પોકોનો પ્રવાસ

પોકોનો માઉટન્સ ફિલાડેલ્ફિયાની નજીક આવેલી એક હરિયાળી જગા છે. આ ભૂરા પહાડો પાનખરરૂતુ પહેલા અવનવા રંગો ધારણ કરે છે. ખાસ કરીને વસંત, ગ્રીષ્મ અને હેમંત રૂતુમાં કુદરતને માણવાની જગા છે. વસંતમાં રંગ બે રંગી ફૂલો, ગ્રીષ્મમાં લીલુછમ અને હેમંતમાં રંગીન દુનિયા બની જાય છે.ત્યાં નાના નાના ગામો વસેલા છે. અમે લેઈક હારમની જવા માટેની તૈયારીઓ શરૂ કરી.

Lake Harmony, photo credit: resortsandlodges.com/lodging/usa/pennsylvania/pocono/pocono-mountain-rentals.html

શુક્રવારની બપોરે અમે બે કારમાં જવા ઉપડ્યા. ફિલાડેલ્ફિયાથી દોઢેક કલાક દૂર લેઈક હારમની આખા કુટંબને જાત જાતની પ્રવૃતિઓ કરવા માટે સગવડતા ભરેલી જગા છે. લીલા રંગને ધારણ કરેલા પહાડો ની સાથે જી.પી. એસ જોતા જોતા રસ્તો જલ્દી કપાઈ ગયો.

કારમાં બેસીને થાક્યા હતા એટલે રજીસ્ટ્રેશન પતાવી અમારી રૂમમાં સામાન ગોઠવી ચા, કોફી પીવા ઉપડ્યા. અમારી અડધી ટુકડી કેડીઓમાં ચાલવા નીકળી બીજીટુકડી સાઈકલ સવારીએ ઉપડી. સાંજે થાક ઉતારવા લેઈક ઉપર ઓપન બાર હતો. અમે સૌ સૂર્યાસ્ત જોતા જોતા સોડા લેમન કે બીયર સાથે પોટેટો ચીપ્સની ઝ્યાફત ઉડાવી. ત્યાર પછી ડીનરની જગ્યા પસંદ કરી જે નવેક માઈલ દૂર હતી.

બીજે દિવસે સવારે સારો બ્રેકફાસ્ટ લઈ પાછા બે ટુક્ડીમાં છૂટા પડ્યા. એક ટુકડી બાળકોને વોટર સ્લાઈડ કરાવવા લઈ ગઈ. તેમાં ઉંચેથી શરૂ થતી આ સ્લાઈડ વાંકી ચૂંકી ઝડપભેર શ્વાસ અધ્ધર કરાવી દ્યે તેવી ઉપડે પછી ધૂબાકા સાથે છીછરા પાણીમાં પછાડે. બીજી ટુકડી પાછી કેડીઓમાં ચાલવા અને ટુરીસ્ટની દુકાનોમાં ફરી. આમ બે દિવસ ક્યાં ગયા તેની ખબર ન પડી.

Water slide, image credit: qctimes.com/travel/stay-at-great-wolf-lodge-get-a-water-park-as

ત્યાંની આકર્ષણની જગ્યાઓમાં વ્હાઈટ વોટર રાફ્ટીંગ, બાઈકીંગની ટ્રેઈલ, વાઈનરીમાં વાઈન ટેસ્ટીંગની જગાઓ, પોકોનો ઓપન બઝાર, એર ટુર, હિમાલય આરોગ્ય સેંટર, અમેરિકન બોટીંગ, નેટીવ ઈંડિયન મ્યુઝીયમ, હાઉસ ઓફ કેંડલ, ઈનડોર ગો કાર્ટસ, રોલર સ્કેટીંગ, પ્લેનેટ અર્થ ગેલેરી, કેન્ડી સ્ટોર્સ, વાઈલ્ડ એનીમલ પાર્ક અને ફીશ રીઝર્વેશન સેંટર . સ્ટ્રાઉટ્સબર્ગ નામના ગામ આગળ વૃજધામ પણ છે.

અમે બે દિવસ મોજ કરી રવિવારે સાંજે ઘર ભેગા થઈ ગયા.

