પરમ 

રોઝી ઘરે આવી તેને વધૂ દિવસ થયા ન હતાં. આખો પરિવાર તેની આગળ પાછળ. રોઝી ત્યાં બેઠી, રોઝી સૂઈ ગઈ, તેણે પાણી પીધું કે નહીં? ‘મમ્મી, રોઝી મારું મોં ચાટે છે. જો ઢીંગલી લઈ બગીચામાં ભાગી.’

Image: vcahospitals.com

કોઈ બિસ્કીટ ખવરાવે, કોઈ કેક. કોઈ વળી મોઢા આગળ દૂધ મુકે. દૂધ-બ્રેડ ભેગા કરી ખવરાવવાની સલાહ પણ આપે. મારી ડોક્ટર પત્ની મીતાને ચિંતા થતી. તે કહેતી – ‘તમે બધા ખવરાવી ખવરાવી રોઝીને મારી નાંખશો.’

રોઝીના વાળ કથ્થઈ, મટમેલા રંગના. તેમાં ગુલાબી-સોનેરી ઝાંપ. ગોળમટોળ પેટનો ભાગ ઢળતો. ભરાવદાર લાંબુ મોં. આંખો ઊંડી, હંમેશા અધમીચી. તેના રેશમી વાળ પર હાથ ફરે અને લસરપટ્ટી ખાવા મજબુર થઈ જાય.

મીતાનું ડોકટરી જ્ઞાન રોઝી પાછળ લાગતું. કેટલા વાગે છોડવી, બાંધવી? ખોરાક કેવો, કેટલો આપવો. રસી ક્યારે મુકાવવી. હું રોઝીને મારી રીતે તૈયાર કરતો. એક વખતે સમજાવેલી વાત, રોઝી હંમેશા યાદ રાખતી. એકવાર કરેલી ભૂલ ફરીને ન કરતી.

એક સાંજે ફરીને પાછા આવ્યાં. નોકરે ડરતા ડરતા કહ્યું ‘રોઝી હાથમાં આવતી નથી. સાંકળે કેમ બાંધવી?’ – અમે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ રોઝી હાથ ન આવી તે ન જ આવી. દોડતી ગેરેજમાં ભરાઈ ગઈ. મેં કહ્યું, તેને બોલાવવાનું બંધ કરો. એકલી છોડી દો.’ –

બધા પોતપોતાના કામમાં લાગ્યા. જમવાનો સમય થયો, પણ તે જમવાના વાસણ નજીક ફરકી સુદ્ધા નહી. રોઝીની બેસવાની જગ્યા ખાલી….. ખાલી….. રોઝી ફરાર હતી.

નોકર કામ કરીને ગયા. મીતા અને બાળકો નિંદ્રાધીન થયો. વાંચતા-વાંચતા મારી આંખ પણ મળી ગઈ, તે છેક અડધી રાતે નીંદર ખુલી.

મારી સામેની બારીમાંથી ચાંદની ઉછળતા મોજાંની જેમ ઘસી આવી હતી. પલંગ પર સુતેલી મીતાની સુડોળ કાયા પર અથડાતી, ઓળઘોળ થઈ હસી ઉઠતી હતી. ચંદ્ર પૂરબહારમાં શીતળતા લુંટાવતો હતો, હું મીતાની મોહિનીમાં ઘેરાઈ ગયો હોત કે, અચાનક મને રોઝી યાદ આવી. ચિંતા થઈ, મારા પગ બગીચા તરફ વળ્યા.

બગીચામાં ફૂલ, પર્ણ, લતા-વેલ બધું રૂપેરી ચાંદનીમાં નહાઈ રહ્યું હતું. ચમેલીના ફૂલ, મહેંદીના પાંદડા… બધે ચાંદનીનો ઉન્માદ સળવળતો હતો. મારી નજર બગીચાના ખૂણામાં પડી. રાતરાણીના છોડ નજીક, આગળના પગ પર હડપચી ગોઠવી રોઝી મસ્તીમાં બેઠી હતી. તેની અડોઅડ પડોશીનો ‘પરમ’ મોં લાંબુ કરી, અધમીંચેલી આંખે રોઝીને જોતો નિરાંતથી બેઠો હતો. તે આનંદમાં હતો.

હું બંને ને એકી ટસે જોઈ રહયો, અને પછો મીતા તરફ વળ્યો…


લેખિકા: આરતીબા ગોહિલ ‘શ્રી’, ૯૫/A, રૂપાલી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર – ૩૬૪૦૦૨. Mobile: +91 94277 54207

મામીની જોય રાઈડ

આ વર્ષે મામી પાછા અમેરિકાથી ભારત જવા ઉપડ્યા. સીધા અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી દસેક દિવસ માટે રાજકોટ ગયા. ત્યાંથી પછી બસમાં ભાવનગર ઉપડ્યા. ભાવનગરમાં માંડ ઠરીઠામ થયા ત્યાં પાછાં લગ્ન પ્રસંગે અમદાવાદ જવાનુ થયું. ચારેક દિવસ લગ્ન માણી, મામી પાછાં બસમાં ભાવનગર જવા ઉપડ્યા.

