પવિત્ર સ્મૃતિ

રેતીમાં કોણીનો ટેકો લેતા જયંત બોલ્યો, “માયા મારી રજા તો આંખના પલકારામાં વીતિ જશે. કાલે મારે પાછા જવાનો સમય આવી ગયો છે. પછી પાછો કામની ચકીમાં જોતરાય જઈશ. તારી જાણ માટે કહું છું કે તારા પ્રેમને કારણે મારી રજાઓ આનંદમય વીતિ. તને યાદ છે કે તને જોતાવેંત હું તારો થઈ ગયો હતો.”

“પરંતુ આપણને મળ્યાને કેટલો સમય થયો છે?” માયાએ હસીને કહ્યું. પછી બે હાથમાં રેતી ભરી ઉડાડવા લાગી.

“મને લાગે છે કે બે મહિના પણ નથી થયા, પરંતુ ઘણા સમય પહેલાથી તને ઓળખું છું. કારણકે મારાં સપનામાં કાયમ તારાં જેવી વહાલી લાગે તેવી છોકરી આવે છે. જ્યારે તને પહેલી વાર ઝાડ નીચે ઉભેલી જોઈ ત્યારે મને થયું કે મારૂં સ્વપનુ સાકાર થઈ ગયું.

તને વરસાદના છાંટાથી ભીંજાયેલી જોઈ ત્યારે જ મને થઈ ગયું કે મારા સ્વપનામાં આવે છે તે તું જ છો. એટલે તો મેં તને મારી છત્રી નીચે આવી જવાનો આગ્રહ કર્યો. જ્યારે તું મારી સાથે ચાલવા આવી ગઈ ત્યારે પહેલી વાર મારા પગલામાં જાદુ ભર્યુ જોમ આવી ગયું.”

watercolor: Kishor Raval

જયંતે માયાની આંખોમાં જોતા પોતાની વાત ચાલુ રાખી, “મેં જ્યારે તારૂં નામ પૂછ્યું તો જાણ થઈ કે ‘માયા’ નામ છે. તે નામ તને કેટલું બંધ બેસતુ હતું. પછી તેં મારૂં નામ પૂછ્યું અને ત્યારે બે વાર (જયંત) નામના ઉચારણથી મને મારૂં નામ સાર્થક લાગ્યું. પછી મેં તને તું ક્યાં રહે છે તેમ પૂછ્યું તેના જવાબમાં તેં કહ્યું કે તું નજીકના ફ્લેટમાં તારા ત્રણ વર્ષના દીકરા સાથે રહેછે. ત્યારે મારો શ્વાસ ઉડી ગયો.

જ્યારે તે જણાવ્યુ કે તું વિધવા છો અન કોઈ ઓફિસમાં કામ કરે છે ત્યારે મારા દિલમાં સહાનુભૂતિનો દરિયો ઉછળ્યો હતો.

માયાના કુણા નાજુક હાથોને મારા હાથમાં લઈને બોલ્યો, “માયા, આટલી નાની ઉમરમાં અત્યારથી બધાં સુખના દરવાજા કેમ બંધ કરી દીધાં છે?”

માયાએ એક નીશ્વાસ નાખ્યો. અને બાજુમાં બાળકોનું ટોળું રમતું હતું તે તરફ જોવા લાગી. રમતાં બાળકોનું દશ્ય સુંદર લાગતું હતું. તેમાથી તેને તેનો દીકરો અશોક નજરમાં આવી ગયો. અશોક નાની બાલ્દીમાં રેતી ભરતો હતો. તે તેને નીહાળી રહી.

જયંતે ધીમેથી પૂછ્યું, “તું મને અશોકનો પિતા બનવાની તક નહીં આપે?”

માયાની ઉદાસ આંખો તેની તરફ વળી. તેની મોટી મોટી આંખોમાં મમતાનો સાગર ઉછળી રહ્યો હતો. જયંતે ફરી પૂછ્યું, “મને તક આપ તો તારા દુ:ખને ખુશીમાં પલ્ટી નાખું. હું જાણું છું કે તું હજી સુનીલની યાદમાં જીવે છે. તું મને સુનીલ જેવો કોઈ દિવસ પ્રેમ નહીં કરી શકે પરંતુ હું તારા પ્રેમના થોડાં અવશેષની આશા રાખું છું. તું મારી સાથે લગ્ન કરી લે, તો તારે કામ પણ નહીં કરવું પડે. અને તું તારો બધો સમય અશોક સાથે વીતાવી શકીશ. હું તમને બંનેને પ્રેમ કરૂં છું.”

જયંતને ખબર હતી કે માયાને લાલચ આપશે તો માયા અશોક સાથેના લાગણી બંધનને લીધે નમી જશે અને પોતે તેને તે બહાના હેઠળ દબાવી શકશે.

પોતાની સામે જ તેની સપનાની જીવન સાથી હતી તેને તે કોઈ પણ હિસાબે ખોવા માગતો ન્હોતો. માયા રોજ સવારે સાત વાગે કામે જતાં પહેલા વૃધ્ધ આયા આગળ દીકરાને રાખી જતી. અને છેક સાંજે ઘર ભેગી થતી.

માયાએ કોઈ જવાબ ન આપ્યો. તેની નજર ધીરે ધીરે ડૂબતા સૂરજ ઉપર હતી જે અડધો દરિયામાં ડૂબી ગયો હતો. અને બાકીનો સોનેરી પ્રકાશ છેક કિનારાના ફીણવાળી રેતી પર રેલાતો હતો.

માયાએ રેતીમાંથી થોડાં શંખલા ઊપાડ્યા અને તેને જોઈ રહી હતી. જયંત મનોમન વિચાર કરતો હતો કે માયા વિચારમાં પડી છે. તેની હા હોય તો સારૂં.

એક હોડી કિનારા બાજુ આવી રહી હતી. “હોડી પોતાના ઘર તરફ વળી રહી છે.” માયા બોલી.

“હા, તે ઘર બાજુ જઈ રહી છે, પણ તું મારા સવાલને ટાળી રહી છો. મને કહે, તું મારી સાથે મારા ઘેર ક્યારે આવીશ?”

માયાએ તેની સામે નજર નાખી ત્યારે તેને થયું કે તેણે જરૂર નિર્ણય કરી લીધો છે. પહેલા બે વાર આ પ્રશ્નને તેણે ટાળ્યો હતો એટલે જયંત તેનો જવાબ જાણવા માટે બહુ અધીરો થઈ ગયો હતો.

“તમને ખબર છે કે હું હજી પણ બીજાના પ્રેમમાં જીવી રહી છું, છતાં તમારે મારી સાથે લગ્ન કરવા છે? સુનીલની યાદ હંમેશ મારી સાથે રહેશે અને તેના પ્રેમની યાદગાર રૂપે તે નીશાની મૂકતો ગયો છે. શું તમે મને એટલો બધો પ્રેમ કરો છો?”

થોડું રોકાઈને માયાએ બોલવાનું ચાલુ કર્યું. “કોઈ એવો પ્રેમ હોય છે કે તે એકજ વ્યક્તિ સાથે થઈ શકે. તમે મારી સાથે લગ્ન કરશો તો તમે પોતાને તેમાંથી બાકાત રાખશો. ત્યારે તમને અફસોસ નહીં થાય?”

