્યો, “આજે વહેલા આવાનું યાદ ન રહ્યું તો બપોરનું ખાવાનું પણ નહીં મળે. અને હા, આજે ઘરના બધા પડદા  ધોઈ નાખજે!”

બિચારી લક્ષ્મીબાઈ કાંઈ બોલી ન શકી અને આમ દરેક ઘરે થી દાટ પડી અને મોડી રાતે પોતાની ઝૂંપડ-પટ્ટી તરફ પાછી ફરી.

લક્ષ્મીબાઈને દીકરો હતો કે જે બાપના દેવા ને લીધે ભરપાઈ કરી કરીને થાકી ગયો હતો પણ વ્યાજ ઉપર વ્યાજ ભરાય પણ બાકીનુ ઉધાર તો બાકી જ રહે. આખરે એણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો ને બિચારી લક્ષ્મીબાઈ ગામના વૈતરાં કરતી રહી ને એકલી જીવતી રહી.

ચાલી ચાલી ને ઘસાઈ ગયેલા ચંપલ અંગુઠેથી તૂટ્યા ત્યારે મોચીએ સાંધી દેવાની ના પાડી અને કીધું, “માઈ, બીજા નવા લે. આ હવે સંધાય તેમ નથી.”

લક્ષ્મીબાઈ આજુ બાજુ ની સોસાયટીમાં જઈ કામ કરે રાત પડે, ઘરે આવે. કેહવાતી ખોરડી – અરે નામ ની ખોરડી. માંડ માંડ ચૂલો બળે તો પણ લક્ષ્મીબાઈ શ્રધ્ધાથી રોજ દીવો કરે, મંદિરે જાય ને બાજુવાળા કેશુ ને દીકરાથી વધુ સાચવે.

બાજુ ની ખોલીમાં રહેતી જમનાબlઈ ને ત્યાં બકરી હતી તેની પાસેથી લક્ષ્મીબાઈ રોજ વાટકી દૂધ માંગી લાવી એની ચા બનાવી કેશુ સાથે રકાબી રકાબી પી ને આનંદ લેતી.  કેશુ પરણેલો પણ માઈ પાસે બેસી ને ક્યારેક ચા પીતો બેય સગા મા-દીકરાં જેટલો આનંદ પામતાં.

watercolor: Kishor Raval

કેશુએ ચૂંટણીના સમયમાં નેતા એમને ગામ પધારવાના છે તેમ કહ્યું સાથે જમણ પણ હતું. બધા ખૂબ હોંશે હોંશે પહોંચી ગયા. કોઈને ભાષણમાં રસ નહોતો. તે બધા ત્યાં ખુલ્લા મેદાન માં ધૂળમાં બેઠા હતા ને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ખાવાનું આવે. જ્યારે કેટરીંગ ટ્ર્ક આવી અને ઉભી રહી, ત્યારે નેતા એ પોતાનું ભાષણ જયહિંદ કહી ને બંધ કર્યું. બધાને પેકેજ્ડ ફૂડ મળ્યું.

બીજાની પાછળ આ બધાને પણ સ્ટેજ પાસે નેતા ના હાથે પૈસા મળ્યા. બધાને સો સો ની નોટ મળતી હતી પણ માઈ ના આશિર્વાદ મળે તેથી હજાર ની નોટ દીધી. લક્ષ્મીબાઈ ની મુઠ્ઠીમાં હજારની નોટ હતી તે ઘણાની નજર બહાર ના રહી. ડરતાં ડરતાં ઘરે આવી અને ક્યાં સંતાડવી એની ચિંતામાં સાડલાની ગાંઠે બાંધી, ખોસીને તે સૂઈ ગઈ.

વહેલી પરોઢે તેની આંખ ખૂલી ગઈ. પણ પડ્યા પડ્યા એને વિચાર આવ્યા કે આ પૈસામાંથી પોતાના તૂટી ગયેલાં ચશ્માં સમા કરાવવા. મૄત્યુ પામેલા દિકરા ના ફોટા ની ફ્રેમનો કાચ બદલવો. ને કેશુની વહુ માટે સાડલો અને એના બાબલા માટે બુશર્ટ-પેન્ટ લેવા. એ તો હરખાતી હરખાતી ઉઠી ગઈ. પૂજા પાઠ પતાવી કેશુ સાથે ચા પીતા પીતા બોલી કે, “જો તું સાથે આવે તો આ બધુ લેવા બાજુના શહેરમાં જવું છે.”

કેશુ એ પૈસા વાપરવા કરતા બિમાર પડે, કે કંઇ જરૂર પડે ત્યારે વાપરવાની સલાહ આપી. ઉડાડી મૂકવા ખૂબ મના કરી. પણ લક્ષ્મીબાઈ ન માની તે ન જ માની. છેવટે “એકલી જઈશ”, કહી ને ચાલવા માંડી. ન છૂટકે મા જેવી જ છે તો સાથે જવા કેશુ તૈયાર થયો.

બંને બસમાં બેસી શહેરે પહોંચ્યાં. હજુ તો દુકાનો ખુલતી જ હતી. ચશ્માના કાચ સમા થઈ ગયા, પણ હજારની નોટ ધરી તો દુકાનદારે કીધું “છૂટ્ટા નથી”. કેશુ એ પોતાના ખિસ્સામાંથી કાઢી અને બીલ ચૂકવ્યું. મૄત્યુ પામેલા દીકરાના ફોટા ની ફ્રેમ ને કાચ નંખાઇ ગયો પણ હજારની નોટ ના છુટ્ટા દુકાનદાર પાસેથી ના મળ્યા. તેણે કહ્યું બીજી ખરીદી કરીને, છૂટ્ટા મળે ત્યારે વળતા ફોટો લઈ જજો.