મામી ઉજાગરાથી ખૂબ થાકેલા. બસમાં જોલા ખાતાં ખાતાં બાજુમાં બેઠેલા બેન સાથે વાતો શરૂ કરી. એ પણ ભાવનગર જતાં હતા. પછી વાતો વાતોમાં ભાવનગરની ઓળખાણ કાઢી. મામી તેની સાસુને ગયે વર્ષે જ મળેલા. સાસુજીએ રોટલી સિવાય બધી રસોઈ તૈયાર રાખેલી. વહુએ કામેથી આવી મામીને ગરમ ગરમ રોટલી કરી જમાડેલા. પછી તો બસમાં એમને ઘરોબો થઈ ગયો. અલકમલકની વાતો કરતાં ભાવનગર ક્યારે આવી ગયું તેની ખબરે ય ન રહી.

તેઓ પાણીની ટાંકી આગળ ઉતર્યા. તરત બેન તો મામી માટે રીક્ષાવાળા હારે રકઝક કરતા ઉભા. મામી એક બે મીનિટ બાજુમાં ઉભા. જ્યાં પાછળ જોયું તો મામીની બસ ઉપડી ગયેલી. મામીને યાદ આવ્યું કે એમની સૂટકઈસ તો બસમા જ રહી ગઈ છે…

બેન એ કરેલા ભાવની હા પાડી. મામીએ રીક્ષામાં બેસી રીક્ષા વાળાને જણાવ્યુ કે એમની સૂટકેઈસ બસમા રહી ગઈ છે. મામી ગયે વર્ષે ડાયમંડ ચોકમાં ઉતરેલા જે પછીનુ સ્ટોપ હતું. તેમને બસરૂટનો અંદાજો હતો એટલે એમણે રીક્ષાવાળાને તે રસ્તે લઈ જવાની સૂચના આપી.

રીક્ષાવાળો તો ફુલ પાવરમાં મારંમાર બસના રૂટ ઉપર ઉપડ્યો. બે ત્રણ સ્ટોપ ઉપર તો બસને આંબવા જાય ત્યાં બસ ઉપડી ગઈ હોય. એક બાજુથી મામીનો જીવ ઊડી ગયો હતો. કારણ કે પાસપોર્ટ, પૈસા વગેરે તો સૂટકેઈસમાં હતાં. બીજી બાજુ તેમને ધરપત હતી કે બહુ બહુ તો છેલ્લા બસ ટર્મીનલ સુધી જવુ પડશે.

રીક્ષાવાળો તેના સીસોટી-જેવુ, અવાજવાળુ હોર્ન વગાડતો બધી ગાડી, રીક્ષા, સાયકલ, તથા માણસો; બધાંની વચ્ચેથી રસ્તો કાઢતો ઉપડ્યો…

મામીને સીનેમામાં જોયેલી કારની રેઈસ યાદ આવી ગઈ. પછી તો જોઈ રાઈડના અનુભવનો રોમાંચ અનુભવતા બેઠાં. સરદારનગર આગળ રીક્ષાવાળાએ બસને પકડી પાડી. તેણે સૂટકેઈસ ઉંચકવામાં મદદ કરીને રીક્ષા મામીના ઘર ભણી ઉપાડી. મામીએ તેને મો માગ્યા પૈસા આપ્યા. રીક્ષાવાળાના મોના ભાવ ઉપરથી લાગ્યું કે વધુ માગ્યા હોત તો વધું મળત!

મામીની ચીવટ

ત્રણ વર્ષ પહેલાં મામી અમેરિકાથી દીકરી સાથે ભારત ગયા. દીકરી સાથે ભાવનગર થઈ વડોદરામાં લગ્ન માણ્યા પછી હોટેલમાં બે દિવસ સાથે રહી, ત્યાથી બંને છૂટા પડાયા. ત્યાં સુધી તો દીકરી પાસપોર્ટ, પૈસા, ટીકિટ વગેરેનું ધ્યાન રાખતી હતી. દીકરી હજી બે ત્રણ દિવસ રોકાવાની હતી. મામી બે મહિના ભારતમાં વધારે રોકાવાના હતાં. મામીએ એક સૂટકેઈસમાં નજોઈતો બધો સામાન વડોદરામાં ભાઈને ઘેર મૂકી રાખ્યો.પાસપોર્ટની જરૂર ન લાગતા તે પણ સૂટકેઈસમાં મૂકી દીધો…

photo: Kokila Raval

બેનના કુટંબી જનો સાથે કારમાં ફરવા નીકળયા. પહેલા આણંદ થઈને મધુભાન રીઝોર્ટ સેંટરમાં રહેવા ગયા. ત્યાં બે દિવસનો મુકામ હતો. પહેલે દિવસે તો બનેવીએ બધી ફોર્માલીટી પતાવી બે રૂમની વ્યવસ્થા કરી દીધી. આવી ચકાચક જગ્યામાં મામીએ બધાં સાથે મોજ કરી. બીજે દિવસે મેનેજરે મામીને બોલાવી કહ્યુ કે તમારો પાસપોર્ટ જોઈશે. હવે? પાછા વડોદરા જાવુ અને આવવું એમાં તો દિવસ ભાંગે.

મામી એ દીકરીને ફોનમાં વાત કરી. દીકરી કહે તું મુંજામાં. હું મધુભાનમાં મારાં કંમ્પુટરમાંથી તારા પાસપોર્ટની બધી વિગત છે તે મોકલી આપું છું. મામીને હાશકારો થયો. પંદરેક મીનિટ પછી મામી મેનેજરને કહેવા ગયા કે મારી દીકરી તમને મોકલશે. ત્યા તો તેણે મામીને સમાચાર આપ્યા કે દસેક મીનીટ પહેલાંજ બધી વિગત આવી ગઈ છે… you are all set.

