મા! હું આવી…

મા માટેનો ખાસ દિવસ. અહીં આ દિવસે તેને બહુ માન અપાય છે. તેને અભિનંદન ઉપરાંત ફુલ નો ગુલદસ્તો ચોકલેટની ભેટ મળે છે. ધણા તેને કપડાલતા વગરેની ભેટ સોગાદ પણ આપે છે. ન આવી શકે કે દૂર રહેતા હોય તો પોસ્ટખાતાને કે UPSને ખટાવે છે. ફોન ઈ-મેઈલ પણ થાય છે. Happy Mother’s Day!


મહિયરને આંગણે પગ મેલું
ત્યાં તો ગહેકી ઊઠે મનના મોરલા!

હેતના આંસુની મા ! આછેરી છાંય ઓઢી,
“આવી ગઈ દીકરી!“ કહી તું કેટલું કહી દેતી!

ફોરે સ્મૃતિઓય, મારું અંગ-અંગ કિલ્લોલે,
ભીની-ભીની સુવાસ રેલે.

હું તો વાદળી કે ફૂલ પેલુ ના રે, સુગંધ તેની,
બની જાઉં શું-શું મા! તારી તે હુંફમાં!

હીંચુ હિંડોળે વળી ઘૂમું ચોમેર,
કરું ખૂણેખૂણાની સંગે વાત,
ઘૂઘવતા સુખની કંઇ કેટલીએ વાત,
માં ! કહેતાં-કહેતાંય ન હું થાકું.

ઘેઘૂર વડલાની મારી ઝાઝેરી છાંય,
તોય અદકેરી લાગે આ મીઠેરી છાંયડી,
મા! હું આવી…


કવિયત્રી: નિરૂપમા મારૂ ( જીવનના પગથારેના સૌજન્યથી )
સંપાદક: કોકિલા રાવળ.

સુવર્ણ પ્રકાશ

image credit: sriaurobindosaction.org

સુવર્ણ પ્રકાશ
સુવર્ણ પ્રકાશ મસ્તકે ઊતર્યો,
તિમિરમાં સૂર્ય તેજ પ્રકાશ્યું,
સુશુપ્ત ડહાપણ ઉજાગર થયું,
નિરવ રોશની અને જ્યોત પ્રગટયાં.

પછી પ્રકાશ કંઠે ઉદઘાટીટ થયો,
વક્તવ્યને દિવ્યતા બક્ષી,
સંગીતનો નાદ રણક્યો,
શબ્દ અમૃત પામ્યો.

સુવર્ણ પ્રકાશ હૃદયે ઉતર્યો,
શાશ્વતીનું સાન્નિધ્ય પ્રગટ્યું,
પ્રભુનું મંદિર બન્યું,
લાગણીના સૂર ગૂંજ્યાં.

સુવર્ણ પ્રકાશ પગ સુધી પહોંચ્યો,
સ્થાયી થઈને રમમાણ બન્યો.
પગરવને દિવ્યતા બક્ષી.


મહર્ષિ શ્રી અરવિન્દના The Golden Light કાવ્યનો ભાવાનુવાદ
(સૂર્યકાંત વૈષ્ણવ, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત)
વધુ માહિતિ માટે — Sri Aurobindo Chair of Integral Studies, Sardar Patel University in Vallabh Vidyanagar

 

પતંગિયાં

ઊડતાં પતંગિયાં, નાચે પતંગિયાં,
લહેરથી હવામાં ઝૂલે રે …

રંગબેરંગી સોહે રે, ચીતરેલા જાણે પીંછીએ
ટપકાંની ભાત એની ન્યારી રે …

નાનકડી પાંખ તોય દૂ-દૂર જાય, પોતીકું લાગે એને જ્યાં જ્યાં જાય,
પરાગની લહાણ એ કરતાં જાય….

ભીતિ વિના એને ભમવું ગમે, મોજથી ફૂલો પર ઝૂમવું ગમે,
ખેલદિલી સાથે ખેલવું ગમે…

અડવા જાઉં ત્યાં તો સરકી જાય, તોય પકડવા દોડી જાઉં,
કરવી છે મારે એની દોસ્તી રે…


કવિયત્રી: નિરૂપમા મારૂ ( જીવન પગથારેના સૌજન્યથી )

સંપાદક : કોકિલા રાવળ

રામ કથા

વાંદરાએ બાળી મૂકેલી લંકાથી
ચોરી લાવેલા અગ્નિમાં પરીક્ષા પાસ કર્યા પછી,
બારીમાં અથડાયેલા ચંન્દ્રના અવાજથી ચોંકેલી
દાદરા નીચે
બળેલા ખંડેરોમાં ધુમાડાથી સજ્જડ ભરાઈ
ભારે થયેલા મૌનના ઢગલા જેવી એ બેઠી હતી.

રાત્રે જ્યારે પગલાના અવાજ વગર ચાલેલી –
ઊંદરના રાહડા, કરોળિયાની લહરક લહરક પગના ઘસારા
અને મગજમાં શબ્દોની અથડામણથી ધસેલી
ગતીના ઊહાપોહ -અવાજ શોધવા ?

એની સામે બધાએ જોયું.

એણે આંખ પરથી પાંપણ ઊંચી કરી.

કશી કબુલાત કરી નહી.

પેલા માણસની હાર તો એ જ હતી :
એણે આદેશ આપ્યો હતો કસોટીની શુદ્ધતા પારખવાનો.