 

 


કોકિલા રાવળ, મે ૨૦૧૯

સાંસણ ગીર

બસમા અમે રાજકોટથી જુનાગઢ જવા નીકળ્યા. એક રાત અમે જુનાગઢ રહ્યાં. બીજે દિવસે ટેક્ષીની વરધી આપેલી તે પ્રમાણે ટેક્ષી હાજર હતી. ટેક્ષી વાળાએ ફીલ્મી સંગીત શરૂ કર્યું. અમારી ઉંઘ ઉડી ગઈ. હું તો મોજમાં આવી ગઈ. સાથો સાથ ગણગણવા લાગી. કલાક વાર ગાડી નહીં ચાલી હોય ત્યાં ટેક્ષીવાળા ભાઈને ચાની તલપ લાગી. અમે ચા-નાસ્તો કરીને નીકળેલા. પણ તેણે આગ્રહ કર્યો કે અહીંની ચા બહુ મસ્ત હોય છે. એટલે અમે પી નાખી. તેણે એક માવો પણ મોઢામાં નાખ્યો.

ગાડી પાછી હાઈ-વે ઉપર લીધી રસ્તામાં કેસર કેરીની વાડીઓ જોવા મળી. આંબા ઉપર મ્હોર ઝૂલતા હતાં. કેસર કેરી જોતા મોઢામાં પાણી છૂટ્યું. અમેરિકામાં પણ કેસર કેરી મળે છે. તેની નીકાસ જુગઢ બાજુથી જ થાય છે. થોડે દૂર ગયા ત્યાં નાળિયેરીઓના દર્શન થયા. અમે તો સડસડાત હાઈ-વે ઉપર જઈ રહ્યા હતાં . મનમાં વિચાર આવ્યો કે પાછાં ફરતા જરૂર નાળિયેર પાણી પીશું. સાંસણ ગીરનુ પાટિયુ આવતા અમે તે રસ્તો પકડ્યો. થોડીવારમાં અમે મોટો ગેઈટ જોયો. ત્યાં બહાર ગાડી પાર્ક કરી. અમે બહારથી જ કમાન અને સિંહ ચિત્તાની શીલ્પકળા જોઈ પ્રભાવિત થઈ ગયા. અંદર ગયા પછી ડાબી બાજુ ટીકીટ લેવા જવાની વ્યવસ્થા હતી . અંદર ચારે બાજુ સિંહ,ચિત્તા ના ચિત્રોથી ભીંતો શણગારેલી હતી. ટીકિટ ઉપર બસ નંબર હતો . તે પ્રમાણે અમારે રાહ જોવાની હતી. એટલે અમે ચારે બાજુ બગીચામાં ફર્યા. ત્યાં કેન્ટીન હતી પણ અમને ખાવા-પીવાની ઈચ્છા ન્હોતી એટલે અમે સોવેનિયરની જગ્યામાં ઘૂસ્યા.પાછા ફરતા લેશું તેવો વિચાર કરીને બસ ચૂકી ન જઈએ તેની રાહ જોતા ઊભા. થોડા ફોટા પાડ્યા.

થોડી વારમાં બસ આવી. ચારે બાજુ બધાં ફરતા હતા તેઓ આવી પહોંચયા. અમને આગળ જ સીટ મળી . અમે સૌ પાંચ દસ મીનિટમાં ગોઠવાઈ ગયા. સૌ સિંહ અને ચિત્તાને જોવા ઉત્સુક હતા. અમારી બસ જંગલની વચમાંથી રસ્તો કાપતી ઉપડી. ઘણાં લોકોને ઝીપમાં પણ જતાં જોયા. બસ ધીરી ગતીએ ઉપડી. પહેલા હરણ અને સાબરના દર્શન થયા. અમારી સાથે બે ત્રણ બાળકો પણ હતા. તેઓ અને તેઓના મા- બાપ બારી આગળ દોડીને આંગળી ચીંધીને બાળકોને બતાવતા હતાં. બારી આગળ બેઠેલા ફોટા અને વિડિયો લેવામાં પડ્યા હતાં . અમેરિકામા અમારા ઘર નજીક નાનુ જંગલ છે ત્યાં હરણ – સાબર જોવા મળ છેએટલે તેની અમને નવાઈ ન લાગી. થોડે દૂર ગયા ત્યાં સિંહ દંપતીને શાંતિથી બેઠેલા જોયા. તેમાં તો હું પણ ઉઠી. બસ દરેક જગ્યાએ ખાલી બે મીનિટ જ ઉભી રહેતી હતી. એટલે સૌ ફોટા પાડવા પડાપડી કરતાં હતાં. આમ તો સેટઅપ હતું. ચારે બાજુ તારની વાડ હતી. સિંહ છૂટથી ફરતા હતા. ત્યાર પછી ચિત્તા પણ જોવા મળ્યા. સિંહ અને ચિત્તા મોટા કદના લાગ્યા. પાણીના નાના તળાવ પણ છૂટા છવાયા હતા.

