સાહિત્યકારની ખુમારી

સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે.

પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું ઘડતર દિનરાતની અવિરત વેદનાના હથોડાના ઘાએ આત્માની એરણ પર થયું છે. હું ચાંદનીમાં ને ફૂલોમાં, દરિયાની લહરીઓ જોડે કે ઝરણાંની સાથે મહોબ્બત કરવા બેઠો છું, ત્યારે પણ એ મહોબ્બત ઉપર મારી સુખસગવડોની દુનિયાઓ ફના કરી છે. ચાંદનીમાં પણ હું સળગતો રહ્યો છું. અને દુનિયાને પ્રકમ્પોના આંચકા લેવરાવવા જેટલું કૌવત મારી કલમમાં, મારી સમવેદના અનુભવવાની ઊર્મિએ જ મૂકેલ છે.


લેખક : ઝવેરચંદ મેઘાણી ( કલમ અને કિતાબ ) ના સૌજન્યથી

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

સંપાદક : કોકિલા રાવળ

ડગમગતો પગ

watercolor: Kishor Raval

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;

 

દૂર મારગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય.

 

 


લેખક: નરસિંહરાવ દિવેટીઆ
સંપાદક: મહેન્દ્ર મેઘાણી (ગીત એક ગાયું ને વાયરે વાવ્યું …)

photo: Kokila Raval

ઝવેરચંદ મેઘાણીની યાદમાં

IMG_2070ઝવેરચંદ મેઘાણીની યાદમાં

દુનિયાને ડહાપણ અને સલૂકાઈથી વાતો શીશીખવનાર અંતરે સદા કળકળતો હતો. એના આંતરિક મનોમંથનમાં સાથ કે સહાય આપે એવા મિત્ર કે મુરબ્બી વિનાનો એ એકલો અટૂલો સંસાર-ધરતી પરનો પ્રવાસી હતો.

દુનિયા એમને સમજવા જેવી સ્થિતિમાં આવી ત્યારે એણે અમર પંથ લીધો. પચીસ વર્ષ વધુ કાઢ્યાં હોત તો ગુજરાતના એ ટાગોર હતા.

“મેઘાણી: સ્મરણમૂર્તિ”, રવિશંકર મ. રાવળ

સોના નાવડી

ગાજે ગગને મેહુલા રે,
વાજે વરસાદ ઝડી.
નદી-પૂર ઘૂઘવિયાં રે,
કાંઠે બેઠી એકલડી!
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી!

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,
ડૂંડા ગાંસડી ગાંસડીએ ભરિયાં;
ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયા.

ભીંજું ઓથ વિનાની રે,
અંગે અંગે ટાઢ ચડી;
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.

સામે કાંઠે દેખાય રે,
વા’લું મારું ગામડિયું;
ગોવાલણ-શી વાદળીએ રે
વીંટ્યું જાણે ગોકળિયું.

મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યા,
આખી સીમેથી લોક અલોપ થયા,
દિનાનાથ રવિ પણ આથમિયા.

ગાંડી ગોરજ ટાણે રે
નદી અંકલાશ ચડી,
એને ઉજ્જડ આરે રે
ઊભી હું તો એકલડી;
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી.

પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?
મારા દિલડાનો માલિક રે
જૂનો જાણે બધું દીસે.
એની નાવ ફૂલ્યે શઢ સંચરતી,
એની પંખી-શી ડોલણહાર ગતિ,
નવ વાંકીચૂંકી એની દ્દષ્ટી થતી,

આવે મારગ કરતી રે
પ્રચંડ તરંગ વિષે;
હું તો દૂરેથી જોતી રે:
જૂનો જાણે બંધુ દીસે;
પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?

કિયા દૂર વિદેશે રે
નાવિક, તારાં ગામતરાં?
તારી નાવ થંભાવ્યે રે
આંહીં પલ એક જરા!

તારી જ્યાં ખુશી ત્યાં તું જજે સુખથી,
મારાં ધાન દઉં તુંને વા’લપથી,
તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી!
મારી લાણી લેતો જા રે
મોઢું મલકાવી જરા,
મારી પાસ થાતો જા રે
આંહી પલ એક જરા.
કિયા દૂર વિદેશે રે,
નાવિક, તારાં ગામતરાં!

લે લે ભારા ને ભારા રે !
– છલોછલ નાવડલી;
‘બાકી છે ?’ – વા’લા મારા રે!
હતું તે સૌ દીધ ભરી.
મારી જૂની પછેડી ને દાતરડી,
મારાં ભાતની દોણી ને તાંસળડી,
તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી.