કવિ : હિમાંશુ પટેલ ( કવિતા : જવનચિત્રોનું અક્ષયપાત્ર )

સંપાદક : કોકિલા રાવળ

થોડે થોડે પિયો!

અજરા કાંઈ જર્યા નહિ જાય.
એ જી વીરા મારા  ! અજરા કાંઈ જર્યા નહિ જાય.
થોડે થોડે સાધ પિયોને હાં.

તન ઘોડો મન અસવાર,
તમે જરણાંનાં જીન ધરો જી.

શીલ બરછી સત હથિયાર,
તમે માયલાસે જુદ્ધ કરોને હાં.

કળિયુગ કાંટા કેરી વાડ્ય,
તમે જોઈ જોઈને પાઉં ધરોને હાં.

ચડવું મેર અસમાન,
ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં. 

બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ
તમે અજંપાના જાપ જપોને હાં.


સંપાદક : ઝવેરચંદ મેઘાણી ( સોરઠી સંતવાણી ) ના સૌજન્યથી

સંપાદક: કોકિલા રાવળ

ખિસકોલી

ખિસકોલી તો રોજ સવારે આંગણે મારે આવે,
ગુચ્છા જેવી પૂંછ હલાવી, “કેમ છો?“ કહી ભાગે…

મગફળી લઈ આવું ત્યાં ઉતાવળી થઈને નાસે,
પાણીલઈને આવું ત્યાં તો કૂદકો મારી ભાગે!

દાદીમાના બાગમાં એણે દર બનાવ્યું મોટું,
નાનાં-નાનાં બચ્ચાં એમાં ઝીણું- ઝીણું બોલે…

દરમાંથી તો છાનાંમાનાં ડોકિયાં બચ્ચાં કરે,
માને જોઈને એની પાછળ દોટમદોટા કરે…

બોલ્યા વિના એની સાથે દોસ્તી મારે મોટી,
પાછલા પગે ઊંચી થઈ મારી આંખમાં આંખ પરોવે!


કવિયેત્રી — નીિરૂપમા મારૂ (  “જીવન પગથારે“ ) ના સૌજન્યથી.

સંપાદક — કોકિલા રાવળ

મૂંજવણ

watercolor: Kishor Raval

રોજ સવારે / બાગમાં / માલણ મૂંજાય-

શું વીણું?

ટહુકો

કે પછી ફૂલ?


કવિ — પ્રીતમ લખલાણી  (અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો) મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી
સંપાદક — કોકિલા રાવળ

મારી કવિતા

watercolor: Kishor Raval

મારી કવિતા ઘાસની પત્તીઓ જેવી છ
આ ધરતીમાંથી ઊગી નીકળતી-
ઝાકળભીના પવનોમાં વધતી જતી
રોજરોજ
તડકા ને વરસાદ ઝીલતી

મારી કવિતા બાળકો જેવી છે
ખુલ્લેખુલ્લુ ને મુક્તપણે બોલતી
વિશાળ દરિયાકાંઠે
છીપલાં ને શંખલાં વીણતી

મારી કવિતા વણજારો છે
પૂર્વ અને પશ્ચિમમાં થઈને
ગામડાં ને શહેરોમાં થઈને
રઝળપાટ કરતી
એને ખબર નથી પોતે શું શોધે છે
શું મેળવ્યું ને શું ગુમાવ્યું
રઝળપાટમાં નિમગ્ન

મારી કવિતા મારા જેવી છે
પોતાનામાં જ ખોવાયેલી-
શબ્દ મધમીઠા ચાખ્યા પછી
રસ્તો જ ભૂલી ગઈ છે એ


 કવિ — શરદચંન્દ્ર શેણોય ( કોંકણીમાંથી અનુવાદ )
અનુવાદક — જયા મહેતા  ( કવિતા ૨૦૦૭ માસીક )
સંપાદક — કોકિલા રાવળ

નિવેદન

અમદાવાદ,
તને છોડવા છતાં
ક્યાં છોડી શકાયું છે?

ને
અહીંયા આટલું રોકાવા છતાં
ક્યાં વસી શકાયું છે?

ભાષાને તાંતણે
મારી ગઈકાલ
આજની સાથે જે
ગુંચવાઈ ગઈ છે
તેની કવિતા છે

 


કવિ — ભરત ત્રિવેદી (કલમથી કાગળ સુધી)ના સૌજન્યથી, મહાશિવરાત્રી, ૨૦૦૪

Bharat Trivedi, batrivedi@insightbb.com, 217 546-3812
73 McCarthy Drive, Springfield Illinois 62702, USA

સંપાદક : કોકિલા રાવળ


 

શું શું સાથે લઈ જઈશ હું? – બે કવિતા

સંભારવા બેઠા

આજ બધું સંભારવા બેઠાં,
પાનખરે અમે લીલી વસંતને ખોળવા બેઠાં!

કવિ સુરેશ ગાંધી (શું શું સાથે લઈ જઈશ હું?)
સંકલન : મહેન્દ્ર મેઘાણી / સંપાદક: કોકિલા રાવળ


સાંભરી જાઉં

જો ક્યારેક હું સાંભરી જાઉં,
તો પંખીડાને ચણ પૂરજો,
એકાદ વૃક્ષને પાણી પાજો,
ગાયડીની ડોક પંપાળજો ને ગલૂડિયાં રમાડજો…
જો ક્યારેક હું સાંભરી આવું તો !

કવિ: હરિકૃષ્ણ પાઠક (શું શું સાથે લઈ જઈશ હું?)
સંકલન: મહેનદ્ર મેઘાણી / સંપાદક:કોકિલા રાવળ