બસ અમને પાછી લઈ આવી . અમે સોવેનિયર દુકાનમા પહોંચી ગયા. સિહ , ચિત્તા અને હરણ – સાબરની કલાત્મક શીલ્પ કળા વાળી વસ્તુઓ વેચાતી હતી.અમે સિંહના મ્હોરા વાળા ટીશર્ટ તથા બંડીની ખરીદી કરી. ભાવ વ્યાજબી હતાં.

ત્યાંથી અમે સોમનાથ જવા ઉપડ્યા. રસ્તામાં મૂઠિયા સાથે લીધેલા તે ઝાપટ્યા. અને નાળિયેર પાણી પી તરસ છીપાવી.


કોકિલા રાવળ

હાથબ અને સુરકાનો પ્રવાસ

હાથબ નો પ્રવાસ

કોળિયાકથી પાછા ફરતા અમે હાથબના દરિયા કિનારે થોભિયા. અહીં ગુજરાત રાજ્ય નું ગેસ્ટ હાઉસ હાથબ ચાર બંગલાના નામથી ઓળખાય છે. ત્યાં દાખલ થતાં ૧૦ રૂપિયાની પ્રેવેશ ફી છે.

ડાબી બાજુ વન વિભાગ છે. જેને ચાલવાનો શોખ હોય તેને કુદરત તથા માનવીની કરામતનો સુમેળ જોવા મળે સાથે શાંતિ અને પ્રાણવાયુ મળે તે નફામાં.

જમણી બાજુ રહેવાના બંગલા છે. એક કુટુંબ ખાલી કરીને જતુ હતું તેને મેં પૂછ્યું , ‘રહેવાનુ કેવું છે?’ તેમણે ‘ સારૂં છે’ તેવો ટુંકમાં જવાબ આપ્યો. પોતાની ખાણી પીણી લઈને શનિ-રવિમાં જવા જેવી જગ્યા ખરી. ત્યાં રસોઈ કરાવવી હોય તો પણ થઈ શકે.

સામે દરિયો છે. ઓટને કારણે દરિયો ઘણો દૂર ખસ્યો હતો. ત્યાં ખાવા- પીવાનું વેચાતું હતું પરંતુ અમને કોઈને રૂચી નહોતી. તડકો ચડ્યો હતો એટલે અમે પાછાં ફર્યા.


સૂરકા નો પ્રવાસ

હાથબથી પાછાં ફરતાં વળી પાછાં ડ્રાઈવર સાથેના મારા તડાકા શરૂ થયા. મેં પૂછ્યું “તમારૂં ગામ ક્યું?” તો મને કહે “આપણાં રસ્તામાં જ આવે બેન. હાલો તમને મારી વાડી જોવા લઈ જાઉં” અમે બધાં એક મતે જવા તૈયાર થયાં.

પછી તેણે વાત માંડી , “અમારે તો ૨૫૦ વીઘા જમીન અમારાં ચાર ભાઈઓ વચાળે હતી પણ સરકારે ૧૨,૦૦૦ વીઘાએ અમારી જમીન ખરીદી લીધી. અમને ચાર ભાઈઓ વચાળે ચાર વીઘા જમીન આલી. ત્યાં સરકારને કોલસાની ખાણ ખોદવી છે. અમે બધાં ભાઈઓ ભાવનગર જઈ વસ્યા. ત્યાં અમે નાના મોટા કામ કરીએ છીએ. જ્યારે અઠવાડિયે પંદર દ’હાડે રજા મળે ત્યારે આંટો મારી આવીએ અને ખેતીનુ જે કામ હોય તે કરી આવીએ. બાર મહિના ચાલે એટલો બાજરો અને શીંગ ઉગે છે. બાજરાના રોટલા કરીએ અને શીંગનું તેલ કઢાવીએ. બાકી ઓછા પાણીમાં કપાસ ઉગે તેનાથી અમારો બીજો ખરચો નીકળે…” ત્યાં તો સૂરકા ગામ આવી ગયું.