ગમતો સાડલો અને બુશર્ટ-પેન્ટ લઈને બીલ ભરવા લક્ષ્મીએ હજાર ની નોટ કાઢી તો દુકાનદાર ને એમનાં દેખાવ ઉપરથી લાગ્યુ કે આ હજાર ની નોટ સાચી ન હોઇ. સામે ચા પીતા હવાલદાર ને જોઈને બોલાવી પૂછ્યું “શું લાગે છે? હજારની નોટ સાચી છે કે ખોટી?” હવાલદાર કંઈ ઉતરે એવો નહોતો. બંને ને લઈ ગયો પોલિસ સ્ટેશને. કલાકો સુધી બહાર બેસાડી સાંજ પડવા આવી ત્યારે જેલ માં પૂરી દીધા. ઉપરથી પટ્ટે પટ્ટૅ કેશુ ને માર્યો એ અલગ. લક્ષ્મીબાઈ ની વાત કોઈને સાંભળવી નહોતી અને કેશુ એ નેતા ની વાત કરી તો કોઈ માનવા તૈયાર જ નહોતું.

આખો દિવસ અને આખી રાત ભૂખ્યા એક બીજાની ઓથે પડ્યા રહ્યા. કેશુ ને બહુ માર મારેલો. લક્ષ્મીબાઈ માથા કૂટતી રોકકળ કરી રહી હતી અને પોતાને દોષ દેતી બેઠી. જો એણે હજારની નોટ લીધી જ ના હોત તો? અને લીધી તો ખરચવાનો શોખ ના કર્યો હોત તો?

હવાલદાર જઈને ગામમાં આવેલા એજ નેતા ને રાતોરાત મળી આવ્યો. એની પાસેથી વાત જાણ્યા પછી એને બ્લેક-મેઈલ કરવાની ધમકી આપી. નેતા પાસેથી પચ્ચીસ હજાર કઢાવ્યા. ઉપરથી ચા-પાણી ના ચાર-પાંચ હજાર ચૂપ રહેવાના કઢાવ્યા.

સવારે ચા અને બ્રેડ આપી લક્ષ્મીબાઈ અને કેશુ ને ધમકાવતાં હવાલદારે કહ્યું “અહીંથી સીધ્ધા તમારા ગામે ચાલ્યા જાવ. આ તારી હજારની નોટ ને બીજા પચાસ રૂપિયા ભાડા ના રાખ.” બંને એ એક બીજા સામુ જોયું. લક્ષ્મીબાઈ એ હજારની નોટ જ લીધી અને ત્યાંથી ભાગતાં ભાગતાં બસ પકડી.

કન્ડક્ટર બીજાને ટિકિટ આપતો હતો ત્યારે પેલા ફોટાફ્રેમ વાળા દુકાનદાર નો અવાજ સંભળાયો. એણે હાકોટો પાડ્યો, “બાઈ, તારા દીકરા નો ફોટો…”. લક્ષ્મીબાઈએ હજારની નોટ કાઢી પણ દુકાનદારે કહ્યું, “બીજી વાર આવે ત્યારે પૈસા આપજે.”

રસ્તામાં આવતી નદીમાં હજારની નોટ બસ માંથી ફેંકતાં લક્ષ્મીબાઇ અને કેશુ એ હળવાશ અનુભવી.

yellow-line

લેખક: રેખા શુક્લ
mrshuklamj@gmail.com

આ લઘુકથા મરાઠી મુવી એક હાઞારાચી નોટ ના આધારે લખાયેલી છે, જેમાં લક્ષ્મીબાઇનું એક્ટીંગ ઉત્તમ છે. મુવી જોવાનું ચુક્તા નહીં. તેને ઘણા એવોર્ડ મળેલા છે.

આથમણી અવસ્થાનો પ્રેમ

સગુણાને લેઈક સાઈડ નર્સિગ હોમમાં કામ મળ્યું. સેવા કરવાનુ કામ ગમતું હતું. દાદા અને દાદીમાંની સેવા કરતી હોય તેવું લાગ્યું. ઘણાં અનુભવ થયા. તેમાંથી એક અનુભવ યાદ રહી ગયો.

બે અલઝાઈમર પેશન્ટ હતા. બંનેને જુદી જુદી વીંગમાં રાખવામાં આવ્યા હતા. તેઓ ને તૈયાર કરી નર્સીંગ સ્ટેશન ની સામે ખુરશીમાં બેસાડવામાં આવતા. જેથી નર્સનુ ધ્યાન રહે અને બધા બીજુ કામ કરી શકે. ધીરે ધીરે બંને વચ્ચે આકર્ષણ થયુ. બહુ બોલે નહીં પરંતુ એક બીજાનો હાથ પકડે. તેમની આંખો એકબીજાની સામે જોઈને હસે. તેમના નામ જોર્જ અને એલિઝાબેથ હતા. જોર્જ એલિઝાબેથની બંગડીઓ ઉપર હાથ ફેરવતા બેઠો હોય .

જોર્જ પરણેલો હતો એટલે બપોરે તેની વહુ ખબર કાઢવા આવે. આ દ્રષ્ય જુએ પણ કાંઈ બોલે નહીં. બપોરે નવરાં સ્ટાફ સાથે બેઠા હોઈ. એટલે સ્ટાફ સાથે વહુ થોડીક વાતો કરે. એક વાર સગુણાએ તેને પૂછ્યું, “How do you feel seeing this?” તો તે કહે “I am happy to see him happy.”

સગુણાની ડ્યુટીમાં એલિઝાબેથ હતી. તે પરણેલી ન્હોતી. સગુણા સાથે તેને સારૂ ભળતું. સગુણા ફોસલાવી પટાવી પ્રેમપૂર્વક તેની સાથે કામ કરે. બહાર બગીચામાં તેનો હાથ પકડીને તેને આંટો મરાવવા લઈ જાય. ક્યારેક સારા મૂડમાં હોય ત્યારે સરખા જવાબ આપે. પચાસ વર્ષ પહેલાની બધી વાત યાદ હોય. ત્યારે લાગે કે આને તો બધી ખબર પડે છે. ડાહી ડાહી અને મીઠી મીઠી વાતો કરે. બાકી તેને તૈયાર કરતી વખતે નાકે દમ લાવી દે. રેકોર્ડના ગ્રુવની જેમ દરેક ક્રિયામાંથી ખસી ન શકે. બ્રસ કરતી હોય તો બ્રસ કર્યા કરે. સગુણાને કહેવું પડે કે બસ હવે બહુ થયું. ખાતી હોય ત્યારે ભાવતું જ ખાય. બધી વસ્તુ એક સાથે પીરસેલી હોય તો મુંજાય જાય. ડિઝર્ટ તો પહેલા જ ખાઈ લેવું હોય.