લેખક: કોકિલા રાવળ ( મામીના છબરડા )

મિત્રતા

સેરા અને ડેવીડ ખાસ મિત્રો હતાં. કોલેજ કેંપસમાં બધે સાથેને સાથે ફરતાં. ડેવીડને મા-બાપની આર્થીક મદદ ન હોવાથી દરેક સેમીસ્ટરમાં બે વિષયના ક્લાસ ભરતો. બાકીના સમયમાં કેંપસ ઉપર જ લાઈબ્રેરીમાં કામ કરી ભણવાની ફીના પૈસા કમાતો. તે સેરા કરતા ભણવામાં પાછળ રહી ગયો. સેરાને માબાપની આર્થીક મદદ હોવાને કારણે ફુલ ટાઈમ કોર્સ કરવાથી તેનો અભ્યાસ જલ્દી પૂરો થયો.

watercolor: Kishor Raval

સેરાને કોલેજમાં પ્રોફેસરની પદવી મળી ગઈ. આ ચાર પાંચ વર્ષમાં તેવોનો સબંધ ઘનીષ્ટ થયો.

લગ્ન કરવાનુ નક્કી કર્યુ. સેરાએ તેનો ખર્ચો ઉપાડી લીધો. ડેવીડ તેની નાની નોકરી છોડી ફુલ ટાઈમ કોલેજ જવા લાગ્યો.

લગ્ન કર્યા પછી કોલેજની નજીકમાં એપાર્ટમેંટ રાખી તેઓએ નવો સંસાર શરૂ કર્યો. બંનેને કોલેજની નજીક રહેવાનુ ફાવી ગયું હતું. રોજ કેંપસ ઉપર હાથમાં હાથ પરોવી ફરવા લાગ્યા. શનીરવીમાં આજુબાજુ ફરવા જતાં. ઝાડ નીચે અઢેલીને બેસતાં. પીકનીકનો સામાન લઈ નદી કિનારે પથારા નાખતાં. બહાર જૂદીજૂદી રેસ્ટોરંટમાં જમવા જતાં. ક્યારેક મૂવી જોવા પણ ઉપડી જતાં. આમ આનંદથી દિવસો પસાર થતાં હતાં….

ટુંક સમયમાં ડેવીડનું ભણતર પૂરૂ થયું. નોકરી શોધવાના ઘણાં પ્રયાસ કર્યા પરંતુ ઈકોનોમી ખરાબ હોવાને કારણે કંયાય પત્તો ખાતો ન્હોતો. સેરાને થયું બીજી લાઈન લ્યે તો જોબ મળવાની વધારે શક્યતા હતી. એટલે તેણે આગ્રહ કરી ડેવીડને મદદ કરી બીજી ડીગ્રી લેવરાવી. બંનેએ નક્કી કર્યું કે ડેવીડ કમાતો થાય પછીજ બાળકો થવા દેવા. આમ તેઓનો સંસાર ચાલ્યે જતો હતો…

નોકરી મળી પણ ગઈ. હવે હાશકારો થતાં ફેમીલી પ્લાનીંગના વિચારો શરૂં કર્યાં. જાત જાતના નુસ્ખા કર્યા પછી પણ સેરા ગર્ભવતી ન્હોતી થતી. ધીરે ધીરે ડેવીડને સેરા સાથે સેક્સમાં વાંધા પડવા માંડ્યા. તેનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો. વડક-છડક ગુસ્સા શરૂ થઈ ગયા. સેરાએ મેરેજ કાઉન્સીલરને મળવાની ઈચ્છા દર્શાવી. સેરાને બાળકની મા થવાના બહુ કોડ હતાં. પોતે દાકતર પાસે જઈ આવી. સેરા બાળક ધારણ કરી શકે તેમ હતી. હવે દાકતર પાસે જવાનો ડેવીડનો વારો હતો.ડેવીડે ઘસીને ના પાડી કે તે દાકતર પાસે નહીં જાય.

ચૌદ વર્ષના લગ્ન પછી તેઓએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. ઝગડા કર્યા વગર શાંતિથી છૂટાછેડા લીધાં. ડેવીડ સાથે મિત્રતાનો સબંધ ચાલુ રહયો.

બંનેના રસ્તા અલગ થઈ ગયા. ડેવિડને bisexualમાં રસ પડયો અને તે મોજમાં છે… સેરાને બેચાર સાથે ડેટીંગ કર્યા પછી કાંઈ જામ્યું નહીં. આમ થોડાં વર્ષ નીકળી ગયા…

આજકાલ સેરા કોઈ તરંગમાં રહેવા લાગી છે. તેનાથી ચાર વર્ષે નાનો બોયફ્રેન્ડ મળ્યો. તે પણ લગ્ન જીવનથી દાઝેલો. હમણાં તો તેની સાથે હરેફરે છે અને મજા કરે છે. ફક્ત તેને બાળક નથી તેનો અફસોસ રહી ગયો છે. અત્યારે તે બાળકની મા બનવાની ઉમર પણ વટાવી ચૂકી છે. રીટાયર થવાની ઉમર થઈ ગઈ છે પરંતુ થઈ શક્તિ નથી. ડેવીડને મદદ કરવામાં તે પૈસા બચાવી શકી નથી. તે પણ એક બીજી સમસ્યા છે…


લેખક: કોકિલા રાવળ, જુલાઇ ૨૦૧૭

દોરી

બાપાજી હાથમાં છાપુ લઈ, ફળિયાના હિંડોળે ઝુલી રહ્યાં છે. છાપામાંથી નજર ઊંચી કરી અડખે-પડખે જોઈ લ્યે છે. ક્યારેક ધ્યાન ઘર ઉપરેય જયા કરે છે. બાપાજી ધીમું-ધીમું મલકાય છે.