ગામ તેર કુટુંબથી વસેલું છે. તે લોકો મામા ફઈના છોકરા સાથે પરણી શકે એટલે બધાં એકબીજાના સગા થાય. એક બીજાની ખેતીનુ ધ્યાન રાખે. ઘેર ઘેર ભેંસ હતી.

જ્યારે સૂરકા જવાનુ નક્કી થયું ત્યારે તેણે મોબાઈલથી ઘેર સમાચાર આપી દીધાં હતાં. અમે પહોંચ્યા એટલે અમારાં માટે ખાટલો ઢાળવામાં આવ્યો. ઉપર ગોદડું પાથરવામાં આવ્યું. પહેલા પાણી ધર્યું. અંદર દીકરાની લાજ કાઢેલી વહુએ ચુલો પેટાવી ચાની તૈયારી કરી. ત્યાં ડ્રાયવરના બા સામે ખાટલે આવીને બેઠાં. અને અમારી સાથે વાતોએ વળગ્યા. ડ્રાઈવર અને તેનો દીકરો ફળિયામાં રૂ પાથરવામાં પડાયાં…. ત્યાં તો ચાની કીટલી અને સાથે રકાબીઓ આવી. એટલે બધાંએ એકએક રકાબી ચા પીધી. ઘેર ભેંસ એટલે આખો દી’ ચા બનતી જ હોય. પ્યાલો રાખવાનો રીવાજ જ નહીં.

ત્યાં બીજા તેમના સગાને ખબર મળ્યા કે મહેમાન આવ્યા છે. તેવો ખરખરો કરવા ગયા હતાં ત્યાથી સીધા આવ્યા. બાએ અમને તેને ભેળવ્યા. મહેમાનને આપણું ગામ બતાવ તેમ કહેવામાં આવ્યુ. એક બે ગલીમાં ગામ પૂરૂં થતું હતું. બીજા ત્રણ ઘેર અમારી ચાની રકાબીની મહેમાનગતી થઈ.

વરસાદનુ પાણી ક્યાં એકઠું કરવામાં આવે છે તે બતાવતા હતા ત્યાં બા આવી પહોંચ્યા. તેની વાતોમાં વધારો થયો. બાએ ગર્વ સાથે કહ્યું, “હુંપાણીના પુરવઠાની પ્રમુખ હતી. આ ટાંકુ આખા ગામ માટે સૌથી પહેલા કરાવ્યું.” આટલી ચા પીધેલી એટલે અમને બાથરૂમ લાગી. તેણે તરત સરકારે આપેલા પૈસામાંથી બનાવેલા નવા જાજરૂની અમને વીઝીટ કરાવી. જે આખા ગામ માટે હતી. કહેવું પડે કે ચોખ્ખું હતું. ત્યાં અમારી નજર આંબલીના ઝાડ પર ગઈ. તેની ઉપરના કાતરા જોઈ મને પાછું મારૂં બાળપણ યાદ આવી ગયું. અમુક ઝાડ અમેરિકામાં જોવા ન મળે.

અમે પાછા તેના ખાટલે આવીને બેઠાં એટલે બાએ વાતનો તાંતણો પકડ્યો. તેણે અમને છેલ્લા સમાચાર આપ્યા કે, “ગુજરાત સરકારને અહીં કોલસાની ખાણ ખોદવી છે. અમને ગામ ખાલી કરવાનું કીધું છે. અમે ૧૫ ગામના ગાયું, ભેંસુ, બકરા, છૈયા છોકરાં, બાયુ, ભાયુ સંધાય ભેળા થીયા. સરકાર મશીન લઈને આવેલા. અમે તેને અરજ કરી કે અમને આજના ભાવે નવી વસાહતના પૈસા આલો તો અમે ખાલી કરીએ.” વીસ વરસ પહેલા સરકારે આ લોકો પાસેથી કોલસાની ખાણ ખોદવા જમીન ખરીદેલી. કાયદો એવો છે કે વીસ વરસમાં ખાણ ખોદાણી નહોય તો જમીન પરત કરવી પડે.