watercolor: Kishor Raval

જ્યારે જોર્જને જુએ ત્યારે તેની પાછળ પાછળ ફરે. સગુણા તેઓ ઉપર નજર રાખે. એક દિવસ એલિઝાબેથ તાણીને જોર્જને પોતાની રૂમ બાજુ લઈ ગઈ. પથારીઓ થઈ ગઈ હતી એટલે રેલીંગ ચડાવેલા હતા. રેલીંગ નીચા કેવી રીતે કરવા તેની સુજ ન પડી એટલે તેને ટપવાના પ્રયત્નો કરતાં હતા. સગુણા દોડીને નર્સને બોલાવી લાવી. રંગમાં ભંગ પડ્યો તેનો રંજ તો થયો…

આથમતી ઉમરે અને મગજ ચાલતુ ન હોય ત્યારે પણ માણસને માણસની હુંફની જરૂર હોય છે, અને મનના ઓરતા રહી જાય છે. સગુણા તેવો વિચાર કરતી બંનેને ફોસલાવી ગ્રેફામ ક્રેકર અને જ્યુસ પીવા લઈ ગઈ.


લેખક: કોકિલા રાવળ, ડિસેંબર ૨૦૧૬

મીઠી વિરડી

સવારના સાત વાગે સેલફોનની કોલર ટ્યુનનો આઘાત થયો: જાગો મોહન પ્યારે જાગો, નવયુગ ચુમે નયન તિહારે, જાગો…એણે મહાપરાણે નૈન ખોલ્યાં, ઓહ! શ્રીમતીજીનો ફોન હતો:  “હા’હલો”

“હજી સુતા છો? ચાલવા નથી ગયા આજ? ઘરમાંથી પત્નીના જવાની જ વાટ જોતા હો છો તમે પુરૂષો.” શ્રીમતિજી ફોન ઉપર ગરજ્યા.

“અરે ભાઇ, આજ રજા છે રામનવમીની. રામચંન્દ્રજી જન્મીને આ ઊપહાર આપતા ગયા છે, માણવા દો ને જરા.”

“હા, હા માણો. માણવાનું તો બૈરી વગર જ હોય ને?”

“હશે. પણ સવાર સવારમાં હું યાદ દાસ્તાનમાં કેમ આવ્યો?”

“એ આજ રજા છે તો કપડાં બે દિવસના ભેગા થયા છે તે મશીનમાં નાખી દેજો, ઊપરની ટાંકીમાં પાણી ચડાવવાનું છે.” પત્નીએ કામ ગણાવ્યાં.

“ભલે સાહેબ, થઇ જશે. પણ લગ્ન માણવા ગયા છો તો માણોને મોજથી, બાકી બધું થયા કરશે.”

watercolor: Kishor Raval

“અરે યાદ ન કરાવીએં તો શું ધૂળ ને ઢેફાં થાય? લ્યો મુકું છું, મારી મમ્મી બોલાવે છે.” અને સેલફોન ડીસકનેક્ટ થઇ ગયો.

તેણે મોબાઇલ પલંગને સામે છેડે ફેંક્યો. માથું ઓશિકા ઊપર બરોબર ગોઠવ્યું. સુખની થોડી ક્ષણ પણ કયાં કોઇથી સહેવાય છે? આ સુખ પણ કેવી મરીચીકા છે, જે ક્યારેય મળતું નથી અને આભાસી સુખ માણવામાં ક્યારેક સફળ થઇએ તો આ સેલફોનનું ગ્રહણ અને એ દ્વારા પત્નીનું તાંડવ. સારૂં થયું સાસુએ બોલાવ્યા દિકરીને નહીં તો ફ્રી લેક્ચર સીરોઝનું એક વધુ ભાષણ આવી પડત. કોઈની મગદૂર છે કે ડાહ્યા શ્રોતાની જેમ ન સાંભળે?

પણ હવે પેલા સપનાને માણવાની ઊંઘ અત્યારે થોડી જ આવવાની છે? માણસ પણ કેવો અભાગિયો છે. ગમે તે સમયે ભોંમાંથી ભાલા ઊગી નિકળે, એક અર્ધી કલાક પછી ફોન કર્યો હોત તો?

ચાલ સુવાથી કાંઇ વળવાનું નથી. પહેલા રજાના દિવસની મસ્ત મજાની ચા તો પી લઊં. ઘણા દિવસે બે ચમચી વધારાની ખાંડ વાળી ચા પીવા મળશે.

એ ચા બનાવી પીવા બેઠો. કેવું ઝડપથી છીનવાઇ ગયું હતું બધું. એ પણ અણધારી રીતે. નહીં તો એણે અને સુધાએ નક્કી કરી જ નાખ્યું હતું કે આમ તો બન્ને ના માબાપ લગ્ન કરાવી દે એવી કોઇ શક્યતા રહી ન હતી. પેલા જુના જરીપુરાણા કારણો જ: જ્ઞાતિફેર ને આર્થિક અસમાનતા ને શોધીએં તો કેટલા બધા કારણો મળી આવે! એટલે એકવાર ભાગી જઇને લગ્ન કરી લેવા પણ સમય-સ્થળ નક્કી કરવામાં ઘણો સમય વેડફાઇ ગયો અને એક દિવસ સુધાને રાતોરાત મોસાળ મોકલી દેવાઇ અને પછી એને જાણવા મળ્યું કે સુધાને તો પરણાવી દેવાઇ છે.

એને તો હાથ ઘસવાના જ આવ્યા. પછી થયા સમયના મલમપટ્ટા. અને એ પણ પરણ્યો જ. જીવનનું ગાડું ગબડતું રહ્યું, હા રગશિયું ગાડું.

પણ સુધા ભુલાતી’તી ક્યાં? વાસ્તવિક કરતાં એ કલ્પના અને સપનાની દુનિયામાં અધિક જીવતો થઇ ગયો હતો, ત્યાં એ સુધાને મળી શકતો, અડી શકતો, એને આલિંગી શકતો, ચુમી શકતો ને એ કેટલો ખુશ રહી શકતો! આજ પણ સવારનું સપનું એનું જ હતું ને!

પણ સવારે તો પડતો જ ક્યારેક દૂધવાળાનો સાદ, ક્યારેક ફોનની રીંગ, ક્યારેક પત્ની નો નાદ.

