બાળકોનું ચિપકો આંદોલન

લાર્જેસ્ટ ટ્રી હગનો રેકોર્ડ હવે ભારતને નામે થઈ ગયો છે. જામનગરના મીઠાપુરમાં ટાટા કેમીકલ્સમાં આવેલી ડી.એ.વી. પબ્લિક સ્કૂલ (દ્વારકા) ના ૧૩૧૬ બાળકોએ ઝાડને આલિંગન આપીને ભારતના નામે આ રેકોર્ડ કરી દીધો છે. અગાઉ, આ રેકોર્ડ કોરિયાના નામે હતો. સ્કુલના બાળકો ઉપરાંત શિક્ષક અને સ્ટાફ કર્મી સહિત ૧૪૫૦થી વધુ લોકોએ આ વિક્રમી આયોજનમાં ભાગ લીધો હતો. સ્કુલના પ્રિન્સિપાલ આર. કે. શર્માએ જણાવ્યું કે, લાર્જેસ્ટ ટ્રી હગને ગિનિસ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ તરફથી માન્યતા મળી ગઈ છે. કુદરતી સ્ત્રોત અને સુંદરતાને બચાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.

દિવ્યભાસ્કર
ગુજરાત અમદાવાદ, શનિવાર, ૧૧ માર્ચ, ૨૦૧૭ (પાનુ ૭)

મામીની સાચવણી

બે વર્ષ પહેલા મામી ભારત ગયા. તેઓ બરાબર ભાણેજના ઘેર વડોદરામાં પહોંચી ગયા. ત્યાં તેની નાની બેન લંડનથી આવેલી. ભાણેજ સાથે બે અઠવાડિયા પછી રાજકોટ ગાડી કરીને જવું તેવું નક્કી કર્યું.

તે બે અઠવાડિયા દરમિયાન મામી દસ દિવસ માટે આરોગ્ય ભવનમાં રહેવા ગયા. ત્યાં જરૂર કરતાં વધારે પૈસા ન લઈ જવા તેવો વિચાર કરીને મામીએ પૈસા સૂટકેઈસમાં સંતાડ્યા. દસ દિવસ પછી પાછાં આવ્યા ત્યારે સૂટકેઈસમાં પૈસા ક્યાં સંતાડ્યા હતાં તે ભૂલી ગયા….

બંને બહેનોએ મળીને સૂટકેઈસમાંથી બધાં કપડાં કાઢી તેની ઘડીઓ ખોલી. મામીને ખાતરી હતી કે જ્યારે જડશે ત્યારે સૂટકેઈસમાંથી જ મળશે. એટલે તેમણે ધરપત રાખી. બહેન શોપીંગ કરવા જતી હતી. તેણે મામીને સાથે આવવાનો આગ્રહ કર્યો. મામી કહે મારી પાસે પૈસા નથી એટલે મારે શોપીંગ કરવા નથી આવવું.

રાજકોટ જવાની તૈયારી થવા માંડી. બહેન અને ભાણેજ કહે બીજા પૈસા અમેરિકાથી છોકરાંઓ પાસેથી મગાવી લ્યો.

મામી કહે ના, મારે નથી મગાવવા. મને જડીજ જશે. હમણાં તમે આપો પછી અમેરિકા પહોંચતા સુધીમાં નહીં મળે તો હું તમને ત્યાંથી મોકલી આપીશ. મામીએ આરોગ્યભવનમાં પણ ફોન કર્યો. કારણકે તેમણે થોડાં કપડાં ત્યાંની કામવાળીને આપેલા. તે દિવસે કામવાળી રજા ઉપર હતી એટલે જવાબ હતો કે તપાસ કરીને જણાવશે.

તેઓ તો રંગેચંગે રાજકોટ જવા ઊપડ્યા. ત્યાંની હોટેલમાં પાંચેક દિવસ રહ્યાં. બધાં સગા-વ્હાલા અને મિત્રોને મળી લીધું. ત્યાંથી દ્વારકા જવાનુ નક્કી થયું.

મામી પાછાં સૂટકેઈસ ગોઠવવા બેસી ગયા. બધી દવાઓ ગોઠવતા, વિચાર કર્યો કે દવાની બાટલીના ખોખા બહુ જગ્યા રોકે છે એટલે ખોખાઓને ફેંકી દેવા. એક ખોખામાથી રોલ વાળેલા અમેરિકાથી જેટલા ડોલર્સ લઈ ગયેલા તે બધાં ડોલર્સ નીકળ્યા!

મામીના જીવમાં જીવ આવ્યો. યુરેકા યુરેકા કરીને મામીએ પોકાર કરી બહેન અને ભાણેજને જણાવ્યું. પછી તરત આરોગ્યભવનમાં ફોન કરી બધી હકિકત વીગતે જણાવી.

દીકરીને અમેરિકા જઈને વાત કરી તો કહે: મમ્મી, તું મરી જઈશ પછી તારા એકોએક કપડાંની સળ ખોલીશ તો ઘણાં સંતાડેલા પૈસા નીકળશે…

કોકિલા રાવળ, Kokila Raval, kokila@kesuda.com

બાપ-દીકરી 

એ બોસની ઓફિસમાંથી બહાર આવી. ફાઈલ સાંજ સુધીમાં ફાઈનલ કરવાની હતી. ફાઈલ ખોલવા જાય ત્યાં ફોનની રીંગ વાગી. અનનોન નબર કોણ હશે? અવઢવમાં ફોન ઉપાડ્યો ”કોણ?”

“હું બારડોલી થી બોલું છું.” – સામેનો છેડો ધ્રુજતો હતો. અવાજનું કંપન ટાવરમાં થઈ કાન સુધી પહોંચ્યું. બધિર મગજ સાથે અથડાઈ પાછું પડ્યું/ અવાજ અજાણ્યો લાગ્યો. તેણે ફોન કાપી નાખ્યો.

દિવસભર કામની વ્યસ્તતા. ફાઈલોમાં પેપર્સની ઉથલ-પાથલ. સવારનો સૂરજ ઊંધો વળી સાંજે ડૂબી ગયો. ઓફિસથી નીકળતાં પહેલાં ફોન પર નજર કરી. ચોંકી ગઈ. સવારે આવેલા નંબર પરથી ત્રણ મિસ-કોલ જોયા. કોલબેક કરવાની પરવાહ કરી નહી પણ, કોણ હશે? કોઈ જાણીતું કે જરૂરીયાતવાળું તો નહી હોય ને? એવા વિચારનો ઝબકારો થયો… એવો જ બુજાઈ ગયો!