‘બા’ જી યાદ આવે છે. બાપાજીને એક વાતે નિરાંત છે કે બાજી લીલીવાડી જોઈને ગયા છે.

watercolor: Kishor Raval

બાપાજીની નજર ઊડતી-ઊડતી અગાશીએ જાય છે. વહુબા કપડા સૂકવી રહ્યાં છે. બાપાજી જોઈ રહે છે. વહુબા કપડાંની લાં…બી ને બેવડ કરેલી આખે આખી દોરી ભરી દે છે. નાના કપડાં, મોટા કપડાં, નવા કપડાં, જૂનાં કપડાં, કપડાં જ કપડાં. બાપાજી પોરસાય છે. આટલા કપડાં તો હોય જ ને! કેટલું ભર્યુંભાદર્યું ઘર છે. ત્રણ દીકરા, બે વહુઓ, દીકરાના ઘરેય ત્રણ-ત્રણ છોકરાવ. બધાંય થઈને બાર જણાં, ને બધાયના કપડાં એક હારે, એક દોરીએ ટીંગાય.

બાપાજીથી પોતાની સરખામણી દોરી સાથે થઈ જાય છે.બાપાજીને ઉધરસનું એક ઠસકું આવે છે. આવું બધું હવે થવા માંડ્યું છે. બાપાજી આંખ ઝીણી કરી ફરીથી કપડાંની દોરી સામું જુએ છે. વળી ઠસકું ચડે છે. બાપાજીને યાદ આવે છે; હમણાં-હમણાંથી એક કામવાળી બાઈ ઘરે આવતી દેખાય છે. પણ એ તો ખાલી બાપાજીના કપડાં જ સૂકવતી હોય છે. છેક ભંડારિયાની ઓથે, ને એય વહુબાએ કાઢી નાખેલી જૂની દોરી પર.

બાપાજીને કાંક ગંુગળામણ જેવું થાય છે, ને ફરી પાછું ઠસકું આવી પડે છે. બાપાજીને દોરી તૂટતી જતી હોય એવું લાગે છે.


૨૭.૧૦.૦૧ (સાંપ્રત, સપ્ટેંબર ૨૦૦૩)
લેખક: નસીમ મહુવાકર, ભાવનગર
પુસ્તક: અમે

મામી મુંજાણાં

મામીની આ વર્ષની મુલાકાતમાં અમેરિકાથી અમદાવાદ આવ્યા. ત્યાંથી વોલ્વો  બસ લઈ રાજકોટ ઊપડ્યા. લીમડીમાં દસ મીનિટનો વિરામ હતો. મામીને ખાવુ – પીવુ તો ન્હોતું, પરંતુ બાથરૂમ જવુ હતું. બેસીને પગ ઝકડાઈ ગયા હતાં અને પગ પણ છૂટો થશે તેમ વિચારી ઉપડ્યા.
Photo credit: economictimes.indiatimes.com

બાથરૂમ ગયા તો પુરૂષ પાઈપ છોડી સફાઈ કરતો હતો. પહેલા તો નવાઈ લાગી કે પુરૂષ કેમ સ્ત્રીના બાથરૂમમાં કામ કરે છે! ધીરે ધીરે સાચવીને ભીનામાં ચાલતા બાથરૂમ સુધી પહોંચ્યા. અંદરથી આગળિયો વાસી કામ તો પતાવ્યું. આગળિયો તો ખૂલ્યો પણ બાથરૂમનો દરવાજો જામ થઈ ગયેલો.

મામી તો મુંજાઈ ગયા. પાંચ મીનિટ વીતી ગઈ હતી. એટલે એમણે તો બારણા સાથે ધડબડાટી બોલાવી. આગળિયો ખખડાવ્યો, બૂમાબૂમ કરી મૂકી. ઘણાં પ્રયત્ન કર્યા. અંદર ખેંચ્યો, બહાર ધક્કો માર્યો…અંતે પેલા કામ કરતા હતા તે ભાઈએ દરવાજો ખોલ્યો.

બીજી ટ્રીપમાં બાજુમાં બેસનારને કહીને જવું અને બારણું અટકાવેલુ રાખવું તેવો નીર્ધાર કરી, પાછાં વોલ્વોમાં ગોઠવાઈ ગયા. વિડિયો જોતાં બાકીની સફર આનંદથી પૂરી કરી.

દોડ

રણ અફાટ હતું. એ ખેંચાયે જતો હતો. પાણી દૂર દૂર જતું હતું. તરસ વધતી જતી હતી. ભટકી-ભટકી થાકી જવાયું. આખરે તળાવ મળ્યું. લાગલું જ મોઢું લગાવી પાણી પીવા માંડ્યો. તરસ છીપી જ નહીં. જાણે પેટમાં કાણું પડ્યું. બધું પાણી બહાર નીકળી ગયું.