પછી?

પછી કાંઈ નહીં. વાસ્તવિકતા એ એક એવો ખૂંટો હતો જ્યાં હરાઈ થઈને વિહરતી કલ્પનાઓને બંધાયા સિવાય છૂટકો ન હતો. એ ક્યારેક મનને વઢતો – સાચુકલું વઢતો પણ…

કરુણતાય કેવી હતી એણે હકીકતોનૂં વાવેતર કરેલું અને એ ફક્ત સપના જ લણી શક્યો અને એ સપના એની માટે આજ આશ્રયસ્થાન બની ગયા હતા. એ એમાં મહાલી શકતો, ડુબી શકતો, એ એને મીઠી વિરડી કહેતો.


ભાવનગર, November 7, 2016
Lakshman Radheshwar <lvradhe@outlook.com>

સંબંધ

શિયાળામાં ગુજરાત ગઈ ત્યારે પાડોશીના સંબંધોનો અનુભવ થયો.

અમદાવાદમાં સવારના ૬:૩૦ વાગે બસ પકડવાની હતી. હું જેને ઘેર ઉતરી હતી તેને તાજેતરમાં હરનિયાની સર્જરી કરાવેલી એટલે તે મૂકવા આવી શકે તેમ ન્હોતા. તેમણે આગલી સાંજે રિટાયર્ડ પાડોશીને પોતાને ઘેર બોલાવ્યા અને તેમને કહ્યું કે બેનને બસ ડિપો સુધી મૂકી આવવાના છે.

By Muhammad Mahdi Karim (www.micro2macro.net) Facebook Youtube - Own work, GFDL 1.2, https://commons.wikimedia.org/w/index.php?curid=9681439
By Muhammad Mahdi Karim (www.micro2macro.net) Facebook Youtube – Own work, GFDL 1.2, https://commons.wikimedia.org/w/index.php?curid=9681439

એ તો સવારના ૫:૩૦ વાગે હાજર થઈ ગયા. પછી એવે સમયે રીક્ષા શોધવી અઘરી હતી. પાડોશમાં છાપાનો ધંધો કરતાં ભાઈ પાસે પોતાના કામ માટે રીક્ષા રાખેલી. તેઓ ચોકમાં બત્તીના અજવાળે છાપા ગોઠવતા હતા. તેમને પૂછ્યું એટલે એ તરત તૈયાર થઈ ગયા. બંને જણા મને મૂકવા આવ્યા. રીક્ષાવાળાભાઈએ મારી પાસેથી પૈસા ન લીધા. એ અમને મૂકીને પાછા ગયા. પેલા પાડોશી ભાઈ મારી બસ આવે ત્યાં સુધી રોકાણાં અને હું સામાન સાથે બરાબર ગોઠવાય ગઈ પછી તેમણે વિદાય લીધી.

પાડોશીના નાતે આજુબાજુવાળા ચા નાસ્તા માટે પણ મને આમંત્રણ આપી ગયા. ઓછું હોય તેમ એક પાડોશીને ઘેર લગ્ન હતા. તેમાં પણ મને આમંત્રણ મળ્યું!

અમેરિકામાં પાડોશી hello how are you અને have a nice day. સિવાય વધારે વાત ન કરે. ત્યાં સંબંધની તો ક્યાં આશા રાખવી?


અમદાવાદની એક ઘટના, કોકિલા રાવળ, જાન્યુઆરી ૨૦૧૬

માય ગ્રાની 

‘આજે તો આપણે બહુ બીઝી છીએ ડોક્ટર.’ નર્સ સ્ટેલા બોલી અને ડોક્ટર બ્રાઉને મલ્કાઈને સ્ટેલા તરફ નજર ફેરવી લેતા બોલ્યા ‘ધેન ઇટ મસ્ટ બી ફૂલ મુન ટુનાઈટ!!’

હાંફળી ફાંફળી મેટ્રન આવી ને બોલી ‘ડોક્ટર યુ આર નીડેડ ઇન આઈ.સી.યુ. ડિપાર્ટમેન્ટ, પ્લીઝ હરી!’

ઓપરેશન ટેબલ પર એલીઝાબેથ કણસતી હતી. બાળકની ડીલીવરી માટે ડોકટર સ્મીથ સ્ટ્રગલ કરી રહ્યા હતા. પણ નર્સ કહી રહી હતી એનું બી.પી ખૂબ ઉંચુ છે ‘શી ઇઝ ઇન ડેન્જર!’

તરફડતી એલીઝાબેથ ‘માય બેબી, ઓહ ગોડ!’ બોલી ન બોલી ને મશીન પર હાર્ટબીટ્સ ની લાઈન સળંગ થતી રહી અને બીપ બીપ અવાજ આવતો રહ્યો. ડોકટર બ્રાઉન ઉતાવળા એલીઝાબેથ તરફ ધસ્યાં અને બોલ્યા ‘કેન આઈ ડુ સમથીંગ? લુક્સ લાઇક ઇટ્સ બ્રીચ બેબી. એન્ડ નર્સ, ગીવ એક્સ્ટ્રા ઓક્સિજન ટુ હર.’

‘બટ ડોકટર શી ઇઝ નો મોર !!’ બેબી બહાર આવી ગઈ પણ એલીઝાબેથની આંખો મિંચાઈ ગઈ. ઓલમોસ્ટ ચાર મિનીટો પસાર થઈ ગઈ. ડોકટર ડીડ વોટેવર ધે કેન પણ એલીઝાબેથ ની હાલત એમજ રહી.

નર્સ બેબી લઈને એલીઝાબેથના કાન પાસે ઉભી હતી. બેબી નો હાથ એલીઝાબેથના કપાળ ઉપર હતો. અને તે જોર જોરથી ઉંવા ઉંવા ઉંવા પુકારતી ભૂખની રડી રહી હતી.

શું માને એની ચિસો ન્હોતી જગાડતી? ચમત્કાર જાણે થયો કે વિધાતા ને આવી ગઈ શરમ. કે એક મૄતમા એ સાંભળી બાળકની ચીસો!