“નહીં, માયા, નહીં,” જયંતની આશા ઉભરાઈ આવી. “મેં તને તો કહ્યું કે તારા સ્નેહના ટુકડાઓ ઉપર હું જીવી શકીશ. જો કોઈ વખતે તારામાં પરિવર્તન આવશે તો હું મારા સૌભાગ્ય સમજીશ. પરંતુ મને, જીવનમાં કોઈ દિવસ પસ્તાવો નહીં થાય કે મેં તારી સાથે લગ્ન શું કામ કર્યાં.”

“અશોક સાથે તમે કદી…”

પરંતુ જયંતે તેને તેનુ વાક્ય જ પૂરું કરવા ન દીધું; “માયા, મને અશોક વ્હાલો છે. તમને બંને ને વહેંચી શકુ તેટલો અસીમ પ્રેમ તમારા માટે છે.” એટલું બોલતાં તો આવેશમાં તેનો શ્વર ઊંચો થઈ ગયો.

“જયંત હું તમારા પ્રેમનો અહેસાસ કરી શકું છું. તમે પહેલેથી જ મારી સાથે દયા પૂર્વક વર્તન રાખ્યું છે. એટલે હું તમને અંધારામાં રાખવા નથી માગતી. મારે તમને મારા જીવનની સાચી વાત જણાવવી જોઈએ.”

જયંત આ સાંભળી ચોંકીને બોલ્યો, “સાચે સાચ શું? મને તારી વાત સમજાણી નહીં!”

તેની આંખોમાં આંખ નાખી માયા બોલી, “સાચી વાત તો એ છે કે મારા લગ્ન જનથી થયા. અશોક તો અમારાં પ્રેમનુ પ્રતિક છે.”

“ના- ના!” જયંત લગભગ ચીસ પાડી ઊઠ્યો, “આ વાત સાચી હોઈ ન શકે!”

માયાએ ગંભીર શ્વરમાં જવાબ આપ્યોકે, “હા; આ સાચી વાત છે. જયારે યુવાન સ્ત્રીને ખબર હોય કે આ તેમના પ્રેમની અંતિમ ઘડી છે અને તેમના પ્રેમની ક્ષણ ની કાલ આવવાની નથી ત્યારે સમાજની બીક રાખ્યા વગર તે આવેલી છેલ્લી ક્ષણોને જતી નથી કરી શક્તી. સમાજની દષ્ટિએ ભલે પાપ હોય પરંતુ અમારા માટે એક થવાની તે છેલ્લી ઘડી હતી.”

દરિયાઈ હવાથી તેના વાળ ઉડી રહ્યા હતાં. તેને સરખાં કરતાં તે બોલી, “સુનીલ બહુ સુંદર અને બહાદૂર હતો. હું તે વખતે કામ કરતી હતી. સંજોગોવસાત અમે મળ્યા અને ઘણાં નજીક આવી ગયા. સુનીલે સેનામાં ભરતી કરેલી. જ્યારે તેને યુધ્ધમાં જવાનો કોલ આવ્યો ત્યારે અમારી પાસે સાથે ગાળવાની એક જ રાત હતી. એ તો યુધ્ધમાં કુરબાન થવા જઈ રહ્યો હતો. તો શું મારી જાત એનાથી પણ કિંમતી હતી કે હું મારૂં સમર્પણ ન કરી શકું?”

થોડીવાર રોકાઈને એ બાલી, “હું પ્રસન્ન છું અને મને જરાએ અફસોસ નથી. મેં તેને તે રાતે સમાજની બીક રાખ્યા વગર ભરપૂર પ્રેમ કર્યો.”

આટલું બોલતાં બોલતાં તેના ગળામાં પહેરેલું લોકેટ ને આગળ કરી ખોલીને તેણે સુનીલનો ફોટો બતાવ્યો. આ સુનીલ, જેણે મને પ્રેમ કર્યો અને આજે પણ તે મારા મનમાં વસેલો છે અને મને વિશ્વાસ નથી આવતો કે તે આ દુનિયામાં નથી. તે હંમેશા મારી સાથે છે અને તેની યાદગાર રૂપે મારી પાસે અશોક છે તેમ બોલતા તેની નજર રેતીમાં મહેલ બનાવી રમી રહેલા અશોક પર નજર ગઈ.

ફોટો જોતા જયંત વિચાર કરી રહ્યો હતો કે તે આ દુનિયામાં ન હોત તો કેવું સારૂં થાત. કેટલો વિચિત્ર સંયોગ છે. ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે વાર્તા જેવી લાગે. ફોટામાં જે વ્યક્તિને તેણે જોઈ તે પોતાનો ભાઈ સુનીલ હતો.

તે યુધધમાં ગયો હતો અને છાપામાં તેના મરી ગયાના સમાચાર પણ આવેલા. પરંતુ તે જીવતો પાછો પોતાને ઘેર પોતાના બાળકો અને ધર્મપત્નિ પાસે આવી ગોઠવાઈ ગયો હતો.

અને આ બાજુ માયા સુનીલના પ્રેમના આધારે જિવન વીતાવી રહી છે, જે પ્રેમ જુઠો અને બનાવટી છે. તેનો સગો ભાઈ જ તેને ઠગાવી ગયો.

જયંત મુંજવણમાં પડી ગયો. જો માયા સાથે લગ્ન કરે તો ભવિષ્યમાં તેના ભાઈ સાથે મુલાકાત થયા વગર રહેવાની નથી. તે સમયે માયા ની શું દશા થશે. જેને અત્યારે પૂજી રહી છે. તેના દીકરાને પ્રેમની નીશાની રૂપે ઉછેરે છે, તેનું શું થશે? ભાઈની ધર્મપત્નિના સુખી સંસારની શું દશા થશે?

આ બધો વિચાર કરી તેણે માયાને નીચી મૂંડીએ લોકેટ પાછું આપ્યું અને ભારે પગલે ચુપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો.

માયા તેને જોઈ રહી. જયંતને જરા ઠેશ આવી પણ તે સંભાળીને ચાલવા લાગ્યો.

દરિયાના ખારા પાણી તેની આંખો પર પડી રહ્યા હતાં. ખારા પાણીથી તેની આંખો બળે તેના કરતાં તેના દિલમાં વધારે બળતરા થતી હતી.

“અશોક!” માયાએ બૂમ પાડી, “ચાલો બેટા, આપણે ઘેર જઈએ.”

“મમ્મી, જયંતકાકા ક્યાં છે?”

“એ તો ચાલ્યા ગયા. આપણને તેની જરૂર નથી”, કહીને માયાએ અશોકનો હાથ પકડી લીધો.

“તું રડે છે કેમ?” “નહીં બેટા, આંખમાં ખારૂં પાણી ગયું હશે.” માયાએ જવાબ આપ્યો અને બંને ઘર તરફ ઉપડ્યા.