બીજા દિવસે, એજ સમયે, એ નંબર પરથી મિસકોલ. વિચાર વંટોળે ચડ્યા. થયું આ ફોન ચાળો કરવા વાળું છે કોણ? ખોટી રીતે હેરાન કરવા વાળાને ખબર પાડી દઉં…

ફોન હાથમાં લીધો. ઉશ્કેરાટમાં ડાયલ કર્યો. ફોન રીસીવ થયો કે ગુસ્સોને અકળામણ ઠલવાઈ ગયા – “કેમ ભાઈ? વારંવાર ફોન કરવાનું કારણ? કોણ છો? ક્યાંથી બોલો છો? પ્રત્યુતરમાં નિ:શબ્દતા સામો છેડો ગૂંચવાયેલો લાગ્યો.

તેનો ગુસ્સો કાબુ બહાર ગયો “તમારા જેવાને જાણું છું. બપોરે એકલી સ્ત્રી જાણી હેરાન કરવાનો ઈરાદો હોય તો માંડી વાળજો. પોલીસ ને જાણ કરતા વાર નહી લાગે…”

સામેનો છેડો સળવળ્યો “મારી દીકરીને ફોન કરું છું, બે-દિવસ થયા મુંબઈ જવા નીકળી છે. પહોંચી કે નહી સમાચાર નથી. ફોન નંબરમાં એક આંકડા નો જ ફરક છે, એટલે તારો નંબર લાગી જાય છે. માફ કરજે બેટા” વૃદ્ધ બાપની લાચારી અને નિ:સહાયતા ફોનમાં ધરબાઈ ગઈ. એ ફોન સામે તાકી રહી. સવેદના જાગી ગઈ…

તેને પપ્પા આંખોમાં ઉતરી આવ્યાં. તેમનો આંખો પણ…..

તેને ડૂમાને રોક્યો, આંખે ભરાયેલા ઝળઝળીયા ને લૂછ્યા બોલી પડી, “ઓ કે… કોઈ વાંધો નહી પણ તમારી દીકરીનો સંપર્ક થયે અમુક જાણ કરજો. હું તેના ખબર પૂછીશ” પછી જાણે પોતાના પપ્પા સાથે વાત કરતી હોય તેમ તેનાથી બોલી જવાયું  “તમારું ધ્યાન રાખજો…. અને હા, ચશ્માં ઠીક કરવી લે જો.”

આરતીબા ગોહિલ ‘શ્રી’, ૯૫/A, રૂપાલી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર – ૩૬૪૦૦૨.

ખબર છે: તારક મહેતા

તારક મહેતાના મારા  જેવા  સાથે  આપ સૌ આશક વાંચકોને માટે એક નવો દ્રષ્ટિકોણ

સતત પિસ્તાલીસ વર્ષથી આખી દુનિયાને ઉંધા ચશ્મા વડે એક જુદી જ દુનિયાનો નજારો કરાવે છે તારક મહેતા. ટપુડો, જેઠાલાલથી માંડીને શ્રીમતીજીનું પાત્ર લાખો વાચકોના દિલ પર રાજ કરે છે. ટપુડાના તોફાન અને માળાની દુનિયાની સેર કરાવતા તારક મહેતા માટે આમ તો સવિશેષ પરિચયની જરૂર જ નથી. ‘દુનિયાને ઉંધા ચશ્મા’ નાટકના ટાઈટલને ચિત્રલેખાના તત્કાલીન તંત્રી હરકિસન મહેતાએ કૉલમનું નામ આપ્યું અને તારક મહેતાએ કૉલમ શરૂ કરી. ટપુડાને ભવનાથના મેળામાં લઈ જવાનો હોય કે પછી બીજી કોઈ જગ્યાએ એની સાથે અને એની આસપાસ ફરતા પાત્રોનું લેખન એટલું જીવંત લાગે કે, જાણે આ બધું જ આપણી આંખ સામે ભજવાતું ન હોય! ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી તારકભાઈની કૉલમ દુનિયાને ઉંધા ચશ્મા આજે આખા દેશમાં પ્રચલિત બની ગઈ છે. એ જ શ્રેણી પરથી તૈયાર થયેલી સબ ટીવીની સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ માટે રોજ સાંજે સાડા આઠનો સમય આખા દેશમાં ફેલાયેલા લાખો ચાહકોએ બુક કરી નાખ્યો છે. સિરીયલનું પાત્રાલેખન કૉલમમાં આવતાં તમામ પાત્રો જેવું નથી. મુખ્ય પાત્રો સિવાય અનેક નવા પાત્રો સિરીયલમાં નજરે ચડે છે. જે તારક મહેતાની કૉલમનો અસલી ફેન છે તેને સિરીયલ થોડી લાઉડ લાગે છે. અલબત્ત તારકભાઈના શ્રીમતીજીનું પણ કંઈક આવું  જ માનવું છે.

જીવનસાથીની કલમનું ગૌરવ અને ગરિમા જેમના ચહેરા ઉપર તરવરે છે એવાં ઈન્દુબેન તારક મહેતા આજે વાત માંડે છે દુનિયાને ઉંધા ચશ્માની. લાગણીથી તરબતર એવાં ઈન્દુબેન સાથે બહુ જ લાંબી મુલાકાત થઈ. આમ તો ઈન્દુબેન સાથે મારો પરિચય એકવીસ વર્ષથી છે. તારકભાઈને અંગત રીતે જાણતા તમામ લોકોને ખબર છે કે, તારકભાઈ પ્રેમસભર લહેકા સાથે ઈન્દુબેનને હંમેશાં ‘જાડી’ કહીને જ સંબોધે છે. આ યુગલ વચ્ચે ચૌદ વર્ષનો ઉંમરનો તફાવત છે. તારકભાઈને હજુ ડિસેમ્બર મહિનામાં 87 વર્ષ પૂરાં થયાં અને ઈન્દુબેનને 73 વર્ષ. ઉંમરનો તફાવત એમના તાલમેલમાં ક્યાંય નજરે ન દેખાય. ઈન્દુબેન સાથેની મુલાકાત ચાલતી હતી ત્યાં જ તારકભાઈને સાંજના તડકામાં ચક્કર મરાવવા માટે એમની કેર ટેકર લઈ ગઈ. બત્રીસી નહોતી પહેરી પણ તારકભાઈના ચહેરા પરનું હાસ્ય નિર્મળ અને ચમકતાં પારદર્શક હીરા જેવું હતું.