રહ્યું લેશ ન બાકી રે,
રહ્યું નવ કંઈયે પડી;
રહી હું જ એકાકી રે,
આવું તારી નાવે ચડી;
લે લે ભારા ને ભારા રે!
– છલોછલ નાવડલી.

હું તો ચડવાને ચાલી રે,
નાવિક નીચું જોઈ રહે;
નવ તસુ પણ ખાલી રે,
નૌકા નહિ ભાર સહે.
મારી સંપત વહાલી રે,
શગોશગ માઈ રહે.

નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,
ગગને દળ – વાદળ ઘેરી વળ્યાં;
આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.

સૂની સરિતાને તીરે રે,
રાખી મુંને એકલડી.
મારી સંપત લૈને રે,
ચાલી સોના – નાવલડી.
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.

photo from http://www.wallpaper-wallpapers.com/2795-boat-sunset.html
photo from http://www.wallpaper-wallpapers.com/2795-boat-sunset.html

“૧૯૩૧. માનવી: ખેડુતના નાનકડા ઉદ્યમ-ક્ષેત્રનું સર્વ ઉત્પન આખરે તો, ઘોર આપત્તિમાં ઓરાયેલ માનવી પોતે ન વાપરી શકતાં, કર્મદેવતા રૂપી નાવિક હરેક જન્મે આવી આવીને પોતાની સુવર્ણ – નૌકામાં છલોછલ ભરી લઈ જાય છે, સંસારના શ્રેયાર્થે વાપરે છે. પણ ખુદ માનવીને એ પોતાના વાહનમાં ઉઠાવી લઈ કાળપ્રહાવમાંથી ઉદ્ધરી આપતો નથી. માનવીને તો વિલુપ્ત જ બનવાનું છે.

રવીન્દ્રનાથના ‘સોનાર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર’ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન સેન પાસેથી જાણેલું. ગીતનું રહસ્ય આ હતું. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી, બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે આ પાત્ર બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. આ ગીત રવિબાબુના કાવ્યનો શબ્દશ: અનુવાદ નથી. બલકે, કેટલાક ઠેકાણે મૂળ અર્થ આબાદ ન રહે તેવા ફેરફારો પણ મારે હાથે થયેલા કેટલાકને લાગશે. એ સ્થિતિમાં એક મહાકવિના પ્રિય કાવ્ય ઉપર મારા અનુવાદની જવાબદારી ન નખાય તો પણ મને અફસોસ નથી.

મૂળ કાવ્ય રવિબાબુની કાવ્યસંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય છે. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે. અને પોતાની કવિતા – સંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પીંછીથી જ થવી જોઈએ એમ એ માનતા હોવાનું મેં સાંભળ્યું છે. અહીં યોજેલ ‘શીખ દે સાસુની રે’ના ઢાળમાં વચ્ચે ત્રણ-ત્રણ ચોસલાંને ગાળા મૂકવાના પદ્ધતિનો પ્રારંભ મેં કરેલ છે.”

સોના-નાવડી, પાનુ ૧૬૩, સમગ્ર કવિતાના સૌજન્ય થી લેખક: ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી જયંતી: ૧૭ અોગસ્ટ

આજે, ૧૭ ઓગસ્ટ, ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી છે.  તેમની રવીન્દ્ર વીણા ખોલતા, ૧૮૪ પાનાનો પ્રસાદ ધરુ છું.

સાથી

એક દિનની વાત યાદ આવે છે.  ખેતરને શેઢે ઘાંસની હરિયાળીમાં એકલી બેઠી બેઠી એક ખેડુની કન્યા બપોરે ચોટલો ઓળતી હતી. પાળેલું કુરકુરિયું પાછળથી આવીને એ કન્યાના ચોટલાને આમતેમ ઊડતો દેખી, રમત માની, કુદાકુદ કરતું ડાઉડાઉ બોલીને ચોટલાને વારમવાર કરડવા લાગ્યું. કન્યાએ પોતાની ગર્દન મરડીને ગલુડિયાને હેડ! હેડ! કર્યું; એટલે તો ગલૂડિયાને રમવાની વધુ ચાનક ચડી. કન્યાએ એને હાથ ઉપાડીને માર્યો તો પછી ગલૂડિયાની રમત બમણી ચગી.  ત્યારે પછી ક્ન્યાએ હસીને ઊઠી, ગલૂડિયાને છાતીએ લીધું, ને પછી એને હેતના ઘબ્બા મારવા મંડી.

ચૈતાલિ, રવીન્દ્ર વીણાના સૌજન્યથી