માયાને ક્યા ખબર હતી કે જયંત જ તેને ખરો પ્રેમ કરતો હતો. તેણે પોતાના પ્રેમની આહુતી આપી જેથી માયા જેને સાચો પ્રેમ સમજી પૂજી રહી છે તે લજવાય નહીં. અને તેને પાપનો કાંટો બની ખટકો બને નહીં.


હિંદીમાંથી ગુજરાતી નો ભાવનુવાદ: કોકિલા રાવળ
ઈંગલીશમાથી રુપાન્તરકાર: બ્ર્હ્મદેવ, પુસ્તક: વિશ્વ કી 50 સંવેદનશીલ કહાનિયાં
મુળ લેખક: હિમા બાલ, ભારત

અગ્નિદાહ

અગ્નિદાહ – લઘુકથા

કાયમઅલી સારો કારીગર હતો વિજયભાઇના કારખાનામાં એ મિકેનિક તરીકે વફાદારી અને ખંતપૂર્વક કામ કરતો અને એટલે જ વિજયભાઈએ કારખાના પાછળ આવેલા વિશાળ કમ્પાઉંડના પાછલે છેડે ઝુંપડું બાંધી એને રહેવાની મંજુરી આપી હતી.

અહીં કામ કરતાં કરતાં એ કારખાનામાં મજુરીએ આવતી રેવતીના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે સારું બનતું, એકબીજાને મદદરૂપ થવા બન્ને સદા તત્પર રહેતા. પછી સંબંધ પાંગરી ને પ્રેમમાં પલપાયો પણ અલગ ધર્મો ને કારણે અને મનમાં ઘર કરી ગયેલી કેટલીક માન્યતિઓને કારણે વાત થોડી આગળ વધતી ને અટકી જતી. બન્ને એ અંગે ચર્ચા કરતા અને એકમેકને સમજવા અને સમજાવવાની કોશિશ કરતા રહેતા પણ આ વાતના અઘરાપણાથી બેઊ વાકેફ હતા. એટલે પરિણામના પરિપાક વગર ઘણો સમય વહી ગયો.

પછી અચાનક એક દિવસ રેવતીએ આવીને કાયમને કહ્યું, “ચાલ હું તારી બધી વાત માની લઉં પણ એક વાતનું તારે મને વચન આપવું પડશે કે હું મરી જાઊં પછી તારે મને અગ્નિદાહ દેવો પડશે. અમારા પંડિતજીએ કહ્યું હતું કે મરણ પછી શરીરને જલાવવું જ જોઇએ તો જ સ્વર્ગે જવાય નહીં તો નરકની યાતનાઓ ભોગવવી પડે. બોલ છે મંજુર?”

કપરા ચઢાણ હતા કાયમ માટે આ, આકરી શરત હતી રેવતીની, શું કરવું હવે? વાત થોડા દિવસ માટે ટળી ગઇ. પણ પછી કાયમે એની શરત સ્વીકારી લીધી એમ ધારીને કે રેવતી ક્યાં એટલું ઝટ મરી જવાની હતી, સમય આવ્યે રસ્તો નીકળી રહેશે.

પછી બન્નેએ શાદી કરી લીધી અને રેવતી અસમા બનીને કાયમના ઝુંપડામાં આવી ગઇ. બે વરસના સુખી સંસાર પછી અસમાબેગમને ગર્ભાશયનું કેન્સર ડીટેક્ટ થયું જે ખૂબજ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂક્યું હતું. કાયમના મોતિયા મરી ગયા.એણે ખૂબ દોડાદોડી કરી, શેઠ પાસેથી નાણા ઊછીના લઇને અસમાની સારવાર કરી ત્યાં સુધી કે એ શારીરિક, માનસિક અને આર્થિક રીતે નિચોવાઇ ગયો પણ કેન્સર નો ભરડો ભીંસ વધારતો ગયો.

અસમાને પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે આમાંથી હવે બચી શકાશે નહીં એટલે એ કાયમને પોતાના વચન ની વારંવાર યાદ દેવડાવવા લાગી. બીબીને આપેલા વચનમાંથી કાયમ પણ હટવા નહતો માગતો પણ એમ કરવા જતાં સંઘર્ષોની હારમાળા સર્જાવા ની વાત એટલી જ નિષ્ચિત હતી.

photo credit: http://www.e-paolive.net/galleries/images/News_Related/2012/06/Loktak_20120619.jpg
photo credit: http://www.e-paolive.net/galleries/images/News_Related/2012/06/Loktak_20120619.jpg

અને એક રાતે અસમાની આંખ હમેશ માટે મીંચાઇ ગઇ, કાયમ હબક ખાઈ ગયો. હવે?

મોડી રાત્રે કાયમના ઝુંપડામાં એકાએક આગે દેખા દીધી અને થોડી વારમાં ઝુંપડું ભડભડ સળગી રહ્યું અને બધું ભસ્મમાં પલટાઇ ગયું.


લેખક: લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર, lvradhe@outlook.com

છેલ્લાં દર્શન

છેલ્લાં દર્શન

કોકિલા રાવળ, મમતા અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

હું મારાં વિચારોમાં ખોવાયેલી રોબર્ટ હેડનના ફ્યુનરલ માટે બેઠી છું. સારો દિવસ હોવાથી બધાને બેસવાની વ્યવસ્થા ટેન્ટ બાંધી બહાર જ રાખી હતી. મારાં ઓફિસના માણસો તથા રોબર્ટના સગા બેઠા છે અને વારાફરતી બધાં રોબર્ટ વિષે બોલે છે.

થોડાં વર્ષોથી હું નર્સ એસિસ્ટન્ટ તરીકે કામ કરું છું.  રોબર્ટ બે વર્ષથી શ્વાસની તકલીફથી હેરાન થતા હતા. વોકર લઈને ઘરમાં ચાલે. લો-ઇન્કમના માણસો માટે ગવર્મેન્ટ તરફથી મળેલા અપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેની અપરિણિત દીકરી હેલન ‘કેર ટેકર’ તરીકે સાથે રહેતી હતી. કંઈક નાની મોટી નોકરી કરતી હતી. પણ તેનો એક પગ ઘરમાં અને એક બહાર રહેતો.  તેને એક પરણેલા પુરુષમિત્ર સાથે સંબંધ હતો. બાપાની સાથે મીઠું મીઠું બોલી અવારનવાર પૈસા પડાવતી અને મોજ મજા કરતી હતી. બાપા બધું સમજતા હતા પરંતુ પોતાને દીકરીની જરૂર હોવાથી ઢીલું મૂકતા.

હું સવારે આઠ વાગે પહોંચું ત્યારે હેલન મને તે દિવસની સૂચનાઓ આપી ઘરની બહાર નીકળી જાય. રોબર્ટને ખાવા માટે ‘મીલ્સ ઓન વ્હીલ્સ’નો બંદોબસ્ત કરી આપ્યો હતો. એટલે સમયસર તેને એક પેકેટમાં ગરમાગરમ ખાવાનું મળી જતું. પણ રોબર્ટને ખાવાનો શોખ ભારે. કોઈ વાર તેને નવું ખાવાનું મન થઈ આવતું. મને અમેરિકન રસોઈ આવડતી નહોતી તેથી મારી સાથે તે રસપૂર્વક રોજ નવી નવી વાનગીઓ અને એની રેસિપિની વાતો કરતા. તેને નાકમાં ઓક્સીજનની નળીઓ ભરાવેલી જ હોય. માંડ માંડ શ્વાસ લેતા હોય અને વચ્ચે ઊંડી ઘૂંટ લઈ મારી સાથે વાત કરતા.