ઈન્દુબેન તારકભાઈને કદીય નામથી નથી બોલાવતાં. એ મ્હેતા કહીને જ સંબોધે છે. ઈન્દુબેને સહેજ ટકોર પણ કરી કે, ‘સિરીયલમાં તારક મહેતાના પાત્રની પત્ની એમને નામથી બોલાવે છે પણ હું મ્હેતાને કોઈ દિવસ એમના નામથી નથી બોલાવતી.’

તારક મહેતાના નેવું પુસ્તકો છે પણ એમનું લેખન વર્ષો અગાઉ નાટ્યક્ષેત્રે શરૂ થયું હતું. 1981 સુધી તારકભાઈએ નાટકો લખ્યા. મજાની વાત એ છે કે, તારકભાઈના તમામ અચીવમેન્ટસ વિશેની તારીખ અને સાલ ઈન્દુબેનને જાણે ગઈકાલની ઘટના હોય એ રીતે યાદ છે.

મુંબઈમાં 27 વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્નમેન્ટના ફિલ્મ્સ ડિવિઝનમાં કોમેન્ટ્રી રાઈટર તરીકે તારકભાઈ નોકરી કરતા હતાં. દિવસના ભાગે નોકરી અને રાત્રે તેમનું લેખનકાર્ય ચાલે. મુંબઈની ભાટિયા હૉસ્પિટલ નજીક એમનું રહેવાનું. પાડોશ પણ કેવો, આઠમા માળે જ્યોતિન્દ્ર દવે, ત્રીજા માળે હરીન્દ્ર દવે રહે. સ્નેહલ મજમુદાર અને ટીકુ તલસાણિયા પણ પાડોશી. જેઠાલાલનું પાત્ર આ જ એપાર્ટમેન્ટમાં ધબકે. એક બેડરૂમ, હોલ, કિચનના ફલેટમાં જ દુનિયાને ઉંધા ચશ્મા નાટક અને બાદમાં કૉલમનું સર્જન થતું રહ્યું. છેલ્લા બાવીસ વર્ષથી ટપુડાના સર્જક અમદાવાદ આવીને વસ્યા છે.

આ યુગલની લવસ્ટોરી પણ દિલધડક છે. તારકભાઈના પહેલાં લગ્ન ઈલાબહેન સાથે થયાં હતાં. ઈલાબહેન સાથે ડિવોર્સ થયાં એ પછી ઈન્દુબેન સાથે એમને પરિચય થયો. ઈન્દુબેન પોતાની નોકરી માટે મુંબઈ ઈન્ટરવ્યૂ આપવા ગયેલાં. એમનાં પપ્પાના મિત્રની દીકરી એટલે નાટ્ય જગતની જાણીતી અભિનેત્રી મીનળ પટેલ. બેંકમાં નોકરી કરતાં મીનળ પટેલ સાથે ઈન્ટરવ્યૂ આપ્યાની સાંજે જ એક નાટકના રિહર્સલમાં જવાનું થયું. ત્યાં તારક મહેતા સાથે ઔપચારિક મુલાકાત થઈ. એ પછી તારકભાઈએ મીનળબહેન અને બીજાં કોમન ફ્રેન્ડઝને ઈન્દુબેન વિશે પૂછપરછ કરી પણ માહિતી મળી નહીં.

ઈન્દુબેન મુંબઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં નોકરી કરતાં. પેઈંગ ગેસ્ટ તરીકે રાખતાં અમ્માને નાટકોનો ભારે શોખ. ફરી ઈન્દુબેનનો પરિચય તારકભાઈ સાથે થયો. એક દિવસ તારકભાઈએ એમને ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું. વાતવાતમાં કહી પણ દીધું કે, મને તમારી સાથે જીવન વીતાવવામાં રસ છે. શું આપણે આગળ વિચારી શકીએ?

ઈન્દુબેન કહે છે, ‘એમ તરત જ તો કેવી રીતે હા પાડી શકાય? એમનાં છૂટાછેડા થયાને વરસ ન થાય ત્યાં સુધી તો અમે લગ્ન પણ ન કરી શકીએ. મેં વિચારવાનો સમય માગ્યો અને પછી પરિવારમાં વાત કરી. થોડાં દિવસો બાદ તારકભાઈની અને ઈલાબહેનની દીકરી ઈશાની હોસ્ટેલમાંથી વેકેશન ગાળવા માટે મુંબઈ આવી. એ સમયે તારકભાઈએ ઈન્દુબેનને રસોઈ બનાવવા માટે ઘરે આવવા કહ્યું. પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં ઈન્દુબેન સવારે રસોઈ કરવા જાય, દોડમદોડ કરતા ઓફિસે પહોંચે અને ઓફિસેથી છૂટીને ફરી સાંજે જમવાનું બનાવવા જાય. ઈન્દુમાસી તરીકે સંબોધન કરતાં ઈશાની મહેતા એ સમયે લગભગ બારેક વર્ષના હતાં. એમણે પપ્પાને કહ્યું, મારી ઈચ્છા છે કે, તમે ઈન્દુમાસી સાથે સેટ થઈ જાવ. તારકભાઈએ ઈન્દુબેનને પ્રપોઝ તો કરેલું પણ ઈન્દુબેને વિચારવામાં બે અઠવાડિયા જેટલો સમય લીધો. એ પછી એમણે હા પાડી. ઈન્દુબેનના પરિવારજનોમાંથી આ સંબંધને મૂકસંમતિ મળી ગઈ હતી. છૂટાછેડા પછી એક વર્ષ સુધી લગ્ન ન કરી શકાય એ કાયદો હોવાથી એ સમયે સિત્તેરની સાલમાં ઈન્દુબેને બહુ જ બોલ્ડ કહી શકાય એવું પગલું ભર્યું હતું. લિવ ઈન રીલેશનશીપ શબ્દ તો હમણાં આવ્યો. ઈન્દુબેન એ દિવસોમાં તારકભાઈ સાથે લગ્ન કર્યાં વગર રહેવા લાગ્યાં.