એનાથી જાગી જવાયું. માંડ માંડ ઊંઘ આવી હતી. એણે આકાશમાં નજર ફેરવી. તારોડિયા ઝાંખો પ્રકાશ ફેલાવતા હતા.

એને પોતાની તનતોડ મહેનતને અંતે મળ્યું હતું : દિવાલો. ચાર કાળી દિવાલો. અંધારું. એનાંથી ઘેરાયેલું ઘર. આવતી કાલે પણ એવું જ હશે.

પેલો રઘલો હતો. એને મહેનતને નામે મીંડું હતું. અંતે એને મળ્યું હતું : દિવાલો ચૂનાથી રંગાયેલી દિવાલો. બે મેડીઓ. એંશી વીઘા ખેડ. એક ટ્રેક્ટર, વીજળીની લાઇટથી ઝગતું ઘર. આવતી કાલે પણ એવું જ હશે.

પડખે વહેતી નદીનો અવાજ સંભળાયો. એ ઊભો થયો. નદી તરફ ચાલ્યો. ચોતરફ ઊંઘે ઘેરાવો ઘાલ્યો હતો. માણસ, પશુ, પંખી, વૃક્ષો – સૌ એમાં ઘેરાઇ ગયાં હતાં. ગામ આખુંય ઘસઘસાટ સૂઇ રહ્યું હતું.

Image credit: gdb.rferl.org

ભેંશો અને ગાયો ગમાણમાં બેપરવા લાંબી પડેલી હતી. પડખેથી નીકળ્યાં તોય કાળીયા કૂતરાને ખબર ન પડી. પોતાને કેમ ઊંઘ નથી આવતી?

એ નદી કિનારે પહોંચી ગયો. ઠંડી હવાનો સ્પર્શ થયો. માએ જાણે મમતાભર્યો હાથ ફેરવ્યો.

નદી પડખે એ બેઠો. પગ બોળ્યા. ઠંડું લાગ્યું. મજા આવી. શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. અજબ નશો છવાઇ જવા લાગ્યો. પ્રકૃતિ આખી શા માટે નિદ્રાધીન બની ગઇ હતી તેની એને ખબર પડી ગઇ.

એણે નદીમાંથી ખોબો પાણી પીધું. સંતોષ સાથે એ ખળખળ વહેતી નદીને જોઇ રહ્યો.


હરીશ મહુવાકર, ભાવનગર

મામી ગભરાણાં

મામી પહેલી વાર એકલા અમેરિકાથી ભારત જવા ઉપડ્યા દીકરી એરોડ્રોમ મૂકવા આવી હતી. તેણે મામીને સીક્યોરીટી સુધી પહોંચાડયા અને સૂચના આપી કે તારે A વીંગમાં જવાનું છે. ભલે કહી મામીએ તેની વિદાય લીધી.

સીક્યોરીટીની વીધિ પતાવી મામી આગળ ઉપડ્યા. A wing તો દેખાયો,પણ તેમા જમણી બાજુ કે ડાબી બાજુ જવુ તેમ વિચારતા જમણી બાજુ વળી ગયા. હજી બે કલાકની વાર હતી એટલે ધરપત હતી. વિંડો શોપીંગ કરતાં કરતાં છેવાડે પહોંચ્યાં. ત્યાં 35 C દેખાણું. તેણે હાથમાં પકડેલા પાસપોર્ટ વચે દાબેલા બોર્ડીગ પાસ પર નજર નાખી તો 35 C છેવાડે મોટા અક્ષરમાં જોયું. એટલે ટોળુ બસમાં ચડતું હતું તેની સાથે બસમાં ચડી ગયા. દરવાજે ઉભેલી બહેને ખાલી પાસપોર્ટનો ફોટો જોયો અને તેને જવા દીધી હતી.
બસ તો બીજા ટર્મીનલ માટે ઉપડી. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો, મામી તો આકાશના રંગો જોતા જોતા ભારતના સ્વપના જોતા બેઠા. પંદર મીનિટમાં બસ બીજા ટર્મીનલે પહોંચી. ત્યા ફરી બોર્ડીંગ પાસ અને પાસપોર્ટ ચેક કરવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે તમે ખોટા ટર્મીનલમાં આવ્યા છો. આ બસ પાછી જાય છે તેમાં પાછા જાવ. 35 C તેની સીટનો નંબર હતો!
મામી વીલે મોઢે પાછા ફર્યાં. 35 C માંથી ઉતરી પાછા ફરતા બધી વીંડો શોપીંગની એંધાણીઓ જોતા ચાલતા હતા.ત્યાં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચયા. એટલે ખ્યાલ આવ્યો કે હવે સીધા જવાનું છે A wing ની સાઈન જોઈ. ખાતરી કરવા કોઈ બીજાગેઈટની બાઈને પૂછ્યંુ અને તેને બોર્ડીંગ પાસ બતાવ્યો. તેણે જણાવ્યુ કે તે બરાબર જઈ રહ્યા છેપરંતુ હજી ખાસુ ચાલવાનું છે. ગભરાયેલા મામીને હિંમત આવી ગઈ અને એમણે પગ ઉપાડ્યો..
લેખક: કોકિલા રાવળ, kokila@kesuda.com