એક દિવસ મને કહે, ‘ડૂ યૂ નો હાઊ ટુ મેઈક સ્કેલપ્ડ પટેટોઝ?’  મેં ના કહી એટલે એણે કહ્યું ‘જા રસોડામાંથી બટેટા અને એક ચપ્પુ લાવી આપ. હું તને પાતળી સ્લાઈસ કરી આપું. પછી થોડો લોટ લે અને અંદર બટર નાખી મિક્સ કર…’ એમ પગલે પગલે સૂચનાઓ આપી, કહે ‘તું જાય તે પહેલાં પેલો સિનીઅર વોલન્ટીઅર આવશે તે મને સમયસર અવનમાંથી પટેટોઝ કાઢી આપશે.’  વોલન્ટીઅર સમય પસાર કરવા, ગામ ગપાટા મારવા અને હેલ્પ કરવા રોજ આવતો હતો. મારું નામ કૌશલ્યા પણ રોબર્ટ તેનો ઉચ્ચાર ન કરી શકે એટલે મને કોશ કહીને બોલાવતા. આમ મારી સાથે તેને સારું ફાવી ગયું હતું. તે રોજ મારી રાહ જોતાં બેઠા હોય. શનિવારે જ્યારે હું કામ ન કરતી હોઉં અને બીજી છોકરી આવે તે તેને ન ફાવતું. જ્યારે નર્સ તેની વિઝિટે આવે ત્યારે તેની ફરિયાદ કરે.

મમતાના સૌજન્યથી, અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨
મમતાના સૌજન્યથી, અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨

હું બે અઠવાડિયાં ભારત વેકેશન પર જઈ પાછી આવી. મારા શેડ્યુલમાં રોબર્ટ હેડનનું નામ ન જોતાં મને નવાઈ તો લાગી. રોબર્ટના હાઊસિન્ગમા મારી એક બીજી પેશન્ટ પણ હતી. નર્સને મેં પાર્કિન્ગ લોટમાં જોઈ અને મેં તેને રોબર્ટ હેડનના ખબર પૂછ્યાં. મને કહે, ‘તું રજા પર ગઈ અને બીજે દિવસે જ એને પેનિક અટેક આવ્યો. અને હોસ્પિટલમાં બે અઠવાડિયા હતો. પરમ દિવસે જ ગુજરી ગયો. આજે બપોરે તેનું વ્યૂઇન્ગ અને ફ્યુનરલ છે. તને બહુ યાદ કરતો હતો.’ હું ભારત ગઈ એના આગલા દિવસે મને કહે તારા વગર મારું શું થશે!  મને લાગે છે કે એના પેનિક અટેકનું કારણ મારી ગેરહાજરી હોઈ શકે!

એક વાગે ઘેર પહોંચી લુસ લુસ ખાઈ હું તેના છેલ્લા દર્શન માટે પહોંચી ગઈ.

હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

સપન જાગીને મને ‘ગૂડમોર્નિંગ, જયશ્રી કૃષ્ણ ‘ કહે છે. કારણ કે એને હું રોજ કહું છું. વાર્તા હું રોજ સંભળાવું તો ભાંગી તૂટી વાર્તા એ ઘડી કાઢે છે અને મને સંભળાવે. એની સાયકલ પાછળ મને દોડવા ને મારી પાછળ એ સાયકલને દોડાવે. જમતી વખતે એના મોમાં હું કંઈક આપું તો પોતાની થાળીમાંથી મનેય ખવડાવે.

પંદરમી ઓગષ્ટની એને રજા હતી. એથી એને સૂવા દીધો હતો. મારા રૂટિન પ્રમાણે હું સવારના છ વાગ્યાથી કામ કરવા લાગેલો. ચા નાસ્તો કરી હું વાર્તા લખવા બેઠો. થોડું લખાયું હશે કે ઉપરથી નીચે ઉતારવાનાં મંદ મંદ પગલા સંભળાયાં. મારા કાન ચમક્યા.

photo credit: https://sanjeetv.files.wordpress.com/2015/08/kid-with-flag.gif
photo credit: https://sanjeetv.files.wordpress.com/2015/08/kid-with-flag.gif

પોતાનું રમકડાનું સોફ્ટ બ્લેક પપ્પી છાતીએ વળગાડીને નીચે ઉતારતાં – ઉતરતાં એણે મને ગ્રીટીંગ કર્યું : ‘હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે ડેડ્ડી.’

કશી પૂર્વભૂમિકા વિના આવેલું આ અભિવાદન કાનમાં વારંવાર આંદોલિત થઈ રહ્યું. દરિયા કિનારે અમસ્તા ફરવા નીકળ્યા હોઈએ અને આપણને મોતી મળી આવે તો કેવું લાગે? મને આવું મોતી મળી આવ્યું.

એ આંખો દિવસ મારો હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે રહ્યો. એટલા માટે કે એણે સ્વયં જ હેપીલી પોતાનું ઈન્ડીપેન્ડન્સ પ્રકટાવ્યું હતું.

‘ફરીથી’ ના સૌજન્યથી, હરીશ મહુવાકર (લઘુકથા)

વરસાદ

વરસાદ

ઉનાળાની કાળાશ બપોરે બસ બસસ્ટેન્ડમા આવી. બધું જ જપી ગયું હતું. અમારી બસના પ્રવેશથી સ્ટેન્ડમાં થોડી હલચલ થઈ. કેટલાક મુસાફરો ઉતર્યાં, ચડ્યાં, તો કેટલાક ‘ફ્રેશ’ થવા નીચે ઉતર્યાં. મને નીચે ઉતારવાનું મન ન થયું. સીટમાં જ બેસી રહી. હું આસપાસ જોતી રહી.

બે નાના છોકરાઓ હાથમાં પાણીના ગ્લાસના સ્ટેન્ડ લઈ વાતો કરતાં-કરતાં આવતાં હતા.

“ગોપલા, તારે કેટલા ગ્લાસ વેચાણાં?”

“આની પે’લાની બસમાં ચાર ગ્યા. તારે?”

“હું તો આજ હવારથી આંટા મારું…”

છોકરો વાક્ય પૂરું કરે એ પહેલા તો ગોપલાએ બસની પાછળની સીટો તરફ જઈ ‘ઠંડું પાણી બોલે’ના નારા શરૂ કરી દીધા. પેલો છોકરો આગળના ભાગમાં આવ્યો.

બધાને પાણીનું પૂછતો-પૂછતો એ મારી પાસે આવ્યો, પૂછ્યું, “બેન પાણી આપું?”