ધીમે રહી એલીઝાબેથે આંખો ખોલી અને મશીન ફરી ઉંચી નીચી લાઈનમાં ધબકારા બતાવવા લાગ્યું! બધાની આંખો ભીની હતી પણ માને વળગેલું બાળક તો હજુય રોતું જ હતું.

‘માય બેબી, માય બેબી.’ બોલતાં ફરી આંખો મીંચી દીધી. એલીઝાબેથ ને મોતના મુખમાંથી બચાવનાર બેબી ને બધા ‘મિરેકલ બેબી’ તરીકે જ બોલાવવા લાગ્યા. સેરા નામની નર્સ ઉપરથી તેનું અસલી નામ તો સેરા પાડ્યું હતું. સેરા વોઝ ક્યુટ – સ્માર્ટ – સ્ટ્રોંગ – ફેર અને વેરી લવિંગ હતી; એની મોમ એલીઝાબેથની ડુપ્લીકેટ જ જોઈલો. ..!

ડોકટર એક બીજાને શેક હેન્ડ કરી છૂટા પડ્યા.

photo: Kokila Raval
photo: Kokila Raval

રેખા શુક્લ, Rekha Shukla, mrshuklamj@gmail.com

 

મામી ખોવાણાં

મામી અમેરિકાથી અમદાવાદ આવ્યા. પહેલે દિવસે કુતરૂં ભસ્યું. પછી તો તે મામીને ઓળખી ગયું હતું. મામી રોજ શાકબજારમાં ઘરના કોઈ જતું હોય તેની સાથે ઉપડે. એ બહાને થોડી ચાલવાની પણ કસરત થઈ જાય.

શાકવાળાના હાકોટા સાંભળે. તાજા શાકના ઢગલા જોઈને ખુશ થાય. સામેથી ગાય દેખાય તો ખસીને એક બાજુ ઉભી રહી જાય. ઉભા કંટાળે તો આગળ આગળ ઉપડે.

mami-aavya
photo: Kokila Raval

એક સાંજે ભાણેજ વહુ સાથે શાક બજારે ઉપાડ્યા. એક બે શાક અને છેલ્લે પોપૈયું લેવું છે તેવી વાત થઈ હતી. ભાણેજ વહુ શાક લેવામાં પ્રવૃત્ત હતા. મામી તો રોજની ટેવ પ્રમાણે આગળ ઉપડ્યા. થોડી થોડી વારે પાછળ જોતા જાય કે ભાણેજ વહુ દેખાય છે કે નહીં. બે ચાર શાકવાળા આગળ થોડી થોડી વાર ઉભા રહ્યા. મનમાં વિચારે દૂધી કૂણી અને તાજી છે. દૂધી-ચણાનું શાક મસ્ત લાગશે. મેથીની ભાજીના ગોટા સારા લાગશે. પાંદડાવાળા મૂળાનું લોટવાળુ શાક ફરસુ સારું થશે. ભાણેજ વહુ આવે એટલે વાત કરું. પરંતુ ભાણેજ વહુ દેખાણાં નહી એટલે મુંજાણાં. પોપૈયું લેવું છે તેવી વાત થઈ હતી. એટલે પોપૈયું શોધતા ઘરની દિશા બાજુ આગળ વધ્યા. ભાણેજ વહુ બીજી દિશામાં પોપૈયું લેવા ગયા’તાં. મામી તો રાહ જોઈ જોઈને થાક્યા.

પોપૈયાની લારી આગળ પહોંચતા મામીએ ભાણેજ વહુનો પોતાના ફોનમાં નંબર શોધ્યો એટલે જડ્યો નહી. અંદર મોબાઇલમાં ફોન કર્યો તો ભાણેજ હરદ્વાર આગળ રૂડકી ગામે IITમાં PHD કરવા ગયા હતા. ફોન ત્યાં લાગ્યો. તેણે મામીને કહ્યું કે તે તેની વહુને શંદેશો આપશે કે મામી ક્યાં ઉભા રહેશે.

તે પહેલા ભાણેજ વહુએ ઘેર જણાવ્યું કે મામી જડતા નથી. ઘેર બીજા મહેમાન બેઠેલા. તેણે પણ તે વાત સાંભળી હતી. તે પણ શાક બજારે જવાના હતા. અમે પાછા ફરતા હતા ત્યારે તે પણ અમારું સામૈયું કરવા આવ્યા.

આમ આખા ફળિયામાં ખબર પડી ગઈ. બધાને હસાવ્યા કે મામી જડી ગયા. મામીને થયું કે હું દાંડાની જેમ બે લારી વચે એક બાજુ બે ત્રણ જગ્યાએ ઉભેલી તે કેમ દેખાણી નહી!  ફળિયાનું કુતરું પોપૈયાની છાલ ખાવા માટે ઊંચું નીચું થઈ રહ્યું હતું…


અમદાવાદની એક ઘટના, કોકિલા રાવળ, જુલાઇ ૨૦૧૬

સર્જીકલ સ્ટ્રાઇક

watercolor: Kishor Raval

શિવ ચાર વર્ષનો હતો. નોટનું મૂલ્ય એ સમજતો નહીં.બસ એને લાલ નોટ તરફ ભારે લગાવ. ત્યારે એ વીસ રુપિયાની લાલ નોટ પસંદ કરતો. કોઇ એને પચાસ અને વીસની નોટ વચ્ચે પસંદગી કરવાનું કહેતું તો એ વીસની નોટ પસંદ કરતો. જરા મોટો થયો ને એના જન્મદિને નાનીમાએ એને હજારની લાલ નોટ આપી. એ ખૂબ ખુશ થઇ ઉઠ્યો: વાહ! આ તો મોટી લાલ નોટ છે ને! પછી જ્યારે નાનીમાની મુલાકાત થતી એનો મોટી લાલ નોટનો લાગો લાગી જતો. પપ્પાએ ટેબલનું એક ખાનું એને ફાળવી આપ્યું હતું જેમાંએ ગમતા રમકડાં, વપરાયલી બોલપેનના ખોખાં વગેરે અને એક લિફાફામાં લાલ નોટો રાખતો. ચાવી એ પોતાના ઓશીકા નીચે રાખતો.

એ ક્યારેય મોટી લાલ નોટો કોઇને આપતો નહીં. હવે એના ખજાનામાં પાંચ-સાત મોટી લાલ નોટો ભેગી થઇ ગઇ હતી.