વેળા વિરમવાની

આજે કિશોરની પૂણ્ય તીથિ છે. ચાર વર્ષ થઈ ગયા. ઘરમાં બધી ભીતો તેમના ચિત્રોથી સજેલી છે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં તેમની યાદ પડી છે. તેઓ ચિત્રકાર અને વાર્તાકાર બંન્ને હતાં. ભાવનગરની ઘણી વાર્તાઓ તેમની યાદદાસ્તનમાંથી લખાયેલી છે. તેઓ યુથેનેશિયામાં માનતા હતાં. તે વિચાર ‘વેળા વિરમવાની’માં પરિણમી છે. -કોકિલા

 

 

વેળા વિરમવાની

રોજ સવારે ઉઠતાં તપેલા સોનાં સમા સૂરજના પ્રકાશમા દુનિયાને નવા નવા રૂપમા નિહાળવાનો આનંદ તો રોજ માણતા હોઈએ છીએ પણ એ આનંદનુ જ્ઞાન આપણને નથી હોતું. એનુ મૂલ્ય મોટા થયે જ પરખાય.

water color: Kishor Raval

સવારે સાથે ઊઠી, નિત્યકર્મો સાથે શરૂ કરતા કરતા અમે બેઉ પાછલી બાલ્કનીએ ઊગતા સૂરજના કિરણોને આકાશમા રેલાતા, પ્રસરાતા જોતા જોતા દાતણ કરતા, સંસારીનુ સુખ મનમાં માણતાં ઊભા રહીએ. સંસારીનુ સુખ કોણે ઝાંઝવાના જળ જેવુ અને શા માટે કહ્યું હતું એ સમજાતું નથી. અમે સાથે બેસી જીવનના વૃત્તાંતો ફરી ફરી આલેખતા. વર્ષોની સતત ખોજ કરવા છતા પણ મારા બાળપણની નવી નવી વાતો કોઈ છૂપાયેલા, ભૂલાઈ ગયેલા રત્નોની જેમ કેવી રીતે ફરી હાથમા આવતી હશે એ એક મોટી અજાયબી છે! જસુના બાળપણની સાહેલીઓ, તેની સાથે ગાયેલા ગીતો, માણેલી મોજો તેના જ શબ્દોમા સજીવન થયે હું પણ ત્યાં હાજર હોઉં એટલી તાદૃશ રીતે અનુભવી શકતો. અમે પરણ્યા, પરણીને છોકરાઓ થયા, તેમના શૈશવનો કિલ્લોલ, કિશોરાવસ્થાની ધીંગામસ્તી, કૌમાર્યમા કરેલાં સપનાંઓ અને યુવાવસ્થાના થનગનાટો હજુ પણ આ તુંબડા જેટલા ખોપરામા કેવી રીતે સમાયા હશે તેનો કોઈ તાગ નથી આવતો.

આજે એ બાળકો પંખીની જેમ તેમના ભેરુઓ શોધી પોતપોતાના માળામાં કેવાં મજાનાં ગોઠવાઈ ગયા છે અને આજે આફુડા વ્હાલા લાગે તેવા તેમના બાળકો મળે ત્યારે તેમના કિલ્લોલથી અમારું જીવન ભરી દે. કયા અભાગિયાએ અનાશક્તિ યોગનો વિચાર સર્જી બીજાઓના જીવન ચૂંથી નાખવા અળવીતરાઈ કરી હશે?

અમે બન્ને મુંબઈની અમારી મઢુલીમા ગોઠવાઈને સંધ્યાકાળના શમણા જોતાં અને મોજ કરતાં.

પાંસઠ વરસે ઝાખું દેખાવા માંડ્યું. મોતિયો ઊતરાવ્યો. પણ કંઈ સીધૂં ન પડ્યું. આંખે દેખાતા ધાબાઓ જરા વધૂ સ્પષ્ટ થયા અને દુનિયા જરા ધુંધળી બની. વાંચવાનુ છોડી દેવુ પડ્યું. જસુ કહે કે કંઈ નહિ. હુ વાંચી સભળાવીશ. સારું થયુ કે એને પણ અંગ્રેજી વાંચવુ ફાવતું. ચિત્રોથી, સિનેમાના દૃષ્યોથી જે સૃષ્ટિ ન રચી શકાય તે શબ્દોથી કેવી અદભુત ખડી થાય છે. પ્રેમ કથાઓ વાંચીએ, મર્ડર મિસ્ટરિઝ વાંચીએ, ગુજરાતીમા કવિતાઓ વાંચી કે વાંર્તાઓ વાંચી. એ વાંચીને ચર્ચા કરીએ, વિચારણા કરીએ અને ખાઈ પીને મઝા કરીએ.

મને વસ્તુઓ લેવા મૂકવામાં, એક વખત મૂકેલી ફરી લેવામા ગોથાં ખાવા પડે અને અકળામણ થઈ આવે. વાળ ઓળ્યા છે કે નહિ, સેથો બરોબર છે કે નહિ, બધા શર્ટના બટનો બીડાયા, ઝીપર ખુલ્લી નથી રહીને એ વિશે સતત ચિંતા રહે. દ્રષ્ટિ વગર લૂલા બનેલા દેહ પર ગુસ્સો આવતો. જસુ હસીને ઠંડો પાડે અને બહાર જતાં પહેલાં કે કોઈ ઘરે મળવા આવતા પહેલા મને કનૈયા કુંવર જેવો કરી પ્રદર્શનીય કરી દે.