મેં તેના પાણીના ગ્લાસ તરફ નજર કરી. પાણી ઠંડું રહ્યું હોય એવું લાગ્યું નહીં મેં ના પાડી. એ ચાલતો થયો. ‘પાણી બોલે’ ની બૂમો પાડતા બંને છોકરાઓ બસની નીચે ઉતરી ઉભા રહ્યા. ગોપલાના બે-ત્રણ ગ્લાસ વેચાયા હતા. પેલા છોકરાનો એક પણ ગ્લાસ વેચાણો નહી. એ હાથની આંગળીના નખ કરડતો-કરડતો બસ સામે તાક્યા કરતો હતો ને હું તેની સામે.

થોડીવાર પછી મેં મારા વોટરબેગમાં બાકી રહેલા પાણીમાંથી થોડુંક પીધું. ગરમ અને વાસી થઈ ગયેલું પાણી ભાવ્યું નહીં. મેં બહાર જોયું. બંને છોકરાઓ નીચે ઊભા હતા. મેં પેલા છોકરાને બોલાવ્યો. એ ઝડપથી બસમાં ચડ્યો.

મેં તેની પાસેથી એક ગ્લાસ પાણી લઈ પીધું. એ હસું-હસું થઈ રહ્યો . મેં બીજો ગ્લાસ માગ્યો. એ વધુ મરકાયો. મેં વોટરબેગમાં રહેલું થોડું પાણી ઢોળી નાખી એને કહ્યું, “બધા જ ગ્લાસ આમાં ઠાલવી દે.”

એણે ઝડપથી બધા જ ગ્લાસ વોટરબેગમાં ઠાલવી પ્રફુલ્લિત ચહેરે મારી સામે જોયું. મેં પૂછ્યું, “કેટલા આપવાના?”

“ચાર.”

મેં ચાર રૂપિયા તેના હાથમાં આપ્યા. એ વીજળીવેગે બસમાંથી નીચે ઉતરી ગોપલા તરફ દોડ્યો, ને એક શ્વાસે બધી ખુશી ઠાલવી નાંખતા કહ્યું ,

“એ ગોપલા, મારા બધાંય ગ્લાસ એક હારે ખપી ગયા, જો.” એ હરખાતો હૈયે હાથમાંના ચાર રૂપિયાને તાકી રહ્યો. હું એનામાં છલકાઈ રહેલા આનંદને માણી રહી. મને ખબર જ નહિ કે આઠ ગ્લાસ પાણીથી આટલો બધો વરસાદ થતો હશે.

૧૪.૬.૯૭

(પ્રખર લઘુકથા વિશેષાંક, સપ્ટેમ્બરના-૯૮)

“અમે” પુસ્તકમાંથી નસીમ મહુવાકર

કિશોરની યાદમાં

 

kishor-11-may-13કિશોરને ગુજરી ગયાને ત્રણ વર્ષ પૂરા થયા.  ત્યાર પછી તેમની ઘણી વાર્તા મળી અને અમે ભાનવગરનાં ભાગ બીજો પ્રસિદ્ધ કર્યો.

આ મહિને શમિયાણા વાર્તા મળી, જે એકે પુસ્તકોમાં નથી.

તે કોકિલાની મન્સુર વાર્તાનું બીજું વર્ઝન છ, જ્યારે કિશોર સાથે કોકિલાએ કોંપીટીશન કરી.

 

 


 

શમિયાણા, કિશોર રાવળ

શમિયાણા નખાયા હતા, મહેમાનો આવવા લાગ્યા હતા. વાજાંઓ વાગતાં હતાં, ચાંદીના ફુવારાથી હવામાં છંટાતાં અત્તરની સુગંધ પ્રસરાતી હતી.  મહેમાનો આવતાં ગયાં, પ્રતાપભાઈને આવી મળી જતાં અને હાથ મિલાવી, અભિનંદનો mamata_dec_2011_back_pgપાઠવી, શમિયાણામાં મિત્રમંડળ શોધી તેમાં ગોઠવાતાં હતાં.  જેને કોઈ ઓળખીતાં ચહેરાં ન મળે એ લોકો ક્યાક ખાલી જગા શોધી વીલાં મોએ એકલવાયાં બેઠાં હતાં.

પ્રતાપભાઈના પરિચિતોને થતું કે ભલા, પરણવાનો વિચાર આજે રહી રહીને સાઠ વર્ષે કેમ આવ્યો હશે અને વહેલો કેમ નહીં. આમ તો પ્રતાપભાઈ રંગીલા, મોજીલા, વાતોડિયા નહીં – પણ શબ્દોની રંગોળી કરી ખૂટે નહી એટલી ઘટનાઓ, વાતો, રમૂજોનું અક્ષયપાત્ર!  જવાનિયાઓને પણ ટક્કર આપે, લઘુતાનો અનુભવ કરાવી શકે એવી એમની પ્રતિભા! (કાનમાં કહું તો આને નાથી શકે એવી મમતા નામની લલના જોવા જેવી હશે જ પણ કેવી હશે એની સૌને સમસ્યા હતી.)

પ્રતાપભાઈ મળવા આવતાં માણસોને ઓળખી, વિનોદથી આવકાર આપી, અને પાત્ર પ્રમાણે ઉચિત-અનુચિત ટૂચકાઓથી નવાજતા હતા.  (પણ મનમાં એક ચિંતા હતી કે સુલભા આવશે કે નહીં.) મનમાં ત્રીસેક વર્ષ પહેલાની એક  સાંજ ઘૂમરાવો લેતી હતી.  મિત્ર રમેશની સાડીસત્તાવીશમી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે રમેશને ઘરે પાર્ટી હતી. સાડી-સત્તાવીશ એટલે કે રમેશનો જન્મ મે મહિનામાં થયો હતો અને ધંધૂકાનો મે મહિનો આકરો. ગરમી પાર વગરની, બળતો તાપ, સાંજના મોડે સુધી લૂ વાય એટલે વર્ષગાંઠ સારી મોસમમાં ઉજવવા  છ મહિના મોડી ઉજવતો..

રમેશના મિત્રોમાં રમેશની સાથે કૉલેજમાં ભણતી સુલભાનો પરિચય થયો. જોબનઝૂક સુલભા બોટાની ભણતી, તરવરતી, ઝબકારા મારતી કન્યા હતી. બહુ જીવરી. એણે સહજતાથી ચુંબકત્વ ફેલાવવા માંડ્યું. પણ આપણા પ્રતાપભાઈ એ કળામાં માસ્તરના માસ્તર!  મનમાં એમને એવું થઈ આવ્યું કે આને બે હાથમાં ભીંસી દઉં અને રદયની પીડા, દેહની અગની શાંત પાડું. પોતાનાથી અજુગતું વર્તન ન થઈ જાય એ વિષે સજાગ હતા. એટલે ખંડના એક ખૂણામાં એને તારવી.  પોતાની મોનોપૉલીમાં કોઈ માખીઓ ન ચોંટાડે તેની પાકી વ્યવસ્થા કરી. એમનાથી બોલાઈ ગયું, ‘સુલભા’  એક મિનિટ પહેલાંનાં ‘સુલભાબહેન’ અચાનક જ સુલભા બની કેમ ગયાં એ સુલભાના ધ્યાનમાં તરત જ આવ્યું. ‘સુલભા, તું મને બહુ જ વહાલી વહાલી લાગે છે.  કોઈ અસભ્યતા થઈ ન જાય એ માટે તારી મદદ માંગું?’