ઈન્દુબેન એ દિવસોની યાદમાં ખોવાઈ ગયાં. એ કહે છે, ‘મારાં સસરા જનુભાઈએ મને હાથમાં કડકડતી એક એક રુપિયાની એવી અગિયાર નોટ શુકનપેટે આપી. જે નોટ હજુ મેં સાચવીને રાખી છે. આ નોટ આપીને મારે માથે હાથ મૂક્યો અને કહ્યું કે, તમે આ ઘરની વહુ નહીં દીકરી છો. જે દિવસે તારકે તમારું દિલ દુભાવ્યું એ દિવસે એ ઘરમાં નહીં હોય પણ તમે તો હશો જ. મારાં સસરાના ગુસ્સા વિશે બધાં બહુ કહેતા પણ મને કદીય ઉંચા અવાજે એમણે કંઈ જ કહ્યું નથી. મ્હેતાનું લખવાનું શરૂ થઈ ચૂકેલું. સસરા મ્હેતાના લખાણ વિશે કંઈ ન બોલતા પણ એટલું કહેતા કે, લખેલું જીવાશે.’

ઈન્દુબેન કહે છે, ‘ લખવાનું મ્હેતા માટે શિરમોર રહ્યું છે. મોટાભાગે એમનું લખવાનું રાત્રે જ શરૂ થાય. કોઈ વખત જમીને લખે તો કોઈ વખત અડધી રાત્રે જમે. એક બેઠકે ન લખે. વિચારો સતત ચાલતા રહે. દરેક લેખ ટુકડે ટુકડે લખાય. લેખની સૌથી પહેલી વાચક હું.

શરૂઆતમાં હું એમનું લખેલું વાંચું તો મારાં ચહેરા ઉપર હાસ્યની એક પણ લકીર સુદ્ધાં ન દેખાય.’ એટલે મ્હેતા મને કહે, ‘તું તો શરદબાબુની નાયિકા જેવી છો. ગંભીર…. તને મારું લખેલું વાંચીને હસવું નથી આવતું?’

હું એમને પ્રત્યુત્તર આપતી કે, ‘આ મારા રસનું વાંચન નથી. હું તો ધર્મવીર ભારતીની વાચક. ‘એક ચદ્દર મૈલી સી’ અને ‘ગુનાહો કા દેવતા’ જેવી કૃતિઓની વાચક છું. વળી, મારાં પિયરમાં હિન્દી ભાષાના મેગેઝિન અને પુસ્તકો વધુ આવતાં. આથી આ લેખની શૈલી માટે મારે મારી જાતને કેળવવી પડશે. જોકે હું બહુ થોડાં જ સમયમાં મ્હેતાના લેખોની અને હ્યુમરની ફેન થઈ ગયેલી.’

લગ્ન થયાં એ સમયે જ મ્હેતાએ મને કહ્યું કે, મને તું મારી સાથે હંમેશાં જોઈએ. આથી તું નોકરી મૂકી દે. આઈએનટીના નાટકો હોય કે ક્યાંય પણ કોઈ પણ નિમંત્રણ હોય બધાંને ખબર હોય કે તારક મહેતા એકલા નહીં આવે. ઈન્દુબેન એમની સાથે જ હશે. આ સાથ હજુ સુધી અકબંધ રહ્યો છે.

સાથ પણ કેવો, લેખ માટે કોઈ વખત માહિતી જોઈએ તો તારકભાઈ ઈન્દુબેનને એ જગ્યાએ મોકલે. ખારમાં કોઈ ડૉક્ટરને ત્યાં વેઈટ લોસ માટે અને યોગ કરવા માટે કેટલીક હિરોઈન આવતી હતી. રીના રોય, રેખા, સંધ્યા જેવી હિરોઈન ત્યાં આવીને શું કરે છે? કેવી મહેનત કરે છે એની માહિતી એકઠી કરવા માટે ઈન્દુબેન એ સ્લીમિંગ સેન્ટરમાં જોડાયા હતાં. આ અને આવી કેટલીય વખત ઈન્દુબેન તારકભાઈ માટે એમના રિપોર્ટર બન્યા છે.

ચિત્રલેખા ગ્રૂપના જ મેગેઝિન બીજ અને જી માટે પણ એમણે ખૂબ લખ્યું. ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ પોપ્યુલર થવા માંડી એ પછી એમને બીજી જગ્યાઓએ પણ ઓફર મળવા લાગી. ‘સુધા’ મેગેઝિનમાં મારાં નામ સાથે કૉલમ પ્રકાશિત થતી. મહિલાઓના મેગેઝીનમાં તારક મહેતાની કૉલમ અસ્થાને લાગે એટલે જ એમણે મારાં નામે લખવું શરૂ કર્યું.

થોડી વાંચવી ગમે તેવી વાતો પણ ઈન્દુબેને શેર કરી છે. ભગવાનમાં માનવા ન માનવાની વાત કરીને તેમણે જિંદગીની એ નાજુક પળો વિશે વાત કરી. મ્હેતા ભગવાનની પૂજા અર્ચનામાં બહુ ભરોસો ન રાખે. પણ મને આશાપુરા માતા ઉપર બહુ શ્રદ્ધા. 2007ની સાલ પછી અસંખ્યવાર હું માતાના મઢ આશાપુરા માતા પાસે શીશ ઝૂકાવવા અચૂક જાઉં છું. વાત એમ બની કે, ‘દુનિયાને ઉંધા ચશ્મા’નો એક લેખ વાંચીને કેટલાક લોકોનું દિલ દુભાયું. એક વાચક મને નામ યાદ નથી એ વારંવાર ફોન કરીને મને કહે, તું માતાના મઢ જા તો અમે તમને બંનેને માફી આપીએ. બહુ જ ટેન્સ્ડ વાતાવરણ હતું. હું તો બે અંગત બહેનપણીઓ સાથે ગાડી લઈને ઉપડી માતાના મઢ દર્શન કરવા. કોણ જાણે કેમ અમને એક પણ હોટેલમાં કોઈ ભાડેથી રુમ ન આપે. એક હોટેલના માલિકને હકીકત ખબર હતી. એ અને એના પિતા બંને મ્હેતાના ફેન. મને એમણે મદદ કરી. વળી, આ બાપ દીકરો એ વિરોધ કરનારાઓની કમ્યુનિટીના જ હતાં. પણ એમણે અમને મદદ કરી. એમણે ઉતારો આપ્યો એ જગ્યાએથી માતાના મઢ જઈને દર્શન કરીને પરત આવવામાં પાંચ –છ કલાકનો સમય લાગે એમ હતો. અમને જરૂર કરતા વધુ સમય લાગ્યો અને અમારો ફોન કેમેય લાગે નહીં. છેવટે સંપર્ક થયો ત્યારે એ લોકોને હાશ થઈ.

