અંતરનો નાદ

આજ બારણે અરધી રાતે કોણ ટકોરા દે છે?
શમણું જાણી મનવાળું ત્યાં ફરી ટકોરા દે છે.

નભથી ઊતર્યા તારાગણ સહુ રમી રાતભર થાક્યા ત્યારે
એકલવાયા અંધારામાં કોણ હવે સળવળતું?

સૂકા આ શમણામાં થઈને
રાત રઝળતી વહી ગઈ ત્યાં
ઉષાકિરણનું ઝરણ ક્યાંકથી ફૂટ્યું

‘જરૂર આવશે’ આશા એવી વાટ જોઈને હારી ગઈ ત્યાં
હળવે હળવે ઝાંઝર જેવું, કોણ હવે ઝમકે છે?

આજે બારણે અણધાર્યું આ
કોણ ટકોરા દે છે?


કવિ: ડો. જયંત મહેતા
પુસ્તક: અશ્રુ ઝંખતી આંખો

લાડલી

ફાધર્સ ડે માટે વિચારવા લાયક…IMG_2046

 

પપ્પાને એના ઉપર ખૂબ માન. કેમકે પપ્પાએ કહેલી કોઇ વાત એ ઉથાપતી નહીં.

એને કારેલાં જરાય ન ભાવે. પપ્પા કહે કે કારેલાં તબિયત માટે સારા એટલે ખાઈ લે. હિલ્સવાળા સેન્ડલ ખૂબ ગમે. પપ્પા કહે એનાથી બરાબર ચાલી શકાય નહીં, વળી પડી જવાય તો વાગે. એને સ્કૂટર ચલાવવું ગમે, પણ પપ્પાની લાડલી ક્યાંક ભટકાય જાય તો?

એને સાહિત્ય ખૂબ ગમે. લેક્ચરર થવાનો ખૂબ શોખ. પણ પપ્પાએ સલાહ આપી કે એમાં નોકરી મળેય ખરી, ને નયે મળે. મેડિકલમાં જાય તો ડિગ્રી ઊંચી, વળી પૈસાય સારા મળે. હોંશિયાર છોકરીએ ડોકટર જ બનવું જોઈએ. સાયન્સ ન આવડે એ આર્ટ્સમાં જાય. એણે પપ્પાની વાત માની. પપ્પા ખૂબ જ ખુશ.

એ ડોકટર થઇ ગઈ. પપ્પા ફૂલ્યા ન સમાયા. પપ્પાના કહ્યા મુજબ ચાલી એટલે જ આટલી મોટી ‘સિધ્ધી’ મેળવી શકાઈ.

એના લગ્નની વાત ચાલતી હતી. ઋષિ ડોકટર હતો. અને પપ્પાને ખૂબ ગમતો હતો.

એના મનમાં મિલિન્દ ઊગી આવ્યો.

પણ…..!

લેખક: નસીમ મહુવાકર, ૧૮. ૮. ૯૫, ‘અમે’ પુસ્તક ના સૌજન્યથી (ગુજરાત પ્રવાસી દીપોત્સવી ઓકટોબર ’૯૭) માંપ્રસિદ્ધ