આજ એના પપ્પાએ એની પાસેથી મોટી લાલ નોટો માગી પણ એણે સખત વિરોધ કર્યો અને થોડું તોફાન પણ.પપ્પાએ એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ એ ટસ નો મસ ન થયો.

બીજી સવારે શિવ ખૂબ ઉદાસ બેઠો હતો. જાણે કોઇ મોટી લડાઈ હારી ગયો હોય એવી એની મુખાકૃતિ હતી. આજ ન તો એણે દૂધ પીધું ને ન તો નાસ્તો કર્યો, પપ્પા દ્વારા દ્વારા દ્વારા એના ખાના પર સર્જીકલ સ્ટ્રાઇક ત્રાટકી હતી અને એના લાલ નોટોના ખજાનાનો સફાયો થઇ ગયો હતો.


ભાવનગર, 17-11-16
Lakshman Radheshwar <lvradhe@outlook.com>

 

અગ્નિદાહ

અગ્નિદાહ – લઘુકથા

કાયમઅલી સારો કારીગર હતો વિજયભાઇના કારખાનામાં એ મિકેનિક તરીકે વફાદારી અને ખંતપૂર્વક કામ કરતો અને એટલે જ વિજયભાઈએ કારખાના પાછળ આવેલા વિશાળ કમ્પાઉંડના પાછલે છેડે ઝુંપડું બાંધી એને રહેવાની મંજુરી આપી હતી.

અહીં કામ કરતાં કરતાં એ કારખાનામાં મજુરીએ આવતી રેવતીના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે સારું બનતું, એકબીજાને મદદરૂપ થવા બન્ને સદા તત્પર રહેતા. પછી સંબંધ પાંગરી ને પ્રેમમાં પલપાયો પણ અલગ ધર્મો ને કારણે અને મનમાં ઘર કરી ગયેલી કેટલીક માન્યતિઓને કારણે વાત થોડી આગળ વધતી ને અટકી જતી. બન્ને એ અંગે ચર્ચા કરતા અને એકમેકને સમજવા અને સમજાવવાની કોશિશ કરતા રહેતા પણ આ વાતના અઘરાપણાથી બેઊ વાકેફ હતા. એટલે પરિણામના પરિપાક વગર ઘણો સમય વહી ગયો.

પછી અચાનક એક દિવસ રેવતીએ આવીને કાયમને કહ્યું, “ચાલ હું તારી બધી વાત માની લઉં પણ એક વાતનું તારે મને વચન આપવું પડશે કે હું મરી જાઊં પછી તારે મને અગ્નિદાહ દેવો પડશે. અમારા પંડિતજીએ કહ્યું હતું કે મરણ પછી શરીરને જલાવવું જ જોઇએ તો જ સ્વર્ગે જવાય નહીં તો નરકની યાતનાઓ ભોગવવી પડે. બોલ છે મંજુર?”

કપરા ચઢાણ હતા કાયમ માટે આ, આકરી શરત હતી રેવતીની, શું કરવું હવે? વાત થોડા દિવસ માટે ટળી ગઇ. પણ પછી કાયમે એની શરત સ્વીકારી લીધી એમ ધારીને કે રેવતી ક્યાં એટલું ઝટ મરી જવાની હતી, સમય આવ્યે રસ્તો નીકળી રહેશે.

પછી બન્નેએ શાદી કરી લીધી અને રેવતી અસમા બનીને કાયમના ઝુંપડામાં આવી ગઇ. બે વરસના સુખી સંસાર પછી અસમાબેગમને ગર્ભાશયનું કેન્સર ડીટેક્ટ થયું જે ખૂબજ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂક્યું હતું. કાયમના મોતિયા મરી ગયા.એણે ખૂબ દોડાદોડી કરી, શેઠ પાસેથી નાણા ઊછીના લઇને અસમાની સારવાર કરી ત્યાં સુધી કે એ શારીરિક, માનસિક અને આર્થિક રીતે નિચોવાઇ ગયો પણ કેન્સર નો ભરડો ભીંસ વધારતો ગયો.

અસમાને પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે આમાંથી હવે બચી શકાશે નહીં એટલે એ કાયમને પોતાના વચન ની વારંવાર યાદ દેવડાવવા લાગી. બીબીને આપેલા વચનમાંથી કાયમ પણ હટવા નહતો માગતો પણ એમ કરવા જતાં સંઘર્ષોની હારમાળા સર્જાવા ની વાત એટલી જ નિષ્ચિત હતી.

photo credit: http://www.e-paolive.net/galleries/images/News_Related/2012/06/Loktak_20120619.jpg
photo credit: http://www.e-paolive.net/galleries/images/News_Related/2012/06/Loktak_20120619.jpg

અને એક રાતે અસમાની આંખ હમેશ માટે મીંચાઇ ગઇ, કાયમ હબક ખાઈ ગયો. હવે?

મોડી રાત્રે કાયમના ઝુંપડામાં એકાએક આગે દેખા દીધી અને થોડી વારમાં ઝુંપડું ભડભડ સળગી રહ્યું અને બધું ભસ્મમાં પલટાઇ ગયું.


લેખક: લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર, lvradhe@outlook.com

હૈયામાં સંવેદનાની ભીનાશ

હૈયામાં સંવેદનાની ભીનાશ

http://www.thehindu.com/multimedia/dynamic/02366/CB07-WALK_G3PAA5BD_2366000g.jpg
Photo credit: http://www.thehindu.com/multimedia/dynamic/02366/CB07-WALK_G3PAA5BD_2366000g.jpg

તામિલનાડુના તિરુચી જિલ્લામાં મસુરી નામનું ટચૂકડું નગર. એમાં એક ભરવાડનું કુટુંબ રહે. ગાય-ભેંસ પાળે અને દૂધ-દહીં-માખણ વેચી ગુજરાન ચલાવે. જીવનની પાયાની જરૂરિયાતો સચવાઈ જાય. ૧૬ વર્ષની સ્વાતિ બધાંની લાડકી. ભણવાની ભારે લગન. ખૂબ મહેનતુ. માનું નામ થંગાપોન્નુ. સીધી, સરળ પણ તેજસ્વી મહિલા. ઘરનો અને વ્યવસાયનો કારોબાર એ જ ચલાવે. સ્વાતિ ખૂબ ભણે એવી તમન્ના. ભરવાડની દીકરીએ તો કૃષિ વિશ્વવિદ્યાલયમાં જ જોડાવું જોઈએ એવું માને.