માતાના મઢ જઈને મેં તો માના દરબારમાં મારો ખોળો પાથર્યો. માની મૂર્તિ સામે જોઈને કહ્યું, મા પાસે તો દીકરી માગી શકેને? હું તો તારી પાસે ખોળો પાથરીને કહું છું કે એ માણસે કદીય કોઈનું ખરાબ નથી ઈછ્યું. એની કસોટી ન કર મા. તારી આ દીકરીને ખાલી હાથે ન જવા દે… કંઈક તો જો મારી શ્રદ્ધા સામે….’

ઈન્દુબેન કહે છે, એ મૂર્તિના પ્રભાવ સામે મારી આંખોમાંથી ક્યારે અશ્રુધારા વહી નીકળી એનો મને અંદાજ ન રહ્યો. મારાં અસ્તિત્વમાં એક હળવાશ ફેલાઈ ગઈ. માતાજીના મઢે મેં થોડી ભેંટ આપવાનું નક્કી કર્યું. રૂપિયા આપ્યાં એ સમયે કેશિયરે પાવતી આપવાનો આગ્રહ કર્યો. મેં ના પાડી પણ એણે કહ્યું, માતાને જે ચઢાવો ચડે એ નામજોગ હોય તમારે નામ તો લખાવવું જ પડશે. મેં લખાવ્યું ઈન્દુ તારક મહેતા. એણે બે તાળાના ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતારીને મારી સામે જોયું. મેં વળતો જવાબ આપ્યો, હા એ જ નામ છે… જેમનું તમે વાંચ્યુ છેને એ જ, હા એ જ નામ છે, હું તેમની પત્ની છું. માતાજીએ મારામાં એક હિંમત ભરી દીધી હતી.

એક વખત તારક મહેતા સિરીયલના આસિત મોદી અને એમના પત્ની સાથે વાત થયેલી. આશાપુરા માતાના મઢ ઉપરની મારી શ્રદ્ધા વિશે વાત કરી તો એમણે તરત જ કહ્યું કે, ચાલો આપણે સૌ જઈએ. મ્હેતાને સાથે આવવા માટે મનાવવાનું કામ આસિતભાઈએ કર્યું. અમે બધાં સાથે ગયાં. એ પછી આસિતભાઈને પણ આશાપુરા માતા ઉપર શ્રદ્ધા બેઠી. માતાના મઢ ઉપર તો તસવીરો લેવાની પણ મનાઈ. આસિતભાઈએ ત્યાં તારક મહેતા કા ઉલટા ચશ્માના શૂટિંગ માટે દરખાસ્ત મૂકી. માતાજીની ઈચ્છા હશે તો એ ટ્રસ્ટીઓની મિટીંગમાં આસિતભાઈની પ્રપોઝલ મંજૂર થશે.

આપણને સૌને યાદ જ છે, આશાપુરા માતાના મઢમાં તારક મહેતા  કા ઉલટા ચશ્માની ટીમ શૂટિંગ માટે ગયેલી. એ પછી અમે ત્યાંના રાજા માટે આશાપુરા માતાનું મંદિર છે ત્યાં ગયેલાં. એ મંદિરે મ્હેતા અમારી સાથે દર્શન કરવા આવેલાં. ત્યારે મેં માતાજીને મનોમન પ્રાર્થના કરી કે, તું અમારી ઉપર એવા આર્શીવાદ વરસાવ કે, એક દિવસ હું મ્હેતાના નામની ધજા તને ચડાવું. એ પછી તારક મહેતા સિરીયલ એક પછી એક કિર્તીમાન સર કરવા લાગી.

ઈન્દુબેન કહે છે, થોડાં સમય પછી માઘી નવરાત્રિમાં મને માતાજી સપનામાં આવ્યાં. મને પૂછ્યું, મારી ધજા ક્યાં છે. પહેલી વખત મને એમ કે મનમાં વિચારો બહુ ચાલે છે એટલે મા સપનામાં આવ્યાં હશે. પણ બીજે દિવસે, ત્રીજે દિવસે આ સિલસિલો ચાલુ રહ્યો. પછી તો મેં માતાના મઢ ફોન કર્યો કે, મને મા સપનામાં આવે છે અને પૂછે છે, મારી ધજા ક્યાં છે? મારે ધજા ચડાવવી છે. ટ્રસ્ટીઓએ કહ્યું કે, નવરાત્રિમાં તો ધજા અમારી જ ચડે. એમાંય આ તો જીર્ણોદ્ધાર પછીની નવરાત્રિ છે એમાં કોઈ ભક્તોને ધજા ચડાવવાની છૂટ નથી હોતી. હું તો નિરાશ થઈ ગઈ. આ બાજુ મા મને સપનામાં આવે. એ પછી એક દિવસ ત્યાંથી ફોન આવ્યો કે, એક કામ કરો પહેલા નોરતેથી સાત દિવસ સુધી તમારી ધજા અમે ચડાવી શકીએ. આઠમના અમારી ધજા ચડશે. તાબડતોબ અમે બે ગાડી કરીને આશાપુરા માતાના મઢ ગયા અને ધજા ચડાવી.

આ વાતચીત ચાલુ હતી ત્યાં જ તારક મહેતા એપાર્ટમેન્ટના પટાંગણમાં ફ્રેશ થઈને આવી ગયા. સાથોસાથ શંકર પણ આવ્યો. શંકર આજકાલ નાદુરસ્ત રહેતા તારકભાઈની સાર સંભાળ લે છે. ઘરકામ પણ કરે. એને પૂછ્યું, તું કોને ત્યાં કામ કરે છે એની ખબર છે? ઝાડું એક સાઈડ મૂકીને ઊભડક પગે બેસીને એણે કહ્યું, ‘હા ખબર છેને, આ સિરીયલ આવે છેને એ સાએબ છે. મારા દીકરાના લગનમાં સાએબ આવેલાંને મારો તો વટ્ટ પડી ગયો. અમે સપાટ (ફલેટ) ટીવી લીધું છે સાએબની સિરીયલ જોવા માટે.’ આટલી વાત કરીને એક ગૌરવસભર લાગણી સાથે એ પોતાના કામે વળગી ગયો.

