કલકત્તામાં કોમી હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો હતો. બાપુ એક સળગતા લત્તામાં જઈને રહ્યા અને પોતે ઢાલ થઈને ઊભા. હિંસાના બનાવો એમની નજદીકમાં પણ બનવા પામ્યા. પણ બાપુ પ્રાણાર્પણથી હિંસાની ઝાળો હોલવવા ઊભા છે એ જોઈ ધીમે ધીમે સૌને સાન આવી.
સાંજની પ્રાર્થના-સભામાં હજારો લોકો આવે. એક સાંજે પ્રાર્થના પછી સૌ વેરાતાં હતાં. એક નવયુવક નિર્મળબાબુ પાસે થઈ પસાર થતા બોલ્યો: જુઓ આ. ( એમ કહી એક પિસ્તોલ એણે બતાવી. ) આજે બાપુ પાસે બેઠેલા કોમી નેતાઓને મારવા માટે આ લાવ્યો હતો. પણ મારો હાથ ચાલ્યો નહિ. અમે કંઈ પણ કરીએ તો આ માણસ ( ગાંધી ) તરત ઉપવાસ ઉપર ઊતરી બેસે છે. અમારી બધી શક્તિ એણે ખલાસ કરી દીધી. ગઈ કાલ સુધી અમે વીર પુરુષો ( હીરોઝ )માં ખપતા હતા. આજે અમારી ગણના હિચકારા ખૂનીઓમાં- કાયરોમાં થાય છે. આ માણસ… આ માણસ…ગાંધી… એણે અમારી આ સ્થિતિ કરી મૂકી.
નવયુવકની આંખોમાં હતાશાને દબાવી માનવજાતિ માટેની આશા ઊપસવા કરી રહી હતી.
સંપાદક: મહેન્દ્ર મેઘાણી ( ગાંધી-ગંગા ) ભાગ ૨ ના સૌજન્યથી
સંપાદક: કોકિલા રાવળ