પ્લસ ટુ પરીક્ષામાં ડિસ્ટિંકશન માર્કસ લાવી સ્વાતિએ કોઈમ્બતુર-સ્થિત અન્ના અરંગમ તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા અરજી કરી. ઈન્ટરવ્યુ માટે ઓગસ્ટની આઠમી તારીખે સવારે ૮:૩૦ વાગ્યે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું .

ચેન્નઈમાં પણ અન્ના વિશ્વવિદ્યાલય છે. એના વિશાળ કેમ્પસમાં લોકો વહેલી સવારે ચાલવા આવે. નિયમિત આવનારાઓ પોતપોતાના ગ્રુપ બનાવે. મૈત્રીના ગાઢ સંબધ બંધાય. એવા એક ગ્રુપનું નામ ટ્વોકર્સ. આઠમી ઓગસ્ટની વહેલી સવારે ગ્રુપના સભ્યો એકસાથે ચાલતા હતા. જોયું તો સામેથી બે મહિલાઓ ભારેખમ પગલે ધીમે ધીમે ચાલીને આવી રહી હતી. નાનીના હાથમાં બેગ હતી. મોઢા પર ઘેરા વિષાદની છાયા હતી.

ટ્વોકર્સના વોકર્સ ક્ષણભર થંભી ગયા. એમણે પૃચ્છા કરી. આ સ્ત્રીઓ હતી સ્વાતિ અને થંગાપોન્નુ . અન્ના યુનિવર્સિટીના નામમાં થાપ ખાઈ ગયેલા અને કોઈમ્બતુરને બદલે ચેન્નઈ આવી પહોંચેલા. ૬:૩૦ વાગ્યા હતા. ૮:૩૦એ કોઈમ્બતુરના વિષ્વવિદ્યાલયમાં પહોંચવાનું હતું. અશક્ય વાત હતી. આશા મરી પરવારી હતી.

http://www.thehindu.com/news/cities/chennai/girl-loses-way-walkers-fly-her-to-coimbatore-for-admission/article7521315.ece
http://www.thehindu.com/news/cities/chennai/girl-loses-way-walkers-fly-her-to-coimbatore-for-admission/article7521315.ece

“અરેરે બિચારી”, “જબરો ગોટાળો થઈ ગયો ભાઈ”, જેવા ઔપચારિક અર્થીને શબ્દો ઓકવાનો બદલે ટ્વોકર્સ ગ્રુપના સભ્યો ચાલવાનું છોડી કામે લાગી ગયા. કામ વહેંચી લીધું. એક મા-દીકરી માટે નાસ્તો લેવા દોડ્યો. બીજાએ ઝાડ નીચે બેસી લેપટોપ ચલાવતા યુવાન પાસે લેપટોપ લઈ મા-દીકરીની ચેન્નઈથી કોઈમ્બતુરની પ્લેનની ટિકિટ બુક કરાવી દીધી. ભાડું થયું ૧૦,૫૦૦ રૂપિયા. ગરીબ મા-દીકરી એ ક્યાંથી લાવે? ટ્વોકર્સના સભ્યોએ ભેગા મળી રકમ ચૂકવી દીધી.

ત્રીજો સભ્ય પોતાની કાર લેવા ઘરે દોડ્યો જેથી મા-દીકરીને એરપોર્ટ સમયસર પહોંચાડી શકાય. ચોથાએ કોઈમ્બતુરના વિશ્વ વિદ્યાલયના રજિસ્ટ્રાર, આનંદકુમારનો સંપર્ક કર્યો. એ પોતે પ્રોફેસર હતા. આનંદકુમારે આશ્વાસન આપ્યુ કે સ્વાતિ ભલે મોડી પહોંચે, અમે રાહ જોઈશું.

૧૦:૧૫ વાગ્યે વિમાન ઊપડ્યું. ૧૧:૨૮એ કોઈમ્બતુર પહોંચી ગયું. ટ્વોકર્સના એક સભ્યે પોતાના મિત્રને ફોન કર્યો હતો એટલે એ ગાડી લઈ સ્વાતિને યુનિવર્સિટી પહોંચાડવા એરપોર્ટ પર હાજર હતો. ૧૨:૪૫ સુધીમાં બધી વિધિઓ પૂરી થઈ અને સ્વાતિને બાયોટેકનોલોજીમાં એડમિશન મળી ગયું. કેમ્પસની હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ થઈ ગઈ.

ટ્વોકર્સના છઠ્ઠા સભ્યે કોઈમ્બતુરમાં શું ચાલી રહ્યું હતું એની માહિતી મેળવવાનું કાર્ય માથે લીધું હતું. એણે શુભ સમાચાર મિત્રોનેઆપ્યા. સ્વાતિએ ‘હિંદુ’ ના સંવાદદાતાને કહ્યું કે “આ તો એક ચમત્કાર હતો. થંગાપોન્નુએ કહ્યું: “અમે કશુ જ કરી ન શક્યા હોત અને વીલે મોઢે ઘર પાછા ફર્યા હોત, પરંતુ ભગવાને એના ફરિશ્તાઓને મોકલી આપ્યા. સ્વાતિએ હવે બમણી મહેનત કરવી પડશે, નહિ તો એ ચેન્નઈના એના અતલસનો શું મોઢું બતાવશે?”

આપણા હૈયાને આનંદથી તરબતર કરી દે એવી આ કહાણી નવી નવાઈની નથી. સ્વાર્થલોલૂપ આ દુનિયામાં પ્રેમ અને સંવેદનાથી છલકાતા ભાઈ-બહેનો છે અને ખુદાને પ્યારાં એવા કાર્યો ગુપચુપ કર્યે જાય છે, પરંતુ એની ખાસ નોંધ લેવાતી નથી. ખૂનખરાબા, ટંટા-ફિસાદની વાતો વધારે હોઇ છે. પણ મોટા ભાગે તો ઇન્સાનની ઈનસાનિયતની ખુશબો ફેલાવતી, બીજાને પ્રેરણા આપતી આવી ઘટનાઓને શોધી કાઢવાની મહેનત પત્રકારોએ કરવી નથી.