આ વાત ચાલુ હતી ત્યાં જ તારકભાઈના દીકરી ઈશાનીબેન આવ્યાં. એમને પૂછ્યું કે, તારકભાઈની એવી કઈ વાત જે તમને યાદ છે? એમણે કહ્યું કે, ‘33 વર્ષથી તો અમેરિકા રહું છું અને નાની હતી ત્યારે હોસ્ટેલમાં રહીને ભણતી હતી આથી એમની ક્રિએટીવિટી વિશે ખાસ કંઈ યાદ નથી. એમના લેખો વાંચતી રહું છું. હા, અમે મુંબઈ રહેતા ત્યારે હું લગભગ આઠેક વર્ષની હોઈશ. પપ્પા રાત્રે જ લખવા બેસે. આખી રાત લાઈટ ચાલુ રહે. મારી રોજ રાતની એક જ કચકચ અને ફરિયાદ હોય… લાઈટ બંધ કરો… લાઈટ બંધ કરો. મારા માટે સૌથી ગૌરવની પળ હતી પપ્પાને પદ્મશ્રી મળ્યો એ. એમની એંસીમી વર્ષગાંઠે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 81 બુક્સનું વિમોચન અને સન્માન થયું એ મારા માટે યાદગાર ક્ષણો છે. મારાં ટ્વિન્સ બાળકો સાથે વર્ષો પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા ગયેલાં. ત્યાં કોઈ ગુજરાતી પરિવાર મળ્યો. એમની સાથે ઓળખાણ થઈ અને એમને ખબર પડી કે, હું તારક મહેતાની દીકરી છું. તો એ લોકો એટલાં એક્સાઈટ થઈ ગયેલાં કે અમેરિકાના શાંત વાતાવરણમાં ઉત્સાહની કિલકારીઓ વહાવી દીધી. મારી સાથે તસવીરો પાડવા માંડયા. મારાં બાળકો આવીને મને કહે છે, મમ્મી, તું સ્ટ્રેન્જર્સ સાથે ફોટા પડાવે છે. ત્યારે મેં એમને કહ્યું કે, એ દાદુના વાચક છે. કોઈ અજાણ્યા લોકો નથી.’

ઈન્દુબેન હસતાંહસતાં કહે છે, ‘મને તો ફુલ લાઈટ હોય તો પણ ઊંઘ આવી જાય.’ છેલ્લે એ તારકભાઈ વિશે એટલું જ કહે છે, ‘મળી ત્યારથી મને મ્હેતાની નિખાલસતા સૌથી સ્પર્શી છે. એ એમની જિંદગીમાં કદીય કોઈનું ખરાબ નથી બોલ્યાં. કદી કોઈની ઈર્ષ્યા નથી કરી. એમનાં જ ફિલ્ડના અનેક લોકો જ્યારે જ્યારે સારું લખે કે બોલે   ત્યારે મ્હેતા એમના દિલથી વખાણ કરે અને અપ્રિશિયેટ કરે. મ્હેતા જેવો ઉમદા માણસ મળવો મુશ્કેલ છે.’


સાભાર સ્વિકાર  “ખબર છે”: નજરે લાવનાર ડો.આર.પી. શાહ, મોકલનાર કનક રાવળ

ચિનુભાઇ મોદી

ચિનુભાઇ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે અમારે એક મિત્રને ત્યાં સાથે રહેવાનો લ્હાવો મળ્યો. કિશોરની તળપદી ભાષાની વાર્તાઓ વાંચી તેઓ ખુશ થઇ ગયા. “અમે ભાનવગરનાં” પુસ્તકની પસ્તાવના તરત લખી આપી.

અમે ભારત ગયા ત્યારે અમદાવાદમાં બે-ત્રણ વાર મળેલા. સાથે બહાર જમવા પણ ગયા હતા. તેઓ હમેશા મારી યાદગીરીમાં રહેશે.

નીચેનો લેખ ચિત્રલેખામાંથી લીધો છે.


March 23, 2017 – Chitralekha – chitralekha.com


શાયરી

જલીકો આગ કહતે હૈ
બુઝી કો રાખ કહતે હૈ
મગર જિસ કા મિસ-કોલ
દેખતે હી દારૂ ઉતર જાયે
…ઉસે વાઈફ કહતે હૈ
આઈવો, આઈવો… પાંચ મિનિટમાં…

rug

જોક્સ જંકશન
સ્માર્ટ-સિટીમાં ફરતી ડોબી-જોક્સ
ગુજરાત સમાચાર તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૬

અજવાસ છે તું

આજનો અજવાસ છે તું
કાલનો વિશ્વાસ છે તું.

એટલે અભરે ભર્યો છું,
છમ્મલીલો શ્વાસ છે તું.

ઊઘડે છે રોમ રોમે,
નીલકંઠી પ્યાસ છે તું.

કોઈની પરવા તને ક્યાં?
ટેવવશ બિંદાસ છે તું.

જિંદગીના જાગરણમાં,
રાત-દિન ને માસ છે તું.

સાત દરિયા પાર તોયે,
સાવે સોલિડ પાસ છે તું.

 

watercolor: Kishor Raval

ગઝલ સંગ્રહ “તું” માથી, લેખક સોલિડ મહેતા

હજાર ની નોટ

લક્ષ્મીબાઈ ને રોજ ના કરતાં આજે મોડી આવતાં જોઈ ને શેઠાણીબા એ ચિંતા કે સંવેદનશીલતા નો ડોળ કર્યા વગર છણકો કર્યો, “આજે વહેલા આવાનું યાદ ન રહ્યું તો બપોરનું ખાવાનું પણ નહીં મળે. અને હા, આજે ઘરના બધા પડદા  ધોઈ નાખજે!”

બિચારી લક્ષ્મીબાઈ કાંઈ બોલી ન શકી અને આમ દરેક ઘરે થી દાટ પડી અને મોડી રાતે પોતાની ઝૂંપડ-પટ્ટી તરફ પાછી ફરી.

લક્ષ્મીબાઈને દીકરો હતો કે જે બાપના દેવા ને લીધે ભરપાઈ કરી કરીને થાકી ગયો હતો પણ વ્યાજ ઉપર વ્યાજ ભરાય પણ બાકીનુ ઉધાર તો બાકી જ રહે. આખરે એણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો ને બિચારી લક્ષ્મીબાઈ ગામના વૈતરાં કરતી રહી ને એકલી જીવતી રહી.