“આવતે મહિને ભાણાના લગન છે, તો જરૂરથી આવજો. અમે બારથી કાંય મગાવીએ નહીં હો. અમે તો ચૂલા ગાળશું. કળીના લાડુ, દાળ ભાત રીંગણા બટેકાનું શાક, ભજીયા બનાવશું.” અમે આવતા મહિને પાછાં આવવાના આગ્રહને , હા…હા…જરૂર આવશુના વાયદા આપી ભાવ ભરી વિદાય લીધી.


લેખક: કોકિલા રાવળ

કોળિયાકનો પ્રવાસ – કોળિયાકનું બીજુ નામ નકળક કે નીશકલંક મહાદેવ

કોળિયાક થી પાછા, કોકિલા રાવળ

હું અને અમારાં મહેમાનો કોળિયાકના પ્રવાસે ઉપડ્યા જે ભાવનગરની નજીક આવેલું ગામ છે. કારમાં અદધા કલાકમાં પહોંચી જવાય. અમે બધાં રસ્તામાં આવતી વાડીઓ અને બીજા ફંટાતા ગામના રસ્તાઓ જોતા; લીલોતરી માણતાં હતાં. હું વળી ઝાડ ઝાંખરાંની ઓળખાણ કરાવતી હતી. આને બાવળ કહેવાય જેનાથી અમે નાનપણમાં દાતણ કરતા. આ લીમડાંનુ ઝાડ છે તેની અમે લાંબોળી ખાતાં વગેરે… વાતો કરતાં કરતાં ક્યારે કોળિયાક આવી ગયું તેનો ખ્યાલ ન રહ્યો.

અમે પુનમ પહેલાના ત્રણ દિવસે ગયેલા એ સમયે દરિયાની ઓટ ચાલતી હતી. આ જગ્યાની ખાસિયાત એ છે કે કિનારાથી થોડે દૂર દરિયામાં એક ઓટલો બંધાવેલો છે. ઓટલા ઉપર ત્રણ ચાર શંકરના લીંગ છે અને એક નાનકડી દેરી છે. દેરી ઉપર બાર એક ફીટ ઉંચે ધજા લટકાવી છે. ભરતી હોય ત્યારે કિનારા ઉપરથી ખાલી ધજા જ દેખાય. ઓટના સમયે ત્યાં પુજારીઓ દેખાય.

અમને દૂરથી આખું દ્રશ્ય દેખાણુ. અમે અમારા જોડા એક ખાણી-પીણી વાળા આગળ ઉતારી હોંશે હોંશે અમારા પગ ઉપાડ્યાં. ત્યાં તો માટી ચીકણી એટલે હું લપસતા લપસતા રહી ગઈ. સામેથી દર્શન કરી વળતાં લોકો અમને સલાહ આપવા લાગ્યા. પાણીની નીકમાં ચાલો. અમે એમ કરતા નીચી મૂંડીએ ચાલવા લાગ્યા. ત્યાં તો અમારો ડ્રાઈવર મારી મદદે આવી મારો હાથ પકડ્યો. અમારાં મહેમાન ભાઈએ મારો થેલો ઉંચકી લીધો. આમ અમે અમારી જાતને સાચવતા સાચવતા ચાલવાનુ શરૂં કર્યું. જ્યારે સામેથી આવતા દર્શનાર્થી મળે ત્યારે અમે પાછા ચીકણી માટી ઉપર ઉભા રહીએ. વળી સામેવાળા અમને આશ્વાસન આપે કે આગળ કોરી જમીન આવે છે અને પછી થોડો જ કાંકરાવાળો રસ્તો છે. વળી અમે ફરી કોરી જમીનની ઝંખનામાં ચાલવા લાગ્યા. કોરી જમીન આવતાં હું ડ્રાઈવરની મદદ વગર મારી ચાલે ચાલવા લાગી. જેવો કાંકરાવાળો માર્ગ આવ્યો કે અમારાં મોતિયા મરી ગયા. પગમાં કાકરાં એટલા ખૂંચે કે દરેક પગલે એમ લાગે કે શંકરભગવાનને મેળવવા સહેલાં નથી. હું મારા મનને મનાવુ કે એક્યુપ્રેસર થઈ રહ્યું છે. અમેરિકાના ઘરમાં કારપેટ છે વળી જ્યાં કારપેટ ન હોય ત્યાં ઘરમાં ચંપલ પહેરી ને ચાલવાની ટેવ ખરીને? એટલે પગના તળિયામાં સહન ન થાય એટલું ખૂંચી રહ્યું હતું. ત્યાં તો ઓટલો આવી ગયો. ઓટલા ઉપર ચડ્યા એટલે બધી મહેનત વસુલ લાગી. પંખીઓના ટોળા જોયા. ત્યાં પણ ભાવનગરી ગાંઠિયા પહોંચી ગયા હતાં. લોકો પંખીઓને ગાંઠિયા વેરતા હતાં. મને મનમાં પંખીઓની દયા આવી કે બીચારાંનો તો આ ખોરાક નથી ક્યાંક ઝાડા થઈ ન જાય! હું તો ફોટા પાડવામાં મશ્ગુલ થઈ ગઈ અને બધું દુ:ખ ભુલાઈ ગયું હતું ત્યાં પાછા વળવાનો સમય થઈ ગયો.