અજંપો પાર વગરનો. મન ખૂબ જ વ્યસ્ત રહે. જોઈ ન શકાય તેવુ જગત કડવું લાગતું હતું. એમા જસુને બરડાનો દુખાવો ઊભો થયો. હાલતા દુખે, ચાલતા દુખે, સૂતા દુખે અને પડખુ ફરતા દુખે. દાક્તરોને દેખાડ્યું. ગોળીઓ ખાધી પણ ગાડી કેમે પાટે ન ચડે. વા હશે, પિત્ત પ્રકોપ હશે, આર્થરાઇટીસ હશે, બધુ સાંભળ્યુ અને એ પણ ઓછું હોય તેમ પૂર્વ જન્મના પાપ હશે તેમ ધારી બેઠા. દુખાવો ઉપડે એડલે જસુની આંખોમાંથી આસુની ધારા થાય. મને તો એ દેખાય નહિ, જ્યારે દાબી રાખેલો કણસાટ કે ધ્રુસ્કા સાંભળુ ત્યારે ખ્યાલ આવે. હું જઈને પાસે બેસી જઉ અને વાંસે હાથ ફેરવુ ત્યારે મને વળગીને છૂટથી રડી લે અને મન હળવુ કરે.

મનમા ઘણુ થાય કે પેલા બાદશાહ બાબરે તેના દીકરા હુમાયુંનું મોત લઈ લીઘું તેમ મારાથી જસુનુ દુ:ખ લઈ શકત તો કેવુ સારું! પચાસ ટકા તો પ્રશ્ન હલ થઈ જાત!રાંધવામાં આંધળી આંખે જેટલી થાય તેટલી મદદ કરું. પણ દુ:ખાવાનું શું થાય.

એક દિવસ રાત્રે લાંબા થઈને સૂતા. જસુને કળ વળતી નહોતી. એકબીજાને સથવારો આપતાં, સાંત્વન શોધતાં પડ્યાં હતાં.

જસુએ વાત કાઢી “જૂઓને, એક વાત પૂછું?”

મેં હંકારો કર્યો “બત્રીશ ભોજન તેત્રીશ શાકની સામે બેઠા હોઈએ. પેટ ભરાઈ ગયુ હોય અને તો પણ ખાધે જવાનું શું કારણ? ઊલટી થાય, આફરો ચડે કે બાદી થાય તો પણ રોકાવુ નહિ.”

મને કંઈ સંદર્ભ ન સમજાયો. “આપણે ક્યારેય એવુ કદી નથી કર્યુ. કેમ આ વિચાર આવ્યો?”

“આપણે અત્યારે બીજુ શુ કરી રહ્યા છીએ? મજાની જિંદગી માણી. અને હવે આપણે બન્ને તરફડિયા નાખીએ છીએ. તમને આંખનો બળાપો અને મને આ બરડો કેડો છોડે નહિ. એવુ જીવે જવાનો કઈ અર્થ? કંઈ એવુ સ્વિચ જેવુ હોય કે જ્યારે આપણને થાય કે બહુ મજા માણી, હવે સંતોષાઇ ગયા, બીજુ કશુ જોઇતુ નથી અને સ્વિચ દાબીએ–અને એક પળમા અસ્તિત્વનો, આ યાતનાનો અંત આવે. બસ એટલુ જ મળી જાય તો જીવન કેવુ જીવવા જેવુ થઈ જાય?”

તેની પાછળનો વિષાદ ન સમજાયો હોત તો જરૂર એ વાક્ય પર હસવું આવત. પણ એ વિષાદ પૂરો સમજતો હતો. શારીરિક દુખ માણસને કેટલો લાચાર કરી દે છે? કલાક સુધી વાતો કરી. હૃદયના હુમલાથી માણસો મરી જતા હોય છે તે કેટલા સુખી હશે! એક, બે અને ત્રણ, મામલો ખતમ! પછી પગની નળીઓ કાપી, હૈયે થિગડા કરવાં એ બધું શા માટે? યુવાન હોય તો તો સમજ્યા પણ અમારા જેવા ચોપડીના પ્રકરણો પૂરા કરી બેઠા હોય એને ઝાઝું થાગડ થીગડ કરવાની શું જરૂર?

મે પૂછ્યું, “એ તો બધું બરોબર. પણ હૃદયનો હુમલો કંઈ આપણા હાથની વાત છે? અને એમાં પણ સ્ટ્રોક થઈ જાય તો? વાત વધુ વણસે.”

“ઉપાય તો નિકળે. એક વાત કહું?” જસુ બોલી. “યાદ છે કે પંચાવનની સાલમા મુંબઈમાં રમખાણો થયેલાં? અને ગુજરાતીઓ તેનો શિકાર થઈ બેઠેલા? કંઈ કેટલીક ગુજરાતી નારીઓની આબરુ લૂટાણી હતી. મારા બાપુને એ વખતે દહેશત બેસી ગઈ. પોતે વૈદ એટલે મારા માને એમણે એક સોગઠી બનાવી આપેલી. એક ચણાભાર સોગઠી પાણીમા ઘુંટી અને પી જવાથી બહુ જ ઓછી યાતનાથી દેહ પડી જાય તેવી એ હતી. માને આપેલી, કે ન થવાનુ થાય તો આ લેવી–અને નેપથ્યમાં મારા વિચારો પણ હશે એમ માનુ છુ. માને કે મને ત્યારે તો કંઈ જરૂર ન પડી. સંઘરી રાખેલી સોગઠી મરતાં પહેલા માએ મને એ આપેલી. મે હજુ સાચવી રાખી છે.