સુલભાની આંખો ઝીણી થઈ ગઈ, હોઠને છેડે જરા સ્મિત મરક્યું.  એક પળ રહીને બોલી, ‘જરૂર. કોઈ મનને ગમે છે એવું કહેવામાં અસભ્યતા શી? ઘણા સમયથી મનમાં એક શંકા હતી આજે એનું સમાધાન થઈ ગયું.  હું માનતી હતી કે પુરુષો વહાલા તો લાગે પણ અક્કલના ઓછા તે ઓછા’.

એક ઝાટકો તો વાગ્યો. પ્રતાપભાઈએ તક ઝડપી, ‘આ કટુવચનો મદદ કરવાની ભાવનાને દાદ નથી આપતાં. એવું શું ખૂટતું લાગ્યું?

‘છ મહિના પહેલાં કેમ ન દેખાણો?’

પ્રતાપભાઈએ બીજી તક ઝડપી. આંગળી ચીંધી પેલા રમેશ સામે. ‘આ રમેશિયાનો વાંક છે. આ અડધે વરસે વર્ષગાંઠ ન રાખી હોત તો છ મહિના વહેલાં મળત. પણ આજે ય શું ખોટું છે?’

‘ખોટું એ છે કે મને પ્રતાપ કરતાં વધુ પ્રતાપી હેતલ મળી ગયો. બે અઠવાડિયા પછી અમારાં લગ્ન છે. સમજ કે બીચમેં આયા જનાબ? આજે એ નથી આવી શક્યો નહીંતો ઓળખાણ કરાવત.’

સુલભા ક્યાં રહે છે એની ખબર રાખી હતી અને આ પ્રસંગે આવવા આમંત્રણ પાઠવ્યું હતું. ત્રીસ વર્ષ બાદ પણ પ્રતાપભાઈને સુલભાને છ મહિના મોડાં મળ્યાંનો વસવસો હૈયે બટકાં ભરતો હતો.

પળ વાર પ્રતાપભાઈનીઆંખો બંધ થઈ ગઈ. અચાનક જ કોઈ સામે આવી ઊભું રહ્યું અને બોલ્યું ‘હેતલ, જો આ પ્રતાપ’ આંખ ખોલ્યાં પહેલાં અવાજ પરથી પ્રતાપભાઈને થયું કે સુલભા આવી ગઈ તો ખરી. આંખો ખુલી ગઈ. એનું એ હોઠના ખૂણે જાળવી રાખેલ સ્મિત, અને લોભાવતી આંખો. માથા પર ધોળા વાળ, બોખા દાંતથી પ્રાપ્ત થયેલ એકત્રીસી નિખાલતાની પ્રતીતિ આપતી હતી. બાજુમાં હેતલભાઈ ઊભા ઊભા નિરખતા  હતા.

સુલભાના હાથમાં એક પ્લાસ્ટિકનો કપ હતો. એ ખોલી કંકુમાં આંગળી બોળી. ‘મેં નક્કી કર્યું હતું કે હું પ્રતાપને કપાળે ચાંદલો કરી અભિનંદન આપીશ. જો મારી સામે’ કહી કંકુ ચોખા લગાડ્યાં. ‘મારાથી ઓછામાં ઓછા પચાસ ટકા જેટલો તો તું સુખી થા એવા આશીર્વાદ આપું છું!’

 


કિશોરે દસ વર્ષ કેસુડાંં વેબ મેગેઝીન ચલાવ્યું હતું, જે હજી જોઈ શકાય છે.

રેતીનું ઘર

બેબી રેતીનું ઘર બનાવવામાં મશગૂલ હતી.

પતિ-પત્ની સૂનમૂન ભવાનીમાતાના ઊછળતા દરિયા કિનારાને તાકી રહ્યાં. સામે માત્ર અફાટ ખારો-ખારો જ દરિયો. દરિયાનું એક મોજું એને કંયાયનુ ક્યાંય ઢસડી ગયું.IMG_1227

એણે હળવેકથી બારણાંને સ્પર્શ કર્યો . સ…સ … હે…જ ધક્કો માર્યો ને બારણું ખૂલ્યું. એ અંદર પ્રવેશ્યો. એ તાકી રહ્યો. આ એનો બેઠક રૂમ. આગળ વધ્યો. આ એનો બેડરૂમ. એ રોમાંચિત થયો. સુહાગરાત… બેબીનો જન્મ… ને એ મધુર સ્મરણોમાં લીન થઈ ગયો. રીડિંગરૂમમાં ધકેલાયો. આ એના પ્રિય ટેબલ ખુરશી. પ્રિય પુસ્તકો ને પ્રિય લેખકો, ટાગોરની તસવીર, કણ્વ મુનિનો આશ્રમ ને શકુંતલાનું મોટું ચિત્ર એ એની પ્રિય દુનિયામાં ખોવાઈ ગયો.

હજુય એ ઓરડા જોઈ રહ્યો હતો. બા-બાપુજીનોય જુદો ઓરડો હતો. બા-બાપુજી જ સાચું ઘર હતાં ને.

થોડી વારે બેબી પાપ્પા નો હાથ ખેંચીને ‘પોતાનું ઘર’ બતાવવા લઈ ગઈ. એ આનંદમાં આવી ગઈ હતી.

એક મોજું આવ્યું ને બેબીનું ઘર …

એક મોજું આવ્યું ને એક પછી એક બા-બાપુજી ગયા ને સાથે પોતાનું ય ઘર…

બેબી ચીસ પાડી ઊઠી. ઘર… મારું ઘર… પપ્પા! મારું ઘર… કરતીક વધુ રડવા લાગી. એ ક્યાંય સુધી હીબકાં ભરતી રહી…

એને પણ લાગી આવ્યું …

બેબીને સમજાવવું વ્યર્થ હતું કે રેતીનું ઘર તો …

એની આંખો પણ દરિયો બની ગઈ હતી …


લેખક: હરીશ મહુવાકર
નવચેતનમાં પ્રસિદ્ધ પામેલી
‘અમે’ પુસ્તક નસીમ મહુવાકર અને હરીશ મહુવાકરનુ સજોડે ટૂંકી વાર્તાઓનું સર્જન છે.
બંનેની વાર્તાઓ દિલને સ્પર્શી જાય તેવી છે.

નવી જિંદગી

નવી જિંદગી, કોકિલા રાવળ, મમતા અંક ૭, મે ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

yellow-line

જ્યારે હેલનનો વર જમૈકામાં કાર એક્સીડન્ટમાં મરી ગયો ત્યારે હેલનને બહુજ મોટો ફટકો લાગ્યો. થોડા દિવસ તો સગાં સંબંધીઓ આશ્વાસન આપવા મળવા આવતાં. પણ પછી એકલી પડી ત્યારે વિચાર કરવા લાગી કે હવે સાત વર્ષની દીકરી ટીનાને કેવી રીતે મોટી કરશે? આજીવિકા બંધ થવાથી જીવવાનું મુશ્કેલ હતું. જમૈકામાં ચારેબાજુ બધે સખત ગરીબી હતી. કોણ કોને મદદ કરે?