અરે, આપણી આજુબાજુનાં વર્તુળોના ભાઈ-બહેનોને પૂછો, દરેક પાસે આવા ખૂબસૂરત અનુભવની કથાઓ પડી છે. છાપા, સામયિકોના તંત્રીઓએ રત્નો શોધવા ડૂબકી મારવી નથી, ભીંજાવું નથી. હૈયામાં સંવેદનાની ભીનાશ હોય તો મનમાં ઈચ્છાશક્તિ આવેને.

Read the English story published in The Hindu, Aug 10 2015, Girl loses way, walkers fly her to Coimbatore for admission

 

છેલ્લાં દર્શન

છેલ્લાં દર્શન

કોકિલા રાવળ, મમતા અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

હું મારાં વિચારોમાં ખોવાયેલી રોબર્ટ હેડનના ફ્યુનરલ માટે બેઠી છું. સારો દિવસ હોવાથી બધાને બેસવાની વ્યવસ્થા ટેન્ટ બાંધી બહાર જ રાખી હતી. મારાં ઓફિસના માણસો તથા રોબર્ટના સગા બેઠા છે અને વારાફરતી બધાં રોબર્ટ વિષે બોલે છે.

થોડાં વર્ષોથી હું નર્સ એસિસ્ટન્ટ તરીકે કામ કરું છું.  રોબર્ટ બે વર્ષથી શ્વાસની તકલીફથી હેરાન થતા હતા. વોકર લઈને ઘરમાં ચાલે. લો-ઇન્કમના માણસો માટે ગવર્મેન્ટ તરફથી મળેલા અપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેની અપરિણિત દીકરી હેલન ‘કેર ટેકર’ તરીકે સાથે રહેતી હતી. કંઈક નાની મોટી નોકરી કરતી હતી. પણ તેનો એક પગ ઘરમાં અને એક બહાર રહેતો.  તેને એક પરણેલા પુરુષમિત્ર સાથે સંબંધ હતો. બાપાની સાથે મીઠું મીઠું બોલી અવારનવાર પૈસા પડાવતી અને મોજ મજા કરતી હતી. બાપા બધું સમજતા હતા પરંતુ પોતાને દીકરીની જરૂર હોવાથી ઢીલું મૂકતા.

હું સવારે આઠ વાગે પહોંચું ત્યારે હેલન મને તે દિવસની સૂચનાઓ આપી ઘરની બહાર નીકળી જાય. રોબર્ટને ખાવા માટે ‘મીલ્સ ઓન વ્હીલ્સ’નો બંદોબસ્ત કરી આપ્યો હતો. એટલે સમયસર તેને એક પેકેટમાં ગરમાગરમ ખાવાનું મળી જતું. પણ રોબર્ટને ખાવાનો શોખ ભારે. કોઈ વાર તેને નવું ખાવાનું મન થઈ આવતું. મને અમેરિકન રસોઈ આવડતી નહોતી તેથી મારી સાથે તે રસપૂર્વક રોજ નવી નવી વાનગીઓ અને એની રેસિપિની વાતો કરતા. તેને નાકમાં ઓક્સીજનની નળીઓ ભરાવેલી જ હોય. માંડ માંડ શ્વાસ લેતા હોય અને વચ્ચે ઊંડી ઘૂંટ લઈ મારી સાથે વાત કરતા.

એક દિવસ મને કહે, ‘ડૂ યૂ નો હાઊ ટુ મેઈક સ્કેલપ્ડ પટેટોઝ?’  મેં ના કહી એટલે એણે કહ્યું ‘જા રસોડામાંથી બટેટા અને એક ચપ્પુ લાવી આપ. હું તને પાતળી સ્લાઈસ કરી આપું. પછી થોડો લોટ લે અને અંદર બટર નાખી મિક્સ કર…’ એમ પગલે પગલે સૂચનાઓ આપી, કહે ‘તું જાય તે પહેલાં પેલો સિનીઅર વોલન્ટીઅર આવશે તે મને સમયસર અવનમાંથી પટેટોઝ કાઢી આપશે.’  વોલન્ટીઅર સમય પસાર કરવા, ગામ ગપાટા મારવા અને હેલ્પ કરવા રોજ આવતો હતો. મારું નામ કૌશલ્યા પણ રોબર્ટ તેનો ઉચ્ચાર ન કરી શકે એટલે મને કોશ કહીને બોલાવતા. આમ મારી સાથે તેને સારું ફાવી ગયું હતું. તે રોજ મારી રાહ જોતાં બેઠા હોય. શનિવારે જ્યારે હું કામ ન કરતી હોઉં અને બીજી છોકરી આવે તે તેને ન ફાવતું. જ્યારે નર્સ તેની વિઝિટે આવે ત્યારે તેની ફરિયાદ કરે.

મમતાના સૌજન્યથી, અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨
મમતાના સૌજન્યથી, અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨

હું બે અઠવાડિયાં ભારત વેકેશન પર જઈ પાછી આવી. મારા શેડ્યુલમાં રોબર્ટ હેડનનું નામ ન જોતાં મને નવાઈ તો લાગી. રોબર્ટના હાઊસિન્ગમા મારી એક બીજી પેશન્ટ પણ હતી. નર્સને મેં પાર્કિન્ગ લોટમાં જોઈ અને મેં તેને રોબર્ટ હેડનના ખબર પૂછ્યાં. મને કહે, ‘તું રજા પર ગઈ અને બીજે દિવસે જ એને પેનિક અટેક આવ્યો. અને હોસ્પિટલમાં બે અઠવાડિયા હતો. પરમ દિવસે જ ગુજરી ગયો. આજે બપોરે તેનું વ્યૂઇન્ગ અને ફ્યુનરલ છે. તને બહુ યાદ કરતો હતો.’ હું ભારત ગઈ એના આગલા દિવસે મને કહે તારા વગર મારું શું થશે!  મને લાગે છે કે એના પેનિક અટેકનું કારણ મારી ગેરહાજરી હોઈ શકે!

એક વાગે ઘેર પહોંચી લુસ લુસ ખાઈ હું તેના છેલ્લા દર્શન માટે પહોંચી ગઈ.