કોળિયાકનો ઓટલો, કોકિલા રાવળ

સુખે દુ:ખે પાછાં વળવાનું શરૂં કર્યુ. હવે અમે સામે આવતા માણસોને ક્યાં ચાલવું અને આગળ શું આવશે તેની શિખામણ આપતા હતાં. મનમાં વિચાર આવ્યો કે અહીં કોઈ દાતાર મળી જાય અને ફ્લાઈઓવર બ્રીજ બની જાય તો કેવું સહેલું બની જાય.

કિનારે તો જાત જાતની ખાવા-પીવાની તથા આઈસ્ક્રીમ વગેરેની લારીઓ હતી. બધી લારીઓવાળા અમને નારા લગાવી બોલાવી રહ્યા હતાં. અમે જ્યાં જોડા સાચવવા આપ્યા હતાં ત્યાં પહોંચી ગયાં. સૌએ સૌની રૂચી પ્રમાણે ચા- ગાંઠિયા કે નાળિયેર પાણીની જ્યાફત ઉડાવી.

ત્યાં લારીની પાછળના ભાગમાં બે કુટુંબ રહે છે. તેઓને સમય આપ્યો હોય તો તેઓ ઓળો રોટલા અને ખીચડી બનાવી આપે છે.

પાછાં ફરતાં બધાં જોલે ચડ્યા. મારા મહેમાન ગુજરાતી જાણતા નહોતા. મેં ડ્રાઈવર સાથે ગુજરાતી માં તડાકા મારવાના શરૂં કર્યાં.


લેખક: કોકિલા રાવળ

ગોવાની સફર

ગોવાની સફર

photo: Kokila Raval
photo: Kokila Raval

ગોવાના એરપોર્ટથી અમારી હોટેલ ઉપર પહોંચતા એક કલાક ટેક્સીમાં થયો. હોટેલ sea shell નોર્થ ગોવાના candolim ગામમાં આવેલું છે. હોટેલ અદ્યતન હતી. પહોંચતા વેંતજ welcome શરબત મળવાથી થાક ઉતરી ગયો. બે બેડરૂમ, બે બાથરૂમ, લીવીંગરૂમ અને બાલ્કનીની સગવડતા હતી. મુખ્ય રસ્તાથી હોટેલ પાછલા ભાગમાં હોવાથી બહુ શાંતિવાળી જગ્યા હતી. ચારેબાજુ નાળિયેરીના ઝાડ, બગીચામાં જાત જાતના ફૂલો હતા. બેડ અને બ્રેકફાસ્ટ સાથે હોવાથી અમે ત્યાં જ બંને કરી લેતા હતા. લંચ ડીનર ની સગવડતા પણ હતી પરંતુ અમે જુદી જુદી રેસ્ટોરંટમાં જમવા જતા હતા.

મુખ્ય માર્ગ ગલીમાંથી બહાર નીકળીએ કે તરત હતો. જે શોપીંગ અને રેસ્ટોરંટથી ભરચક હતો.વેપારી લોકો કાશમીરી અને ગુજરાતીઓ હતા. બે નાની સુપર માર્કેટ હોવાને લીધે બધી જ સુવિધાઓ હતી.

photo: Kokila Raval
photo: Kokila Raval

એક દિવસ અમે ટેક્સી કરી se cathedral જુનુ પોર્ટુગીઝ સમયનું ચર્ચ જોવા ગયા હતા. ત્યાં નજીકમાં born jesus basilica હોવાથી તેનો પણ લાભ લીધો. સાથે ભારતીય પુરાતત્ત્વ સર્વેગણ (archaeological survey) રૂ. ૧૦ના દરની ટિકિટ મા જોયું. ફોટા પાડવાની મનાઈ હોવાથી થોડો અફસોસ રહી ગયો.