મોટીબહેન સલીના અમેરિકા હતી. તે દસેક વર્ષથી ત્યાં હતી અને સ્થાયી થઈ ગઈ હતી. જ્યારે હેલને તેની આગળ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે સલીનાએ અમેરિકા આવવા આગ્રહ કર્યો. હેલન વધારે વિચાર કરે એ પહેલાં તો સલીનાએ સ્પોન્સર કરવાનો કાગળ મોકલી આપ્યો. સાથે અમેરિકા જવાની ટિકીટ પણ મોકલી આપી.

તે વખતે અમેરિકા આવવાના કાયદાઓ કડક નહોતા. હેલન અને ટીના તરતજ વિઝિટિન્ગ વીસા પર આવી ગયાં અને ન્યૂયોર્ક શહેરમાં બીજા અગણિત લોકો સાથે સમાઈ ગયાં.

હેલન બહેનની ઓળખાણથી મોટા ઘરમાં સાફસૂફીના કામ કરવા લાગી.  શરૂમાં થોડો વખત ટીનાને સાથે લઈ જતી. ટીનાને હજુ ડેડીની ખોટ બહુ સાલતી હતી અને બહુ ઇનસિક્યોરટી લાગતી હતી તેથી માને વળગતી હતી. સગીર હોવાના કારણે એકલી મુકાય તેમ નહોતું.

ત્રણચાર મહિને થોડાં પૈસા ભેગાં થતાં સલીનાની મદદથી નજીકમાં અપાર્ટમેન્ટની વ્યવસ્થા કરી ટીનાને સ્કૂલમાં મૂકી. પછી હેલનને થોડી હિંમત આવી. થોડી ઠરીઠામ થઈ. ટીનાને પણ સ્કૂલમાં બીજાં છોકરાંઓ સાથે થોડી દોસ્તી થઈ પછી ગમવા લાગ્યું.

સલીનાને “ટીશર્ટ લેન્ડ”ની કપડાંની હાટડી હતી. હેલન સલીનાને છુટ્ટી કરવા ટીનાને લઈ હાટડીએ જતી. આવતાં જતાં લોકો ટીના સાથે વાતો કરતાં. આજુબાજુ જુદી જુદી વસ્તુઓની હાટડીઓ હતી. એક બાજુ હેરીની પ્લાસ્ટિક્નાં રમકડાંની હાટડી હતી અને બીજી બાજુ હોઝે અને મારિયાની ઘડિયાળની દુકાન હતી. હેરી ટીનાને અવારનવાર રમકડાંઓ ભેટ આપતો. હેલન પણ વાતોડિયણ હતી એટલે હેરી સાથે ગપાટા મારતી.  ધીરે ધીરે તેઓની દોસ્તી બંધાતી ગઈ. પછીતો હેરી હેલનના અપાર્ટમેન્ટ પર આવતો થયો. આવીને ટીના સાથે ચેસ, મોનોપોલી, જિગસો પઝલ્સ રમતો. ક્યારે બાળવાર્તાઓ કહેતો અથવા કોઈ ચોપડીઓમાંથી વાંચી સંભળાવતો. રજાઓ હોય ત્યારે એ ત્રણેય લોકો ક્યાંક પિકનિક પર જતાં.  આમ ત્રિપુટીને સારું જામતું. ટીનાને ડેડીની ખોટ પૂરાવા લાગી. થોડા વખત પછી હેરી અને હેલન લગ્ન કરવાનાં મંતવ્ય ઉપર આવ્યાં. આજે તેઓ કોઈ ઇટાલીઅન રેસ્ટોરન્ટમાં ડિનર માટે જવાનાં હતાં. કારણ હેરી ગોઠણે પડી હેલનને સગાઈની વીંટી પહેરાવવાનો હતો અને પછી તેની સાથે લગ્નના પ્લાન કરવાનો હતો.

મમતાના સૌજન્યથી, અંક ૭, મે ૨૦૧૨
મમતાના સૌજન્યથી, અંક ૭, મે ૨૦૧૨

સલીના ડિનર લઈને આવે એટલી વાર માટે દસ વર્ષની ટીનાને દુકાન સોંપી, બાજુવાળા હોઝે અને મારિયાને ટીનાની ભલામણ કરીને હેરી-હેલન નીકળી ગયાં.

ટીના આજે બહુ મોજમાં હતી. કમર પર મનીબેલ્ટ બાંધી, ખુરશી ઉપર પગ લાંબા કરીને ગોઠવાઈ ગઈ હતી. સાથે તેની એક ઢીંગલી, નાસ્તાનો ડબ્બો હાથવગાં હતાં. ‘ટીશર્ટ લેન્ડ’માં દુનિયાભરના ટીશર્ટ હતાં. ખાસ કરીને અરૂબાનો માલ વધારે હતો. જાણે આખું અરૂબા અહીં ખડું કરી દીધું હતું. ડ્રેસિઝ, ટેન્ક-ટોપ, થેલીઓ વગેરેથી દુકાન ભરેલી હતી. ટેબલની નીચે પણ માલ ભરેલો હતો. જે લોકો પરદેશ જઈ ન શકતાં હોય કે જુદાં જુદાં લખાણવાળાં અને ચિત્રોવાળાં ટીશર્ટ જેને ગમતાં હોય તેઓ ખરીદતાં. અને મનમાં મહાલતાં કે પોતે અરૂબા,પારિસ કે વેનિસ જઈ આવ્યાં છે તેમ બીજાં લોકો ધારશે.

ટીના આજે એકાદ કલાક માટે દુકાનની રાણી હતી. હેરી એનો ડેડી બનશે તેનાં સપનાં જોતી બેઠી બેઠી મલકતી હતી.

yellow-line

 

વ્યવહાર કુશળ

વ્યવહાર કુશળ

કોકિલા રાવળ, મમતા અંક ૬, એપ્રિલ ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

yellow-line

રમીલાકાકીનાં લગ્ન બીજવર સાથે થયેલાં. પોતે બધીજ રીતે બહુ જ કુશળ હતાં. તેના વર વેણીશંકર શાંત પ્રકૃતિના હતા અને શાકબજારના શોપિન્ગસેન્ટરમાં ઇંગલિશ બોલવાના વર્ગના શિક્ષક હતા. રમીલાકાકીએ તો આવતાં વેંત ઘરનો કબજો લઈ લીધો. તેમનાં લગ્ન થયાં ત્યારે ઘરમાં  આગલી વહુનો બારેક વર્ષનો દીકરો દેવેન્દ્ર હતો. તેને પણ તેની માની ખોટ ન સાલે તેવી રીતે રાખતાં. એટલે વેણીશંકરના તો રમીલાકાકી ઉપર ચારે હાથ હતા. તે ઘરના વ્યવહારમાં કાંઈ માથાકૂટ કરતાં નહીં. પગાર આવતાં રમીલાકાકીને આખો પગાર સોંપી દેતાં. લગ્નના એક દાયકામાં કાકીને પણ ત્રણ દીકરીઓ થઈ ગઈ…

દીકરો દેવેન્દ્ર મેટ્રિક પાસ થઈ ગયો હતો. આગળ ભણી શકે તેવો બુદ્ધિમાન નહોતો. એટલે કાકીએ પોતાની લાગવગ લગાવી વોરા બજારમાં બચુ બંગડીવાળાને ત્યાં દેવેન્દ્રને કામે લગાડી દીધો હતો. તે મેડા ઉપરથી ખોખા ઉતારે, ચડાવે, ગોઠવે. મૂંગે મોઢે કામ કર્યા કરતો.