ચાલી ચાલી ને ઘસાઈ ગયેલા ચંપલ અંગુઠેથી તૂટ્યા ત્યારે મોચીએ સાંધી દેવાની ના પાડી અને કીધું, “માઈ, બીજા નવા લે. આ હવે સંધાય તેમ નથી.”

લક્ષ્મીબાઈ આજુ બાજુ ની સોસાયટીમાં જઈ કામ કરે રાત પડે, ઘરે આવે. કેહવાતી ખોરડી – અરે નામ ની ખોરડી. માંડ માંડ ચૂલો બળે તો પણ લક્ષ્મીબાઈ શ્રધ્ધાથી રોજ દીવો કરે, મંદિરે જાય ને બાજુવાળા કેશુ ને દીકરાથી વધુ સાચવે.

બાજુ ની ખોલીમાં રહેતી જમનાબlઈ ને ત્યાં બકરી હતી તેની પાસેથી લક્ષ્મીબાઈ રોજ વાટકી દૂધ માંગી લાવી એની ચા બનાવી કેશુ સાથે રકાબી રકાબી પી ને આનંદ લેતી.  કેશુ પરણેલો પણ માઈ પાસે બેસી ને ક્યારેક ચા પીતો બેય સગા મા-દીકરાં જેટલો આનંદ પામતાં.

watercolor: Kishor Raval

કેશુએ ચૂંટણીના સમયમાં નેતા એમને ગામ પધારવાના છે તેમ કહ્યું સાથે જમણ પણ હતું. બધા ખૂબ હોંશે હોંશે પહોંચી ગયા. કોઈને ભાષણમાં રસ નહોતો. તે બધા ત્યાં ખુલ્લા મેદાન માં ધૂળમાં બેઠા હતા ને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ખાવાનું આવે. જ્યારે કેટરીંગ ટ્ર્ક આવી અને ઉભી રહી, ત્યારે નેતા એ પોતાનું ભાષણ જયહિંદ કહી ને બંધ કર્યું. બધાને પેકેજ્ડ ફૂડ મળ્યું.

બીજાની પાછળ આ બધાને પણ સ્ટેજ પાસે નેતા ના હાથે પૈસા મળ્યા. બધાને સો સો ની નોટ મળતી હતી પણ માઈ ના આશિર્વાદ મળે તેથી હજાર ની નોટ દીધી. લક્ષ્મીબાઈ ની મુઠ્ઠીમાં હજારની નોટ હતી તે ઘણાની નજર બહાર ના રહી. ડરતાં ડરતાં ઘરે આવી અને ક્યાં સંતાડવી એની ચિંતામાં સાડલાની ગાંઠે બાંધી, ખોસીને તે સૂઈ ગઈ.

વહેલી પરોઢે તેની આંખ ખૂલી ગઈ. પણ પડ્યા પડ્યા એને વિચાર આવ્યા કે આ પૈસામાંથી પોતાના તૂટી ગયેલાં ચશ્માં સમા કરાવવા. મૄત્યુ પામેલા દિકરા ના ફોટા ની ફ્રેમનો કાચ બદલવો. ને કેશુની વહુ માટે સાડલો અને એના બાબલા માટે બુશર્ટ-પેન્ટ લેવા. એ તો હરખાતી હરખાતી ઉઠી ગઈ. પૂજા પાઠ પતાવી કેશુ સાથે ચા પીતા પીતા બોલી કે, “જો તું સાથે આવે તો આ બધુ લેવા બાજુના શહેરમાં જવું છે.”

કેશુ એ પૈસા વાપરવા કરતા બિમાર પડે, કે કંઇ જરૂર પડે ત્યારે વાપરવાની સલાહ આપી. ઉડાડી મૂકવા ખૂબ મના કરી. પણ લક્ષ્મીબાઈ ન માની તે ન જ માની. છેવટે “એકલી જઈશ”, કહી ને ચાલવા માંડી. ન છૂટકે મા જેવી જ છે તો સાથે જવા કેશુ તૈયાર થયો.

બંને બસમાં બેસી શહેરે પહોંચ્યાં. હજુ તો દુકાનો ખુલતી જ હતી. ચશ્માના કાચ સમા થઈ ગયા, પણ હજારની નોટ ધરી તો દુકાનદારે કીધું “છૂટ્ટા નથી”. કેશુ એ પોતાના ખિસ્સામાંથી કાઢી અને બીલ ચૂકવ્યું. મૄત્યુ પામેલા દીકરાના ફોટા ની ફ્રેમ ને કાચ નંખાઇ ગયો પણ હજારની નોટ ના છુટ્ટા દુકાનદાર પાસેથી ના મળ્યા. તેણે કહ્યું બીજી ખરીદી કરીને, છૂટ્ટા મળે ત્યારે વળતા ફોટો લઈ જજો.

ગમતો સાડલો અને બુશર્ટ-પેન્ટ લઈને બીલ ભરવા લક્ષ્મીએ હજાર ની નોટ કાઢી તો દુકાનદાર ને એમનાં દેખાવ ઉપરથી લાગ્યુ કે આ હજાર ની નોટ સાચી ન હોઇ. સામે ચા પીતા હવાલદાર ને જોઈને બોલાવી પૂછ્યું “શું લાગે છે? હજારની નોટ સાચી છે કે ખોટી?” હવાલદાર કંઈ ઉતરે એવો નહોતો. બંને ને લઈ ગયો પોલિસ સ્ટેશને. કલાકો સુધી બહાર બેસાડી સાંજ પડવા આવી ત્યારે જેલ માં પૂરી દીધા. ઉપરથી પટ્ટે પટ્ટૅ કેશુ ને માર્યો એ અલગ. લક્ષ્મીબાઈ ની વાત કોઈને સાંભળવી નહોતી અને કેશુ એ નેતા ની વાત કરી તો કોઈ માનવા તૈયાર જ નહોતું.

આખો દિવસ અને આખી રાત ભૂખ્યા એક બીજાની ઓથે પડ્યા રહ્યા. કેશુ ને બહુ માર મારેલો. લક્ષ્મીબાઈ માથા કૂટતી રોકકળ કરી રહી હતી અને પોતાને દોષ દેતી બેઠી. જો એણે હજારની નોટ લીધી જ ના હોત તો? અને લીધી તો ખરચવાનો શોખ ના કર્યો હોત તો?