દરિયા કિનારે ફાઉન્ટન ફોર્ટ હતું. એક દિવસ ત્યાં જમવા ગયા હતા. ગોવાનીઝ રીતથી બનાવેલું ભીંડાનું શાક ખાવાની મજા આવી ગઈ.

હોટેલ sea shell ની પાછળ જ દરિયો હોવાથી સવાર સાંજ આકાશના રંગો માણવા જતા હતા. હોટેલના આંગણામાં ઓપન સ્વામીંગ પુલની પણ વ્યવસ્થા હતી. અહીં અમે ચારેક દિવસ રહ્યા.

photo: Kokila Raval
photo: Kokila Raval

ત્યાંથી અમે ટેક્સી કરી બે કલાકે south goa ગયા. અહીં અમે don sylva હોટેલમાં રહ્યા. નાળિયેરીના ઝાડથી ભરચક જગ્યામાં આશ્રમ જેવું વાતાવરણ હતું. બેઠા ઘાટના મકાનો ની હરોળ હતી. અહીં પણ જમવાની સગવડતા બફે સ્ટાઈલ હતી. અહીંથી હોટેલમાં મસાજ કરાવવાની સગવડતા હતી. ઓપન સ્વીમીંગપુલમાં લોકો ધુબાકા મારતા હતા. અમે પણ થોડો લહાવો લીધો. દરિયે ચાલવા જવાની મજા આવતી હતી. દરિયા આગળ પણ લાઉંજ ચેર ઉપર બેસી આહ્લાદક હવા ખાતા મસાજ કરાવવાની એક લહાણ છે. આ બીચ જરા ઓછો ભરચક હતો. ક્રિસમસ હેવાને કારણે મોટા ભાગના લોકો નોર્થ ગોવાના શહેરોમાં ગયા હતા.

એક દિવસ ટેક્ષી કરીને દૂધસાગર નામનો ધોધ જોવા ગયા હતા. ત્યાં ઠેઠ સુધી ટેક્ષી જઈ શક્તિ નથી એટલે જીપની ટેક્ષીમાં ટ્રાન્સફર થવાનું હોય, જે પાણી અને ખાડા ખબડા રસ્તા ઉપર ચાલી શકે. ત્યાં પહોંચ્યા પછી વાંદરા જોવા મળ્યાં. ધોધ જોવાનો એક બાજુ રહી ગયો. બધા મુસાફરો વાંદરાઓને કેળા અને શીંગ ખવડાવતા જાય અને ઝપાઝપ ફોટા પાડવામા મશગૂલ થઈ ગયા. ધોધ સુધી જવા માટે vest પહેરવાની હતી.

પાછા ફરતા spice gardenમા ગયા. ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જમ્યા બાદ ગાર્ડનની

photo: Kokila Raval
photo: Kokila Raval

પોણી કલાકની ટુર હતી. ટુર ગાઈડે બધાં તેજાના તજ, લવીંગ, એલચી, જાયફળ, મરી તથા હળદરના ગુણ સમજાવ્યા તથા તેની સુગંધ લેવરાવી. કાજુમાં થી ફેંની કેમ બને છે તે સમજાવ્યું અને જેને ચાખવો હતો તેને ચખાડ્યો. તાજા કાજુ પણ વેચવા મૂક્યા હતા. ટુરના અંતે અમારા વાંસા ઉપર સીટ્રોના નાખેલુ બરફવાળુ પાણી કડછી ભરીને રેડ્યું . બધાંના જુદા જુદા અવાજ વાળા reaction સાંભળવાની મજા આવી ગઈ. અમારી ખખડેલી કરોડરજ્જુ સીધી થઈ ગઈ! સાડા આઠમા સવારે નીકળેલા, સાંજે સાડા ચારે પાછા ફર્યા. રસ્તામાં કાજુના વન જોતા જોતા ચાની તલપ સાથે હોટેલ ઉપર પહોંચ્યા.

લેખક: કોકિલા રાવળ