ભાવનગરમાં તેઓ નાગરપોળમાં રહેતાં. ત્યાંથી વોરા બજાર બહુ દૂર નહોતી. એટલે દેવેન્દ્ર ચાલતો જ કામ ઉપર પહોંચી જતો. બપોરે ઘેર જમવા પણ આવી જતો.

હવે કાકી વિચાર કરવા માંડ્યાં કે દેવેન્દ્રને કયાં પરણાવવો. લાંબો વિચાર કરતાં તેમને લાગ્યું કે પરણીને દેવેન્દ્ર સાથે રહે તો સારું, કારણ કે દીકરીઓ તો પરણીને સાસરે જતી રહેશે. જો દેવેન્દ્રની વહુ બરાબર નહીં નીકળે તો દીકરો હાથમાંથી જશે. માગાં આવવાનાં શરૂ થઈ ગયાં હતાં.  તેણે પોતાના પિયરનાં કુટુંબોમાં નજર ફેરવવા માંડી. દૂરના સગપણમાં એક  વિધવા ફઈની સત્તર વર્ષની દીકરી ઊર્મિલા હતી. તે પણ કામે કાજે હોશિયાર હતી. ફઈની દીકરી એટલે સમાઈને રહેશે. ફઈ ઉપર પણ પાડ ચડશે. ઊર્મિલાને થોડા દિવસ ઘરે રહેવા બોલાવી. ગામડેથી આવેલી ઊર્મિલાને ભાવનગર શહેર ગમી ગયું. ઘરના પણ બધાં જાણીતા હતાં. એટલે ઘરમાં પણ ફાવી ગયું. થોડા દિવસમાં તો કાકીએ ધીરે ધીરે રસોઈનો ભાર પણ તેને સોંપવા લાગ્યાં. બપોરની રસોઈ તો તેની પાસે જ કરાવતાં.   દેવેન્દ્રને જમાડવાનું કામ પણ ઊર્મિલાને સોંપી પોતે કપડાને ઘડી કરવાનું કામ, તડકે પાપડ સુકવવાનું કામ વગેરે બીજાં નાનાં મોટાં કામો કરતાં અને બંનેની ઉપર નજર રાખતાં. તેને ખ્યાલ આવી ગયો કે શરૂઆતમાં ઊર્મિલા શરમાતી તે હવે દેવેન્દ્ર સાથે હસી બોલીને વાત કરે છે.

થોડા દિવસ પછી ઊર્મીલા તેને ગામ પાછી ગઈ પછી દેવેન્દ્રને પૂછ્યું કે તને ઊર્મિલા ગમી હોય તો પાકું કરું. દેવેન્દ્રને તો ભાવતું હતું અને વૈદે બતાવ્યા જેવું થયું. તેણે શરમાતાં શરમાતાં હા પાડી. પછી કાકીએ ફૈબા આગળ માગું નાખ્યું એટલે ફઈએ ઊર્મિલાને પૂછ્યું. ઊર્મિલાને પણ ઘરે આવ્યા પછી દેવેન્દ્રના વિચાર શરૂ થઈ ગયેલા. એટલે તેણે પણ હા પાડી દીધી. આમ સગાઈ તો નક્કી થઈ ગઈ.

vyavaar kushal
મમતાનાં સૌજન્યથી, અંક ૬, એપ્રીલ ૨૦૧૨

માગશર મહિને લગ્ન નક્કી કર્યાં.  કાકીએ ફઈબાને જણાવી દીધું કે લગન ભાવનગરમાં જ કરવાં. અને એમની લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. કોઈ કંઈ કહી ન જાય કે આગલીનો દીકરો હતો એટલે બરોબર ન કર્યું. ઊર્મિલાને ઘરેણાના ઘાટ તથા સાડીઓ જોવા બોલાવેલી. બન્ને સાથે જઈ ચડાવવાની સાડીઓ પણ ખરીદી લાવ્યાં. મનને ખૂણે એવું પણ ખરું કે મારાં ફઈની છોકરી છે એટલે બધું ઘરમાં જ રહેશે.  જમતી વખતે એક મિનિટ એકલાં પડ્યાં ત્યારે દેવેન્દ્રએ ઊર્મિલાને દુકાન પર આવવાનું આમંત્રણ આપ્યું અને કાનમાં કહયું કે તને મારી જાતે કોણી સુધી ચડે તેટલી બંગડી પહેરાવવી છે.

આવતી કાલે મહેમાન ઘરમાં આવવાનાં હતાં. રમીલાકાકી આજે શાક બજારે ઊપડ્યાં હતાં. તેનો માનીતો શાકવાળો કાળુભા હતો. કાકી માગ્યો ભાવ આપતાં એટલે કાળુભા તેમને નમતા તોલે શાક જોખતો. તેમના માટે ખાસ તાજો માલ પણ જુદો રાખી મૂકતો. રમીલાકાકીને ત્યાં લગન લેવાણા છે તે ખબર પડતાં તો આગળથી બધો ઓર્ડર પણ લેવા માંડ્યો હતો. કાકી શાકની લારી આગળ આવીને ઊભા ત્યાંતો કાળુભાએ ઓર્ડર પ્રમાણે થેલી તૈયાર જ રાખેલી. કાળુભા કાકીને કહે કે, “કાલથી તમે તકલીફ ન લેતાં. તમારે લગનનાં હજાર કામ હોય એટલે હું તમને ઘરે પહોંચાડી દઈશ.”

એક બહેન કાળુભા સાથે વજનની માથાકૂટ કરતાં હતાં. “ભઈલા, જરા નમતું જોખને!” બીજા બહેન વિચારતાં હતાં કે આ પહેલા શાકવાળા રંગલા પાસે કોઈ ઘરાક નથી પણ જો ત્યાંથી રવૈયા રીંગણાં લઉં તો કોથમીર મરચાં ઉપરથી મફત મળશે. પહેલો શાકવાળો વેચવામાં બેપરવા હતો. નક્કી કરેલા ભાવથી જ શાક વેચતો. કાકીને આ બધું જોવાનો સમય નહોતો. ઈન્ગલિશ ક્લાસની બાજુમાં નાસ્તાની દુકાન હતી. ત્યાંથી નાસ્તાઓ લીધા.બીજા ફેરિયા પાસેથી ટુવાલ, સાબુ, વગેરે લેતાં લેતાં કાકી ઘરે પહોંચ્યાં.

રમીલાકાકીએ પિયર પક્ષ અને જાનૈયા પક્ષની જવાબદારી ઉપાડી લીધી અને વાજતે ગાજતે લગન પાર પાડ્યાં.

yellow-line