“મારાથી હવે આ સહન થતું નથી અને તમને એકલા મૂકીને જતા રહેતાં મન નથી ચાલતુ…”

અત્યારે રાતના બે વાગ્યા છે. જસુની વાતમા હું પૂરો સમ્મત થાઉ છું. જસુએ બે ચમચી તૈયાર કરી છે. કોઈ ખોટો રંજ કરશો નહિ. સ્વેચ્છાથી જ, પૂરા વિચારથી અને પ્રસન્નતાથી જ આ પગલું લઈએ છીએ અને મનમા રામનારાયણ પાઠકની નીચેની બે લીટીઓ રમે છે અને જીવન સરસ ગયું તેનો અપાર સંતોષ છે.

“રુઝવે જગનાં જખમો આદર્યાને પૂરાં કરે
ચલાવે સૃષ્ટીનાં તંતુ ધન્ય તે નવયૉવન.”

લેખક: કિશોર રાવળ
પુસ્તક: અમે ભાનવગરનાં ૨
contact: kokila@kesuda.com

બાપ-દીકરી 

એ બોસની ઓફિસમાંથી બહાર આવી. ફાઈલ સાંજ સુધીમાં ફાઈનલ કરવાની હતી. ફાઈલ ખોલવા જાય ત્યાં ફોનની રીંગ વાગી. અનનોન નબર કોણ હશે? અવઢવમાં ફોન ઉપાડ્યો ”કોણ?”

“હું બારડોલી થી બોલું છું.” – સામેનો છેડો ધ્રુજતો હતો. અવાજનું કંપન ટાવરમાં થઈ કાન સુધી પહોંચ્યું. બધિર મગજ સાથે અથડાઈ પાછું પડ્યું/ અવાજ અજાણ્યો લાગ્યો. તેણે ફોન કાપી નાખ્યો.

દિવસભર કામની વ્યસ્તતા. ફાઈલોમાં પેપર્સની ઉથલ-પાથલ. સવારનો સૂરજ ઊંધો વળી સાંજે ડૂબી ગયો. ઓફિસથી નીકળતાં પહેલાં ફોન પર નજર કરી. ચોંકી ગઈ. સવારે આવેલા નંબર પરથી ત્રણ મિસ-કોલ જોયા. કોલબેક કરવાની પરવાહ કરી નહી પણ, કોણ હશે? કોઈ જાણીતું કે જરૂરીયાતવાળું તો નહી હોય ને? એવા વિચારનો ઝબકારો થયો… એવો જ બુજાઈ ગયો!

બીજા દિવસે, એજ સમયે, એ નંબર પરથી મિસકોલ. વિચાર વંટોળે ચડ્યા. થયું આ ફોન ચાળો કરવા વાળું છે કોણ? ખોટી રીતે હેરાન કરવા વાળાને ખબર પાડી દઉં…

ફોન હાથમાં લીધો. ઉશ્કેરાટમાં ડાયલ કર્યો. ફોન રીસીવ થયો કે ગુસ્સોને અકળામણ ઠલવાઈ ગયા – “કેમ ભાઈ? વારંવાર ફોન કરવાનું કારણ? કોણ છો? ક્યાંથી બોલો છો? પ્રત્યુતરમાં નિ:શબ્દતા સામો છેડો ગૂંચવાયેલો લાગ્યો.

તેનો ગુસ્સો કાબુ બહાર ગયો “તમારા જેવાને જાણું છું. બપોરે એકલી સ્ત્રી જાણી હેરાન કરવાનો ઈરાદો હોય તો માંડી વાળજો. પોલીસ ને જાણ કરતા વાર નહી લાગે…”

સામેનો છેડો સળવળ્યો “મારી દીકરીને ફોન કરું છું, બે-દિવસ થયા મુંબઈ જવા નીકળી છે. પહોંચી કે નહી સમાચાર નથી. ફોન નંબરમાં એક આંકડા નો જ ફરક છે, એટલે તારો નંબર લાગી જાય છે. માફ કરજે બેટા” વૃદ્ધ બાપની લાચારી અને નિ:સહાયતા ફોનમાં ધરબાઈ ગઈ. એ ફોન સામે તાકી રહી. સવેદના જાગી ગઈ…

તેને પપ્પા આંખોમાં ઉતરી આવ્યાં. તેમનો આંખો પણ…..

તેને ડૂમાને રોક્યો, આંખે ભરાયેલા ઝળઝળીયા ને લૂછ્યા બોલી પડી, “ઓ કે… કોઈ વાંધો નહી પણ તમારી દીકરીનો સંપર્ક થયે અમુક જાણ કરજો. હું તેના ખબર પૂછીશ” પછી જાણે પોતાના પપ્પા સાથે વાત કરતી હોય તેમ તેનાથી બોલી જવાયું  “તમારું ધ્યાન રાખજો…. અને હા, ચશ્માં ઠીક કરવી લે જો.”

આરતીબા ગોહિલ ‘શ્રી’, ૯૫/A, રૂપાલી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર – ૩૬૪૦૦૨.