હવાલદાર જઈને ગામમાં આવેલા એજ નેતા ને રાતોરાત મળી આવ્યો. એની પાસેથી વાત જાણ્યા પછી એને બ્લેક-મેઈલ કરવાની ધમકી આપી. નેતા પાસેથી પચ્ચીસ હજાર કઢાવ્યા. ઉપરથી ચા-પાણી ના ચાર-પાંચ હજાર ચૂપ રહેવાના કઢાવ્યા.

સવારે ચા અને બ્રેડ આપી લક્ષ્મીબાઈ અને કેશુ ને ધમકાવતાં હવાલદારે કહ્યું “અહીંથી સીધ્ધા તમારા ગામે ચાલ્યા જાવ. આ તારી હજારની નોટ ને બીજા પચાસ રૂપિયા ભાડા ના રાખ.” બંને એ એક બીજા સામુ જોયું. લક્ષ્મીબાઈ એ હજારની નોટ જ લીધી અને ત્યાંથી ભાગતાં ભાગતાં બસ પકડી.

કન્ડક્ટર બીજાને ટિકિટ આપતો હતો ત્યારે પેલા ફોટાફ્રેમ વાળા દુકાનદાર નો અવાજ સંભળાયો. એણે હાકોટો પાડ્યો, “બાઈ, તારા દીકરા નો ફોટો…”. લક્ષ્મીબાઈએ હજારની નોટ કાઢી પણ દુકાનદારે કહ્યું, “બીજી વાર આવે ત્યારે પૈસા આપજે.”

રસ્તામાં આવતી નદીમાં હજારની નોટ બસ માંથી ફેંકતાં લક્ષ્મીબાઇ અને કેશુ એ હળવાશ અનુભવી.

yellow-line

લેખક: રેખા શુક્લ
mrshuklamj@gmail.com

આ લઘુકથા મરાઠી મુવી એક હાઞારાચી નોટ ના આધારે લખાયેલી છે, જેમાં લક્ષ્મીબાઇનું એક્ટીંગ ઉત્તમ છે. મુવી જોવાનું ચુક્તા નહીં. તેને ઘણા એવોર્ડ મળેલા છે.

આથમણી અવસ્થાનો પ્રેમ

સગુણાને લેઈક સાઈડ નર્સિગ હોમમાં કામ મળ્યું. સેવા કરવાનુ કામ ગમતું હતું. દાદા અને દાદીમાંની સેવા કરતી હોય તેવું લાગ્યું. ઘણાં અનુભવ થયા. તેમાંથી એક અનુભવ યાદ રહી ગયો.

બે અલઝાઈમર પેશન્ટ હતા. બંનેને જુદી જુદી વીંગમાં રાખવામાં આવ્યા હતા. તેઓ ને તૈયાર કરી નર્સીંગ સ્ટેશન ની સામે ખુરશીમાં બેસાડવામાં આવતા. જેથી નર્સનુ ધ્યાન રહે અને બધા બીજુ કામ કરી શકે. ધીરે ધીરે બંને વચ્ચે આકર્ષણ થયુ. બહુ બોલે નહીં પરંતુ એક બીજાનો હાથ પકડે. તેમની આંખો એકબીજાની સામે જોઈને હસે. તેમના નામ જોર્જ અને એલિઝાબેથ હતા. જોર્જ એલિઝાબેથની બંગડીઓ ઉપર હાથ ફેરવતા બેઠો હોય .

જોર્જ પરણેલો હતો એટલે બપોરે તેની વહુ ખબર કાઢવા આવે. આ દ્રષ્ય જુએ પણ કાંઈ બોલે નહીં. બપોરે નવરાં સ્ટાફ સાથે બેઠા હોઈ. એટલે સ્ટાફ સાથે વહુ થોડીક વાતો કરે. એક વાર સગુણાએ તેને પૂછ્યું, “How do you feel seeing this?” તો તે કહે “I am happy to see him happy.”

સગુણાની ડ્યુટીમાં એલિઝાબેથ હતી. તે પરણેલી ન્હોતી. સગુણા સાથે તેને સારૂ ભળતું. સગુણા ફોસલાવી પટાવી પ્રેમપૂર્વક તેની સાથે કામ કરે. બહાર બગીચામાં તેનો હાથ પકડીને તેને આંટો મરાવવા લઈ જાય. ક્યારેક સારા મૂડમાં હોય ત્યારે સરખા જવાબ આપે. પચાસ વર્ષ પહેલાની બધી વાત યાદ હોય. ત્યારે લાગે કે આને તો બધી ખબર પડે છે. ડાહી ડાહી અને મીઠી મીઠી વાતો કરે. બાકી તેને તૈયાર કરતી વખતે નાકે દમ લાવી દે. રેકોર્ડના ગ્રુવની જેમ દરેક ક્રિયામાંથી ખસી ન શકે. બ્રસ કરતી હોય તો બ્રસ કર્યા કરે. સગુણાને કહેવું પડે કે બસ હવે બહુ થયું. ખાતી હોય ત્યારે ભાવતું જ ખાય. બધી વસ્તુ એક સાથે પીરસેલી હોય તો મુંજાય જાય. ડિઝર્ટ તો પહેલા જ ખાઈ લેવું હોય.

watercolor: Kishor Raval

જ્યારે જોર્જને જુએ ત્યારે તેની પાછળ પાછળ ફરે. સગુણા તેઓ ઉપર નજર રાખે. એક દિવસ એલિઝાબેથ તાણીને જોર્જને પોતાની રૂમ બાજુ લઈ ગઈ. પથારીઓ થઈ ગઈ હતી એટલે રેલીંગ ચડાવેલા હતા. રેલીંગ નીચા કેવી રીતે કરવા તેની સુજ ન પડી એટલે તેને ટપવાના પ્રયત્નો કરતાં હતા. સગુણા દોડીને નર્સને બોલાવી લાવી. રંગમાં ભંગ પડ્યો તેનો રંજ તો થયો…

આથમતી ઉમરે અને મગજ ચાલતુ ન હોય ત્યારે પણ માણસને માણસની હુંફની જરૂર હોય છે, અને મનના ઓરતા રહી જાય છે. સગુણા તેવો વિચાર કરતી બંનેને ફોસલાવી ગ્રેફામ ક્રેકર અને જ્યુસ પીવા લઈ ગઈ.


લેખક: કોકિલા રાવળ, ડિસેંબર ૨૦૧૬